પોરબંદર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તા. ૧૦ એપ્રિલના રોજ સાંજે ૬ કલાકે માધવપુર ખાતે લોકમેળાનું ઉદ્દઘાટન કરશે.આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ,મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રી અરવિંદ ભાઈ રૈયાણી સહિત મહાનુભાવો,અધિકારીઓ, જુદા જુદા રાજ્યના કલાકારો તથા બહોળી સંખ્યામાં યાત્રિકો અને માધવપુર ગ્રામજનો ઉપસ્થિત રહેશે.
મેળા નો પ્રારંભ કરાવ્યા બાદ રાષ્ટ્રપતિ નું પ્રવચન યોજાશે.ત્યાર બાદ તેઓ મેળા માં વિવિધ સ્ટોલની મુલાકાત લેશે.અને સાંજે 7-30 વાગ્યે તેઓ વિમાન માર્ગે જ સોમનાથ જવા રવાના થશે.અગાઉ તેઓ પોરબંદર ખાતે રાત્રી રોકાણ કરવાના હતા.પરંતુ તે કાર્યક્રમ રદ કરી સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરશે.
મેળા માટે પોરબંદરના એસ.ટી. વિભાગ દ્વારા ૧૦૦ જેટલી એસ.ટી. બસો ફાળવી દેવામાં આવી છે.જેમાં ૭૦ પોરબંદર શહેર માટે,કુતિયાણા માટે ૧૮ અને રાણાવાવ માટે ૧ર જેટલી બસો ફાળવાઈ છે.આ મેળો તા ૧૩ એપ્રિલ સુધી એટલે કે ચાર દિવસ સુધી ચાલશે.અને દરરોજ સાંજે વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો
તા. 10ના રોજ સાંજે 7 કલાકે લોકમેળા ના ઉદ્ઘાટન બાદ પાર્થિવ ગોહિલ ગુજરાતી જલસો નામક મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે ત્યાર બાદ આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુરના કલાકારો ના ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાશે
તા. 11ના રોજ સાંજે મેઘાલય,નાગાલેંડ ના કલાકારો દ્વારા કાર્યક્રમ રજુ કરાશે ઉપરાંત પોરબંદર ના રાણાભાઈ સીડા ની ટીમ દ્વારા મહેર મણિયારો રાસ, જૂનાગઢના હકુભાઈ જોશી દ્વારા રાસ ગરબા, રાજ બોખીરિયા દ્વારા તલવાર રાસ,તથા ચોરવાડ ના ભીખાભાઈ વાજા દ્વારા ટીપ્પણી રાસ રજુ કરાશે અને સાહિત્યકાર આદિત્ય ગઢવી દ્વારા શ્રીકૃષ્ણ ને લગતું લોક સાહિત્ય પીરસવામાં આવશે
તા. 12ના રોજ સાંજે ભાવનગરની વિનિતા ઝાલા દ્વારા કૃષ્ણ વંદના,નાગાલેંડ, સિક્કિમ ના કલાકારો દ્વારા રાસ, કચ્છ ના ચિન્મય ભટ્ટ દ્વારા કચ્છી નૃત્ય, દ્વારકાના ઝાંઝરી ગ્રુપ દ્વારા રાસ, પોરબંદર ના સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટસ ના હરેશ મઢવી તથા તેના ગ્રુપ દ્વારા રાસ તથા સાઈરામ દવે દ્વારા લોક સાહિત્ય નો રસ પીરસવામાં આવશે
તા. 13 ના સાંજે ત્રિપુરાના કલાકારો દ્વારા નૃત્ય, બોટાદના જયપાલસિંહ ઝાલા દ્વારા મિશ્ર રાસ, મણિપુરના કલાકારો દ્વારા રાસ અને આસામ ના કલાકારો દ્વારા બિહુ નૃત્ય રજુ કરવામાં આવશે જયારે ચોરવાડ ના પ્રવીણભાઈ વાઢેર દ્વારા ટિપ્પણીરાસ, પોરબંદર ના કામદાર કલ્યાણ કેન્દ્ર દ્વારા ગરબા,લીલાભાઈ રાણાવાયા દ્વારા મણિયારો રાસ ઉપરાંત સચિન લીમયે અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા સાંગીતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે