પોરબંદર માં માછીમારો માટે કાચબા છટકબારી નેટ માટે વર્કશોપ યોજાયો હતો. જેમાં મહત્વનું માર્ગદર્શન અપાયું હતું.
એમપેડા, સીઆઈએફટી વેરાવળ, ફિશરીઝ વિભાગ પોરબંદર અને બોટ એસોસિએશન પોરબંદરના સહયોગથી પોરબંદરમાં ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (TED) પર બે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સમુદ્રમાં માછીમારી દરમ્યાન નેટમાં આવતા કાચબાના બચાવ માટે માછીમારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસસીઓ નેટફિશના જીજ્ઞેશભાઈ વિસાવડિયા દ્રારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજુ કરી માછીમારોને સંબંધિત વિડિયો બતાવી માહિતગાર કરવામાં આવ્યા હતા.
હાલ માં 2019 થી યુએસએમાં દરિયાઇ જિંગા લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેમકે ટ્રોલ બોટ માં કાચબા છટક બારી ની ઉપયોગ કરવામાં આવતો નથી જેથી માછીમારો ને દર વર્ષે થતું નુકશાન અટકાવી શકાશે. વહેલી તકે ટ્રોલ બોટમાં ટેડ ની અમલવારી કરીને યુએસએમાં દરિયાના જિંગા એક્સપોર્ટ ચાલુ થાય તે માટે પ્રયાસો કરવામાં સહભાગી થવા કહ્યું હતું. ગુજરાતમાં ટ્રોલર ગિયરમાં ટેડના તાત્કાલિક અમલીકરણ અંગે સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે એમપેડા, એસઆરડી, ડીડી શ્રીમાળી વિનોદકુમાર, મત્સ્યોધોગ વિભાગના એડી તુષારભાઈ કોટીયા અને ડી.એલ.ચૌહાણ, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી અને ઉપપ્રમુખ ધર્મેશભાઈ ગોહેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૮૦ સક્રિય માછીમારો સહભાગી થયા હતા. કાર્યક્રમની આભારવિધી નેટફિશના એચડીસી ઉત્તમ લોઢારી અને કેતન ખુદાઈએ કરી હતી.