પોરબંદરના માધવપુર ખાતે તા.૩૦ માર્ચથી પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરાયું છે. ત્યારે સ્ટેજ પરથી જુદી જુદી કૃતિઓ રજૂ કરનાર ટીમો પોરબંદર આવી પહોંચી છે. જેમાં અરુણાચલ પ્રદેશ તથા આસામની ટીમ તથા સ્થાનિક ત્રણ ટીમો રત્નસાગર હોલ ખાતે રિહર્સલ કરી રહ્યા છે.
માધવપુરના મેળામાં આસામ અને અરુણાચલ પ્રદેશની બે ટીમો ખેત પાકોના વાવેતર, તેની જાણવણી અને પાકની લણણીના પ્રસંગો તથા નવા ધાન્ય ઘરમાં અને ગામમાં આવે તેની ખુશીમાં ગવાતા ગીતો પરંપરાગત વેશભૂષામાં રજૂ કરવામાં આવશે. તથા પહાડોમાં સ્થાનિક લોકો જંગલ વિસ્તારમાં ખેતીનું વાવેતર કરે તેને રજૂ કરાશે.
આસામથી પોતાના ગ્રુપ સાથે આવેલા માનવ જૂટીગાઈએ કહ્યું કે, માધવપુર ખાતે યોજનાર મેળામાં અમે આસામનું લોક ગીત મિસિંગ ગુમરાગ રજૂ કરશું. આસામમાં ચોખાનું વાવેતર થાય છે. ત્યારે ચોખાના પાકની વાવણી અને પાકને લણતા હોય તેના પર આ લોક ગીત છે. ખેડૂતો અને શ્રમિકો જ્યારે પાકનું વાવેતર કરે, લણે, પાકની જાળવણી કરે તેને ઉજાગર કરતું આ લોકગીત છે. જેમાં ઢોલ, મંજીરા સાથે કૃતિ રજૂ કરતા હોય છે.
અરુણાચલ પ્રદેશના જેસીકા પેગુએ ઉત્સાહથી કહ્યું કે, ગુજરાત સરકારે મોટાપાયે આ પ્રકારનો કાર્યક્રમ યોજતા માધવપુર મેળા આવવાનો અવસર મળ્યો છે. અમારું ગ્રુપ બે કૃતિ રજૂ કરશે જે પહાડી વિસ્તારોમાં સ્થાનિક લોકો દ્વારા પહાડોમાં ખેતીનું ઉત્પાદન કરવામાં આવે, ખેતીના પાકોનું વાવેતર, તેની જાણવણી, પાકની લણણી સમયે ખેડૂતો અને શ્રમિકો હાથેથી ધાનને કાપે તે પરંપરાગત પાકું જોતા કૃતિના માધ્યમથી ટ્રેડિશનલ પહેરવેશ સાથે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બીજી કૃતિ પાક ઉત્પાદન થયા પછી નવા ધાન્ય પાકો ઘરમાં અને ગામમાં આવે તેની ખુશીમાં ગામલોકો હારવેસ્ટ ફેસ્ટિવલ ઉજવે તે પ્રસંગને અનુરૂપ કૃતિ રજુ કરવામાં આવશે.