સૌરાષ્ટ્ર માં વધુ એક વાર લૂંટેરી દુલ્હનની ગેંગ સક્રિય થઈ હોય તેવો બનાવ સામે આવ્યો છે જુનાગઢના મધુરમ વિસ્તારની નાગરિક બેંક સોસાયટીમાં રહેતા નિવૃત પ્રજ્ઞાચક્ષુ શિક્ષક આ લૂંટેરી દુલ્હનની છેતરપિંડીનો ભોગ બન્યા છે, તેમણે ૩ દિવસ પૂર્વે જુનાગઢ ખાતે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે જુનાગઢ પોલીસે ભેસાણ અને મહેસાણાના પુરુષ અને પોરબંદર ની એક સહીત બે મહિલાઓની અટકાયત કરી છે અને મુખ્ય આરોપી આશા રવી ગુપ્તા નામની અમદાવાદની મહિલાને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રૂપિયા 1.30 લાખ લઈને ધર્મની બહેને જૂનાગઢના મધુરમ વિસ્તારની નાગરિક બેંક સોસાયટીમાં રહેતા નિવૃત્ત અંધ શિક્ષક નરેન્દ્રભાઈ માવજીભાઈ વાળા ઉ. વ. 68ના લગ્ન કરાવ્યા હતા અને બાદમાં પત્ની આશા રવિ ગુપ્તા સોનાનું પેન્ડલ લઈને ગુમ થઈ ગઈ હતી. આ મામલે પોરબંદર રહેતી ધર્મની બહેન મીનાબેન લીલાભાઈ બાપોદરા, ભેસાણ તાલુકાના હડમતીયા ગામના યુનુસ ઉર્ફે સબ્બીર ઇસ્માઈલભાઈ વિશળ, મહેસાણાના ખોડીયારવાસમાં રહેતી નૂરીબીબી સલુમીયા કુરેશી અને નરોડા અમદાવાદની આશાબેન રવિભાઈ ગુપ્તા સહિત ચાર સામે સી ડિવિઝનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે યુનુસ , પોરબંદરના પૂનમ એપાર્ટમેન્ટમાં રહેતી મીનાબેન બાપોદરા અને મહેસાણાના કડી શહેરમાં રહેતી નુરી ખુરેશીની અટકાયત કરી છે. જોકે, મુખ્ય આરોપી અને લગ્ન વાંચુકો સાથે લગ્ન કરીને ફરાર થઈ જતી અમદાવાદની આશા ગુપ્તા હાલ પોલીસ પકડથી દૂર છે જેને પકડી પાડવા માટે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મુખ્ય આરોપી આશા ગુપ્તા અને તેના અન્ય ત્રણ સાગરીતો એ લગ્ન વાચ્છુક શિકારને શોધીને તેની સાથે છેતરપિંડી કરવાનું કાવતરું રચ્યું હતું .જેમાં જૂનાગઢના અંધ શિક્ષકને આશા ગુપ્તાએ લગ્ન કરવાની લાલચ આપી, સૌ પ્રથમ આશાએ પુનઃ લગ્ન નોટરી અને લગ્ન માટેના ખર્ચ પેટે શિક્ષક પાસેથી 1 લાખ 30 હજાર રોકડ રકમ પડાવી લીધી હતી. ત્યાર બાદ લગ્ન કરીને પાંચ દિવસ બાદ ફરિયાદી શિક્ષકના ઘરમાં રહેલા 60,000ના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.