પોરબંદર ના માધવપુર ગામે ગેરકાયદે ચાલી રહેલ ખાણ માં વીજશોક ના કારણે શ્રમિક નું મોત થયું છે બીજી તરફ તંત્ર એ બળેજ ગામે દરોડો પાડી ગેરકાયદે ખાણ ઝડપી લઇ લાખો નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદર ના માધવપુર થી મિયાણી સુધી ની દરિયાઈ પટ્ટી પર ખનીજચોરો ફરી સક્રિય થયા છે. અને રાત્રી ના સમયે સમગ્ર દરિયાઈ પટ્ટી પર ગેરકાયદે ખાણો ધમધમી રહી છે. ત્યારે આવી જ એક ગેરકાયદે ખાણ કે જેમાં નિયત લીઝ ની બહાર ના ભાગે ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યારે ગત રાત્રે આઠેક વાગ્યા ના અરસા માં અહી કામ કરી રહેલ મૂળ માધવપુર ના નારણભાઈ વિરમભાઇ વાજા (ઉવ ૪૨)નામના મજુરને એકાએક વીજશોક લાગતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. જયારે અન્ય કેટલાક મજૂરો ને પણ વીજ કરંટ ની અસર જોવા મળી હતી.
બનાવ ના પગલે શ્રમિક ના પરિવાર અને અન્ય શ્રમિકો માં અરેરાટી વ્યાપી ગઈ હતી. પીજીવીસીએલ ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. અને વીજ કનેક્શન કાયદેસર હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી. ખાણખનીજ વિભાગે તપાસ હાથ ધરતા લીઝ ની બહાર ખોદકામ થતું હોવાનું સામે આવતા સ્થળ પર થી ૩ ચકરડી કબ્જે કરી સર્વે સહિતની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ ખાણખનીજ વિભાગ ને ઊંઘતું રાખી ગ્રામ્ય મામલતદાર સંદીપસિંહ જાદવ સહિતની ટીમે બળેજ ગામે ચેકિંગ હાથ ધરી ૧ ગેરકાયદે ખાણ ઝડપી લીધી હતી. અને સ્થળ પર થી ૩ ચકરડી મશીન,૧ જનરેટર અને `૧ ટ્રેક્ટર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચાલુ માસ માં તંત્ર દ્વારા રાતડી,બળેજ અને માધવપુર ખાતે દરોડા પાડી ૧૦ થી વધુ ગેરકાયદે ખાણો ઝડપી લીધી છે. જેમાં ખાણખનીજ વિભાગે માત્ર સર્વે કરવા પુરતી કામગીરી બજાવી છે. ત્યારે હવે માધવપુર ગામે ગેરકાયદે ખાણ માં શ્રમિકે જીવ ગુમાવ્યા બાદ ખાણખનીજ વિભાગ ની ઊંઘ ઉડી હોય તેમ ચકરડી કબ્જે કરી છે જેને લઇ ને અનેક ચર્ચાઓ જાગી છે. હજુ પણ મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર અનેક ગેરકાયદે ખાણો ધમધમી રહી છે.ત્યારે તંત્ર ખનીજચોરી અટકાવવા દરોડા પાડી રહ્યું છે પરંતુ ખાણખનીજ હજુ ઊંઘ માં છે ત્યારે એસ એમ સી દ્વારા અથવા વિજીલન્સ દ્વારા પણ દરોડા પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.