Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

મહેર સમાજનું અનમોલ રતન:ફરજ કાજે યુવાન વયે શહાદત વહોરનાર અમર શહીદ શક્તિસિંહ વીસાણાની અનોખી શોર્યગાથા

પોરબંદર

– વનનું રક્ષણ કરતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આજે પણ સજળ નયને શક્તિસિંહની શહાદતને યાદ કરીને જન્મદિવસ ઉજવે છે.

– અમર શહીદ શક્તિસિંહ વીસાણાની સ્મૃતિમાં રચાયેલું ” વીસાણા મેમોરિયલ ફાઉન્ડેશન ” સમગ્ર દેશ માટે સીમાચિહ્નન રૂપ ….
આલેખન : દેવશી મોઢવાડીયા, પોરબંદર 9825253754

મહેર સમાજની ઇતિહાસ તેમની વીરતા, પરાક્રમ, સાહસ , શોર્ય અને બલિદાનથી ભરપૂર રહ્યો છે, આઝાદી પહેલાના ઇતિહાસ થી આપણને સૌને મહેર શિરોમણી પૂજ્ય માલદેવબાપુ એ ” મહેર જર્વા મરદો ” ના માધ્યમથી પરિચિત કરાવ્યા , આઝાદી પછી પણ આ ખમીરવંતા મહેર સમાજે એવા રત્નોની સમાજ અને રાષ્ટ્રને ભેટ અર્પી છે કે જેમને જરૂર પડ્યે બીજાના રક્ષણ માટે હસતા મોઢે બલિદાન આપીને શહાદત વહોરતા નથી અચકાયા.
આવા એ એક મહેર જર્વા મર્દ એટલે અમર શહીદ શક્તિસિંહ સામતભાઇ વિસાણા ..
મહેર સમાજમાં વિસાણા શાખાની વાત આવે એટલે શિક્ષિત, નોકરિયાત અને સમજણની યાદી પહેલા કરવી પડે .. આવા ઉચ્ચ શિક્ષિત પરિવારમાં શક્તિસિંહ વિસાણાનો જૂનાગઢ ખાતે જન્મ થયો હતો.. અભ્યાસમાં ખુબ તેજસ્વી એવા શક્તિસિંહ રમતગમતમાં પણ એવા જ અવ્વલ … અનેક રમતોમાં ભાગ લઇ અગણિત ઇનામોનાં વિજેતા બનવાનું બહુમાન પણ શક્તિસિંહ વિસાણાના નામે અંકિત છે.. આવા તેજસ્વી અને ઓજસ્વી શક્તિસિંહ વિસાણા ભારતીય વન સેવા ( ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ) માં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે જોડાયા હતા ..

૧૯૮૮ માં ગીર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો એ સમયે ગીર સહીત આસપાસના લોકોનો નિભાવ કરવા માટે સરકારે ગીરમાં રાહતકામ શરુ કર્યું હતું . રાહતકામમાં રોકાયેલા મજૂરોને રોજી ચુકવવાની કામગીરી આર.એફ.ઓ તરીકે ફરજ બજાવતા અને ગીર મધ્યે આવેલા સિંહ સદન ગેસ્ટ હાઉસ ના મેનેજર ની જવાબદારી સંભાળતા શક્તિસિંહ વીસાણા ના શિરે હતી. માનવીય અભિગમ અને માયાળુ સ્વભાવ ધરાવતા શક્તિસિંહ વીસાણાએ જબરી લોકચાહના ઉભી કરી હતી. આ સમયગાળા દરમિયાન ગીરમાં એક બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા ડેર ભાઈ ની નજરે ગેરકાયદેસર રીતે લાકડું કાપતા ઈસમો નજરે પડતા ફોરેસ્ટ ગાર્ડ ડેર ભાઈ પાસે રહેલી રાયફલમાંથી ફાયરિંગ થતા એક મકરાણી ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મકરાણી લોકોની વસ્તીમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોના ટોળે ટોળા એકત્રિત થવા લાગ્યા હતા એને ખૂનનો બદલો લેવા માટે લોકો અધીરા બન્યા હતા.
ગીર ફોરેસ્ટ એરિયામાં બનેલી ફાયરિંગની ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગના એ.સી.એફ શર્મા સાહેબ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાસણ ગીરમાં દોડી આવ્યાના સમાચાર મળતા જ આર.એફ.ઓ શક્તિસિંહ વિસાણા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોતાની ફરજ કે જવાબદારી ન હોવા છતાં પોતાના સહકર્મચારીઓ મુશ્કેલીમાં હોય અને મહેરનો દીકરો મદદે દોડી ન જાય એવું બને ખરું !

મકરાણીઓ હત્યાનો બદલો લેવા અધીરા બન્યા હોય એમ મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા. જે તે સંપર્કના સાધનોના અભાવે ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ વાસ્તવિક પરિસ્થિતિથી સાવ અજાણ હતા. શર્મા સાહેબ સહિતના અધિકારીઓ જેવા ઘટના સ્થળે પહોચતાની સાથે જ મકરાણીઓએ હથિયારો સાથે ટોળામાં હુમલો કરતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

શક્તિસિંહ વિસાણા જેવા ઘટના સ્થળે પહોંચ્યા એજ સમયે હાથમાં ધારદાર ચરી સાથે દોડી આવેલા એક મકરાણી યુવાને શર્મા સાહેબ પર હુમલો કરીને ઘાયલ કરી દીધા . શક્તિસિંહે આ ઘટના નિહાળતાની સાથે જ શર્મા સાહેબને બચાવવા દોટ મૂકી હતી અને શર્મા સાહેબને આડે પાડીને બચાવ કરતા મકરાણી યુવાનના હાથે થી લાગેલો ચાકુનો જીવલેણ ઘા સીધો જ શક્તિસિંહ વિસા ણાની છાતીમાં લાગતાં ત્યાં જ ઢળી પડ્યા હતા.
જે મકરાણી કામદારોને દુષ્કાળના સમયે ચાલી રહેલી રાહત કામગીરીમાં રોજગારી ચુકવતા હતા એજ શક્તિસિંહ ને પોતાના હાથે ઘાયલ ધાયેલા જોઈને મકરાણીઓ પણ હતપ્રદ બની ગયા હતા અને ખુદ સારવાર માટે વાહન માં બેસાડ્યા હતા. કારણ કે મજૂરોમાં શક્તિસિંહ ખુબ લોકપ્રિય હતા
હુમલામાં ઘાયલ થયેલા ફોરેસ્ટ અધિકારી શર્મા સાહેબનો સદનશીબે સારવાર મળતા બચાવ થયો હતો પરંતુ શક્તિસિંહ વિસાણાને છાતીના ભાગે ચાકુ નો ઘા લાગેલો હોય તેમનો કમનશીબે બચાવ ન થતા શક્તિસિંહે શહાદત વહોરી લીધી હતી. શક્તિસિંહ વિસાણાએ શહાદત વહોરી લીધાના સમાચાર વાયુવેગે ફેલાતાંની સાથે જ ફોરેસ્ટ વિભાગ કે મહેર સમાજ જ નહિ સમગ્ર જૂનાગઢમાં સોપો પડી ગયો હતો. ફરજ બજાવતા પોતાના સહ કર્મચારી – અધિકારીઓનો જીવ બચાવવા માટે પોતાની ડ્યુટી ન હોવા છતાં દોડી જઈને સામી છાતીએ શહાદત વહોરનાર શક્તિસિંહ વિસાણાની સ્મશાન યાત્રા નીકળી હતી ત્યારે આખું જૂનાગઢ સજ્જડ બંધ રહ્યું હતું. હજારો લોકો સજળ નયને અમર શહીદ શક્તિસિંહને આખરી વિદાય આપવા તેમની અંતિમ સફરમાં જોડાયા હતા અને સમગ્ર ગુજરાતના તે સમયના અગ્રગણ્ય અખબારોએ પણ તેની નોંધ લીધી હતી.
ફોરેસ્ટ અધિકારી તરીકે સનિષ્ઠ કામગીરી કરવાની સાથે સાથે શક્તિસિંહ વિસાણાએ બહાદુરી અને વીરતાપૂર્વક એક મહેર શૂરવીરને સાજે એવી શહાદત વહોરતા તત્કાલીન ગુજરાત સરકારે ૧ લાખની રોકડ સહાય જાહેર કરી હતી અને ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારીઓએ એક દિવસનો પગાર શક્તિસિંહની શહાદતના માનમાં જમા કરાવી એકત્રિત થયેલ ૨ લાખ અમર શહીદ શક્તિસિંહ ના ધર્મપત્ની નયનાબેન વિસાણાને જયારે ડી.એફ.ઓ બળેજા સાહેબ અર્પણ કરવા ગયા ત્યારે એક મહેરાણીને શોભે એ રીતે સહાયની રકમ સ્વીકારવાને બદલે શહીદ શક્તિસિંહ વિસાણાની સ્મૃતિમાં ટ્રસ્ટ બનાવી તેમાં જમા કરાવવા સુપ્રત કરી દીધા હતા. બેન શ્રી નયનાબેન ની ઉમર નાની હોવા છતાં અને એક માત્ર સંતાન ઉર્વી ૨ વર્ષની જ હોવા છતાં સહાય સ્વીકારવાને બદલે શહીદની સ્મૃતિ જાળવવા માટે સહાયની રકમ પરત કરવી એ નાનુસુનું સમર્પણ ન ગણાય . આજથી ૩૦ વર્ષ પૂર્વે 3 લાખ પણ આજના 30 લાખ બરાબર જ ગણાય .
અમર શહીદ શક્તિસિંહ વિસાણાની સ્મૃતિમાં બનેલા સ્વ.શક્તિસિંહ વિસાણા મેમોરિયલ ગીર ફોરેસ્ટ સ્ટાફ વેલ્ફેર એસોશિએશન દર વર્ષે ૨૪ થી ૨૬ જાન્યુઆરી ના રોજ ત્રણ દિવસનો કાર્યક્રમ યોજીને અમર શહીદ શક્તિસિંહ ને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને રમતગમત , વિદ્યાર્થી સમ્માન સમારોહ , મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરે છે. આજે આ ટ્રસ્ટ પાસે ૨ કરોડ કરતા વધુ રકમનું ભંડોળ રહેલું છે. શહીદ શક્તિસિંહ વિસાણાના માનમાં દરવર્ષે ફોરેસ્ટ વિભાગ ના તમામ કર્મચારીઓ એક દિવસનો પગાર સ્વેચ્છા એ આ ટ્રસ્ટમાં જમા કરાવે છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ પણ આપવામાં આવે છે અને મેડિકલ સારવાર માટે સહાય પણ આપવામાં આવે છે . શહીદ શક્તિસિંહ વિસાણાના ધર્મપત્ની નયનાબેન ને વારસાઈ નોકરી પણ ફોરેસ્ટ વિભાગમાં આપવામાં આવી છે અને આજે પણ સમગ્ર ફોરેસ્ટ વિભાગ બેન શ્રી નયનાબેન નું માન અને સમ્માન બાઅદબ જાળવે છે જે ખુબ સરાહનીય ગણાય.
અમર શહીદ શક્તિસિંહ વિસાણા બતાવેલા શોર્ય અને વીરતાની કદર કરીને ભારતના નામદાર રાષ્ટ્રપતિ દ્વારા ” કીર્તિ ચક્ર ” થી શહીદનું સમ્માન કરવામાં આવ્યું હતું. મહેર સમાજ માટે ગૌરવ ની વાત છે કે એક મહેર શૂરવીરને કીર્તિ ચક્રનું સમ્માન મળ્યું હોય. વીરતા માટેના સમગ્ર રાષ્ટ્રના સૌથી મોટા ત્રણ સમ્માન માનું એક સમ્માન એટલે ” કીર્તિ ચક્ર ”
મહેર સમાજમાં કીર્તિ ચક્ર પ્રાપ્ત કરનાર શક્તિસિંહ વિસાણા પહેલા અને એક માત્ર શહીદ છે.
ગુજરાત સરકાર દ્વારા પણ શહીદ શક્તિસિંહ ની શહાદતને બિરદાવી ને ” વનસેવા ” મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
મહેર જવા મર્દોનો ઇતિહાસ જયારે ફરીથી લખાશે ત્યારે અમર શહીદ શક્તિસિંહ વિસા ણાની શોર્યગાથા જરૂરથી સુવર્ણાક્ષરે લખાશે.
અમર શહીદ શક્તિસિંહ વિસા ણાની શહાદતને કોટી કોટી વંદન
સાથે સાથે સહાયની રકમ સ્વીકારવાને બદલે શાહિદની સ્મૃતિમાં વાપરવા માટે હસતા મોંઢે પરત કરી દેનાર આર્યનારી એવા ગૌરવવંતા મેરાણી બેનશ્રી નયનાબેનને પણ કોટી કોટી વંદન

આલેખન : દેવશી મોઢવાડીયા, પોરબંદર 9825253754

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે