પોરબંદર
પોરબંદર પંથક માં વધુ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.પોરબંદર અને રાણાવાવ ને પીવાનું પૂરું પાડતો ફોદાળા ડેમ પણ ૯૦ %ભરાયો છે જેના પગલે લોકો માં ખુશી જોવા મળે છે
પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે.હજુ પણ જિલ્લા માં ધોધમાર વરસાદ ચાલુ છે વરસાદના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્રારા કરાયેલ કામગીરી અંગે કલેકટર અશોક શર્માએ પત્રકારો સાથે સંવાદ કરી વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં જ સારો વરસાદ થયો છે.નદી,નાળા,ચેક ડેમો,જળાશયો માં પાણી આવ્યા છે.વાવણી થઈ ગઈ છે.
જિલ્લામાં સરેરાશ ૬૩ ટકા વરસાદ વરસ્યો છે.જેમાં રાણાવાવમાં ૭૨.૩૮ ટકા, કુતિયાણામાં ૬૬.૯૨ ટકા તથા પોરબંદરમાં ૪૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે.મહત્વનો ફોદાળા ડેમ ૯૦ ટકા અને ખંભાળા ડેમ ૮૦ ટકા ભરાયા છે. વરસાદના કારણે એક માનવ મૃત્યુ થયેલ છે.જેના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય તુરંત ચૂકવવામાં આવી છે.તથા ૯ પશુના મૃત્યુ થયા છે.જે તમામ પશુના માલિકોને પણ મળવાપાત્ર સહાય ચૂકવવામાં આવી છે.તદઉપરાંત ૧૦ કાચા મકાનને નુકશાન પહોંચ્યું છે.જેને સમયમર્યાદામાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત ઘેડ વિસ્તારના ૧૧૩ રસ્તા પૈકી ૧૨ કામચલાઉ ધોરણે બંધ કરાયા હતા.જે તમામ રસ્તા ચાલુ કરાયા છે.આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં ૧ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું.પાણી ઓસરી જતા સુરક્ષિત પોતાના નિવાસ સ્થાને પહોંચી ગયા છે.
બાંટવા ખારો ડેમનો ૧ દરવાજો ખોલવામાં આવ્યો હોવાથી નીચણવાળા કુતિયાણા તાલુકા. ધરસન,ગઢવાણા,રેવદ્રા તથા તરખાઇ ના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા,માલ-ઢોર નદીમાં ન લઇ જવા સાવચેત કરાયા છે તો ફોદાળા ડેમ ૯૦ ટકા ભરાઈ જતા હેઠવાસ ના ૧૫ ગામો ને સાવધ કરાયા છે.ભડ-ચિકાસા ગ્રામ્ય માર્ગ પર પાણી હોવાનું ધ્યાને આવતાં સાથે જ જીલ્લા પંચાયત બાંધકામ વિભાગ ના એન્જીનીયર કરણસિંહ તાતેર અને મદદનીશ ઈજનેર લીરીબેન સ્થાનિકોની મદદથી રસ્તો બંધ કરવા જાતે પથ્થર ઉપાડીને કામે લાગી ગયા હતા.