પોરબંદર જિલ્લા લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના આયોજન અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે. તા. ૭ મેના લોકશાહીના આ મહાપર્વમાં સૌ જોડાઈ તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી જાગૃતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ચૂંટણી ફરજમાં દિવ્યાંગ અધિકારી-કર્મચારીઓ આગળ આવ્યા છે. જિલ્લામાં દિવ્યાંગો સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવશે. જેમાં દિવ્યાંગ અધિકારી- કર્મચારીઓ પ્રિસાઇડિંગ, પોલિંગ -૧, પોલિંગ ઓફિસર તરીકે ફરજ બજાવશે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કે.ડી. લાખાણી દ્વારા જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયાને સમાવેશી અને સહભાગી બનાવવા માટે ભારતના ચૂંટણી પંચએ જુદા જુદા રચનાત્મક પ્રયાસો હાથ ધર્યા છે. મહિલા, યુવા, પી.ડબલ્યુ.ડી. વગેરે સંચાલિત મતદાન મથકો તૈયાર કરવામાં આવે છે.
આમ, ચૂંટણી પ્રક્રિયામાં આ આગવા અભિગમથી લોકોને વધુ શ્રેષ્ઠ કરવા માટે પ્રેરણા મળે છે, સાથે જ મતદાન માટે લાયકાત ધરાવતા પી.ડબલ્યુ.ડી. નાગરિકો મતદાન કરવા માટે પ્રેરિત થાય છે. આમ, દિવ્યાંગ અધિકારી-કર્મચારી સંચાલિત મતદાન મથકો સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે, સાથે જ લોકોને મતદાન કરવા માટે પણ પ્રેરિત કરે છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીએ જણાવ્યું કે, ચૂંટણી પંચ દિવ્યાંગ વ્યક્તિઓને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ શકે તે માટે મતદાન કર્મચારી (પોલિંગ પર્સનલ) તરીકે ફરજ સોપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, તમામ મતદાન મથક સ્ટાફ તરીકે પી.ડબલ્યુ.ડી. સંચાલિત મતદાન મથકનો ખ્યાલ એ દિશામાં એક સકારાત્મક પગલું છે. ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમની વિશેષ જરૂરિયાતો તથા તેઓને પડતી મુશ્કેલીઓ ધ્યાને રાખીને પી.ડબલ્યુ.ડી. અધિકારીઓને સંચાલિત મતદાન મથકો પર ફરજ સોંપવામાં આવે છે. ઉપરાંત ચૂંટણી ફરજ પરના દિવ્યાંગ સ્ટાફને અન્ય જરૂરી સુવિધાઓ મળી રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.
પોરબંદરમાં આવેલ મ્યુનિસિપલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે તેમજ ટુકડા ગોસાની પ્રાથમિક સ્કૂલમાં દિવ્યાંગ માટે મતદાન મથક તૈયાર કરવામાં આવશે, જ્યાં દિવ્યાંગ અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગ મતદારો તેના મતાધિકારને સહજ રીતે અને વધુ સુવિધાભર્યો બનાવવાના ઉદ્દેશથી ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપ તૈયાર કરવામાં આવી છે. આ એપની મદદથી દિવ્યાંગજનો માટે મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયા સરળ બનશે. તેમજ મતદાન કરવા બુથ પર જવા માટે વ્હીલચેરની આ એપ થકી વિનંતી કરી શકાય છે. મતદાન મથકો અંગેની માહિતી, મતદાન મથકનું સ્થાન, મતદાન મથક પર ઉપલબ્ધ સુલભતા, સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતો પણ એપ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.