Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના ૧૭ વેટલેન્ડમાં ૨૨૩ પ્રજાતિ ના ૯,૬૯,૭૨૮ પક્ષી નોંધાયા:ગત વર્ષ કરતા સંખ્યા બમણી:વાંચો ખાસ અહેવાલ

પોરબંદરના ૧૭ જળપ્લાવિત વિસ્તારોમાં બે દિવસીય પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના આંકડા જાહેર થયા છે અને ગત વર્ષ ની સરખામણી એ પક્ષીઓ ની સંખ્યા માં બમણો વધારો નોંધાતા પક્ષીપ્રેમીઓ માં ખુશી જોવા મળે છે.

પોરબંદર ખાતે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત દ્વારા વન વિભાગ અને ખાનગી કંપની ના સહયોગ થી તા ૩ અને ૪ ફેબ્રુઆરી એમ બે દિવસ પક્ષીઓની વસ્તીગણતરીનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદર ના ૨૦ પક્ષી નિરીક્ષકો ઉપરાંત રાજ્ય ના અન્ય શહેરો અને મહારાષ્ટ્ર , ગોવા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ૫૦ પક્ષીવિદો જોડાયા હતા.ઉપરાંત કેનેડા ના પક્ષીવિદ પણ જોડાયા હતા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાતના સેક્રેટરી અને વનવિભાગના નિવૃત સી.સી.એફ. ઉદયભાઈ વોરાના નેતૃત્વમાં સમગ્ર આયોજન હાથ ધરાયું હતું.ગણતરી દરમ્યાન ઈ બર્ડ એપ માં તમામ પક્ષીઓ ની નોંધ કરાઈ હતી જે ગણતરી ના આંકડા જાહેર કરતા મોકર સાગર વેટલેન્ડ કમિટી ના ડો ધવલભાઈ વારગીયા એ જણાવ્યું હતું કે આ વર્ષે ગણતરી દરમ્યાન કુલ ૧૭ વેટલેન્ડમાં ૨૨૩ પ્રજાતિ ના ૯,૬૯,૭૨૮ પક્ષી નોંધાયા છે જેમાં ૧૩૧ પ્રજાતિના ૯,૫૯,૩૫૮ વોટરબર્ડસ નોંધાયા છે જયારે ૧૦,૩૭૦ અન્ય પક્ષીઓ નોંધાયા છે.ગત વર્ષે ૨૨૦ પ્રજાતિ ના ૫,૭૬,૮૮૫ પક્ષી નોંધાયા હતા આમ ગત વર્ષ કરતા પક્ષીઓ ની સંખ્યા બમણી નોંધાતા પક્ષીપ્રેમીઓ માં ખુશી ની લાગણી જોવા મળે છે.

પક્ષીઓ ની સંખ્યા બમણી નોંધાવા ના કારણો
ગત વર્ષ ની સરખામણી એ જીલ્લા માં પક્ષીઓ ની સંખ્યા બમણી નોંધાઈ છે જે અંગે ડો. વારગીયાએ જણાવ્યું હતું કે પોરબંદર ના વેટલેન્ડ અન્ય જીલ્લા ના વેટલેન્ડ સાથે પણ સંકળાયેલા છે નજીક ના અન્ય વેટલેન્ડ માં પક્ષીઓ એ પડાવ નાખવાના બદલે અહી પડાવ નાખ્યો હોય તે પણ સંખ્યા બમણી થવાનું કારણ છે ઉપરાંત તમામ વેટલેન્ડ માં પાણી,વાતાવરણ સહિતની બાબતો પક્ષીઓ ને અનુકુળ હોવાના કારણે અહી વધુ પક્ષીઓ આવતા સંખ્યા વધી છે ઉપરાંત જીલ્લા માં છેલ્લા એક દાયકા થી પક્ષી ગણતરી થાય છે જેમાં જોડાયેલા બર્ડ વોચર ના અનુભવ માં અને પક્ષીઓ ની ગણતરી ની સમજ માં વધારો થયો હોવાથી પણ સંખ્યા વધી હોઈ શકે છે અને અગાઉ ના અનુભવ ના આધારે જે વિસ્તાર માં વધુ પક્ષીઓ જોવા મળે છે તે વિસ્તાર ને વધુ કવર કરવામાં આવે છે તેના કારણે પણ સંખ્યા વધી છે.

વેટલેન્ડ પ્રમાણે પક્ષીઓ ની સંખ્યા
સૌથી વધુ પક્ષીઓ મેઢાક્રીક વેટલેન્ડ માં ૬,૪૭, ૪૨૦ પક્ષીઓ નોંધાયા છે જે પૈકી વોટરબર્ડસની સંખ્યા ૬, ૪૬, ૧૬૮ છે.બીજા ક્રમે મોકરસાગર વેટલેન્ડમાં ૧,૨૪ , ૪૦૬ પક્ષીઓ નોંધાયા છે. જેમા વોટરબર્ડસની સંખ્યા ૧, ૨૦, ૮૯૫ છે. ત્રીજા ક્રમે બરડાસાગર વિસ્તારમાં ૫૬,૬૧૮ પક્ષીઓ નોંધાયા છે જેમાં ૫૪૦૪૬ વોટરબર્ડ્સ છે.અમીપુર ડેમ વિસ્તારમાં ૪૨,૪૬૦ પક્ષીઓ નોંધાયા છે જેમાંથી ૪૧,૫૦૨ વોટર બર્ડ્સ છે. છાયા રણ વિસ્તારમાં કુલ ૩૬,૫૩૬માંથી ૩૬,૧૦૫ વોટર બર્ડ્સ નોંધાયા છે. જયારે જીલ્લા ના સૌથી નાના વેટ લેન્ડ પક્ષી અભ્યારણ્યમાં ૨૪૨૫ પક્ષીઓ નોંધાયા છે જેમાંથી ૨૪૦૫ પક્ષીઓ વોટરબર્ડસ છે. કુછડીના જળપ્લાવિત વિસ્તારમાં ૧૮,૮૯૩ પક્ષીઓ માંથી વોટર બર્ડ્સ ૧૮,૭૨૬ છે. જયારે જાવર વિસ્તારમાં કુલ ૪૦,૯૭૦ પક્ષીઓ માંથી ૩૯.૫૧૧ વોટર બડર્સ નોંધાયા છે.

સૌથી વધુ કુંજ પક્ષીઓ સૌથી ઓછા શિકારી પક્ષીઓ નોંધાયા
ગણતરી દરમ્યાન સૌથી વધુ ૩,૯૫,૪૯૭ કુંજ પક્ષીઓ નોંધાયા છે જેમાંથી મેઢાક્રિક માં જ ૩,૬૮,૯૮૭ કુંજ પક્ષી નોંધાયા હતા જયારે શિકારી પક્ષીઓ એટલે કે રેપ્ટર ની સંખ્યા તમામ વિસ્તારો માં ઓછી જોવા મળી છે કુલ ૧૫૪ શિકારી પક્ષીઓ નોંધાયા છે જેમાં સૌથી વધુ ૬૬ મોકરસાગરમાં, ૬ છાયા રણવિસ્તારમાં, ૨ પક્ષી અભ્યારણ્યમાં, ૭ કુછડીમાં, ૧ જાવરમાં, ૨૧ મેઢાક્રીકમાં અને ૧૪ અમીપુરમાં નોંધાયા છે.

પ્રજાતિ વાઈઝ પક્ષીઓ ની સંખ્યા
અલગ-અલગ પ્રજાતિ પ્રમાણે પક્ષીઓ ની સંખ્યા ની વાત કરીએ તો ગ્રીવ્ઝ ૫૫૬૬, પેલીકન ૧૦,૯૯૧,બતક અને હંસ ૨ લાખ ૧૩ હજાર ૧૩૧, રેલ્સ, કુટસ અને ક્રેકસની સંખ્યા ૩૧,૭૪૪, જાકાનાસની સંખ્યા ૩૦૧, કોર્મોરન્ટસ કે જેને જલકાગ તરીકે ઓળખવામાં આવે છે તે ૬૧૪૮, બગલા,ઇગ્રેટસ અને બીટર્નસની સંખ્યા ૯૬૯૨, સ્ટોક્સની સંખ્યા ૨૬૫૬, આઇબીસ અને સ્પુન બીલ્સની સંખ્યા ૬૮૮૪, ફલેમીંગોની સંખ્યા ૧ લાખ ૯૪ હજાર ૮૩૯, કુંજ અને કરકરાની સંખ્યા ૩, ૯૫, ૪૯૭, વેડર્સ અને સોરબર્ડસની સંખ્યા ૩૨૧૬૮, ગર્લ્સ અને ટર્નસ ૪૭,૩૨૫, કીંગફીશર૨૪૯, વેગટેલ અને પીપટીસ(દેશી ધાનચીડી) ૩૬૫, રાપ્ટર્સ૧૫૪, અને અન્ય પક્ષીઓ ૧૬૪૮ મળી કુલ ૯ ,૫૯,૩૫૮ પક્ષીઓ નોંધાયા છે.

મેઢાક્રિક સૌથી મોટો અને શાંત વિસ્તાર હોવાથી સૌથી વધુ પક્ષી નોંધાયા
ડો ધવલભાઈ એ જણાવ્યું હતું કે મેઢાક્રિક માં સૌથી વધુ પક્ષીઓ નોંધાયા છે તેનું કારણ એ છે કે તે વિસ્તાર ખુબ જ મોટો છે અને શાંત વિસ્તાર હોવાથી પક્ષીઓ ને કોઈ જાતની ખલેલ પહોંચતી નથી આથી અહી દર વર્ષે મોટી સંખ્યા માં પક્ષીઓ પડાવ નાખતા હોય છે.

૨૦૧૫ થી અત્યાર સુધી ની પક્ષી ગણતરી ના આંકડા
પોરબંદરમાં ૨૦૧૫ માં પક્ષી ગણતરી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીના આંકડાઓની માહિતી આપતા ડો. વારગીયાએ જણાવ્યું હતું કે, ૨૦૧૫માં ૧૦૩ પક્ષીની પ્રજાતિના ૨૦૮૧૫૦ પક્ષીઓ નોંધાયા હતા., ૨૦૧૬માં ૧૧૮ પ્રજાતિઓના કુલ ૪,૯૬,૬૨૭ પક્ષી , ૨૦૧૭માં ૧૦૪ પક્ષીઓની પ્રજાતિના ૨,૧૨,૧૦૯ પક્ષીઓ, ૨૦૧૮માં ૧૧૧ પ્રજાતિઓના ૨,૨૯,૯૬૮ પક્ષીઓ .,૨૦૧૯માં ૧૨૬ પ્રજાતિઓના ૪૦૦૦૧૮ પક્ષીઓ , ૨૦૨૦માં ૧૩૪ પ્રજાતિઓના ૪,૩૨,૫૮૦ પક્ષીઓ, ૨૦૨૧માં ૧૧૭ પ્રજાતિઓના ૪,૮૨,૮૦૬ પક્ષીઓ, ૨૦૨૨ માં ૧૨૦ પ્રજાતિના ૩૨૬૦૪૬ પક્ષીઓ નોંધાયા હતા ગત વર્ષે ૨૨૦ પ્રજાતિ ના કુલ ૫,૭૬,૮૮૫ પક્ષી નોંધાયા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે