પોરબંદર નજીક સમુદ્ર માં પેટ્રોલ ટેન્કર માં મેડીકલ ઈમરજન્સી સર્જાતા રેસ્ક્યુ માટે ગયેલ કોસ્ટગાર્ડ નું હેલિકોપ્ટર ક્રેશ થતા ૨ જવાનો ના મોત થયા હતા. જયારે એક જવાન નું રેસ્ક્યુ કરાયું હતું. અને એક જવાન સમુદ્ર માં ગુમ થયો હતો જેની ૩૬ કલાક બાદ પણ ભાળ ન મળતા ચિંતા નું મોજું ફરી વળ્યું છે.
પોરબંદરથી ૧૦૦ કિ.મી. દૂર સમુદ્રમાં મોટર ટેન્કર (જહાજ) ‘હરિલીલા’માં એક ક્રૂ મેમ્બરને ગંભીર ઇજા થઇ હોવાથી કોસ્ટગાર્ડ ની મદદ માંગવામાં આવી હતી. આથી રેસ્ક્યુ માટે કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવ રવાના કરવામાં આવ્યુ હતુ પરંતુ આ હેલિકોપ્ટર જહાજ સુધી પહોંચે તે પહેલા જ તેને અચાનક કોઈ કારણોસર સમુદ્ર માં ઇમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. તે દરમ્યાન એકાએક હેલિકોપ્ટર ક્રેશ થતા હેલીકોપ્ટર માં રહેલ ચાર જવાનો સમુદ્રમાં પડી ગયા હતા. જેમાંથી એક જવાનનો બચાવ થયો હતો. જયારે ૨ જવાન ના મૃતદેહ મળી આવ્યા હતા. અને એક જવાન ની શોધખોળ ચાલી રહી છે.
આ સમગ્ર મામલે પોરબંદરના નવીબંદર મરીન પોલીસ મથકમાં એ.ડી. નોંધ કરાઈ છે જેમાં મૂળ હિમાચલ પ્રદેશ તથા હાલ પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે ફરજ બજાવતા સ્પર્શ સંજીવ સૈનીએ જાહેર કરેલી વિગત મુજબ કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર સી.જી. ૮૬૩ મેડીકલ ઇમરજન્સી રેસ્ક્યુ માટે અરબી સમુદ્રમાં ગયુ હતુ અને પોરબંદરથી ૩૦ નોટીકલ માઇલ દૂર દરિયામાં કોઇપણ કારણોસર હેલિકોપ્ટર ક્રેશ થતા કેરાલાના કોમોડર વીપીન બાબુ (ઉ.વ. ૩૮) તથા હરિયાણા ના કરણસિંઘ (ઉવ ૩૦) નું સમુદ્રમાં ડૂબી જવાથી મોત થયુ છે. જયારે રેસ્ક્યુ કરાયેલા ગૌતમ કુમાર નામના કોસ્ટગાર્ડ કર્મચારીને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જયારે ચંડીગઢ ના વતની કોમોડર રાકેશકુમાર રાણા(ઉવ ૩૯) હજુ પણ લાપતા છે. અને તેની શોધખોળ ચાલી રહી છે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઈ પી.એસ. ઝાલા ચલાવે છે. બે કર્મચારીઓ ના મોત થતા અને હજુ સુધી એક કર્મચારી ની ભાળ ન મળતા કોસ્ટગાર્ડ અધિકારીઓ અને કર્મચારીઓ માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે.