પોરબંદર
પોરબંદર જિલ્લામાં તા.૧-૧૦-૨૦૨૨નાં ૧૮ વર્ષ પુરા કરનાર તેવા તમામ નાગરિકોને શરૂ થતા મતદાર યાદીમાં નામ નોંધણી માટે તા.૧૨ ઓગસ્ટથી શરૂ થતા મતદારયાદીના ખાસ સંભવિત સુધારણા કાર્યક્રમ હેઠળ મતદાન મથકોનું પુનગઠન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમા રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ઇ.આર.ઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ સહિત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
તા.૨૧ જુનના રોજ મતદાન મથકોની કરાયેલ પ્રાથમિક પ્રસીધ્ધિ અંગે રાજકીય પક્ષો પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા હતા. તથા તેની વિગતવાર ચર્ચા કરાઇ હતી.
હાલનું બિલ્ડીંગ જર્જરીત કે તોડી પડાયુ હોય, મતદારોને વધુ અનુકુળ હોય તે હેતુથી ૮૩-પોરબંદર વિધાનસભા વિભાગના ૧૪ મતદાન મથકો તથા ૮૪-કુતિયાણા વિધાનસભાના વિભાગના ૪ મતદાન મથકો બદલવા માટે નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત મતદાન મથકો ખાતે મતદારોની સંખ્યાને ધ્યાને લઇ સેક્શન ફેરબદલી બાબતે પણ નિર્ણય કરાયો હતો જેમા ૮૩-પોરબંદર વિસ્તારમાં ૮ મતદાન મથકો તથા ૮૪ કુતિયાણા વિસ્તારના ૧ મતદાન મથકના સેક્શન શીફ્ટ કરાયા હતા.