જેસીઆઈ પોરબંદર દ્વારા છેલ્લા દસ વર્ષથી પોરબંદર વિસ્તારના નવોદિત કલાકારોમાં છુપાયેલી સંગીતની કલાને ઉજાગર કરવા અને આ નવોદિત કલાકારોને યોગ્ય સ્ટેજ પૂરું પાડવા વોઇસ ઓફ પોરબંદર સીંગિંગ કોમ્પિટિશન કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ વોઇસ ઓફ પોરબંદર સિગિંગ કોમ્પિટિશનનું બિરલા હોલ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 28 નવોદિત કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી.
■ઓડીશનમાં 110 કલાકારોએ ભાગ લીધો.
વોઇસ ઓફ પોરબંદર સિગિંગ કોમ્પિટિશન માટે યોજાયેલ પ્રિસિલેક્શનમાં પોરબંદર જિલ્લાના 110 નવોદિત કલાકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી ફાઇનલ સ્પર્ધા માટે 28 યુવક યુવતીઓ અને બાળકોની પસંદગી કરવામાં આવી હતી.
■ફાઇનલના વિજેતાઓ…..
પ્રિસિલેક્શનમાં પસંદગી પામેલ 28 કલાકારોએ ફાઇનલ સ્પર્ધામાં પોતાની કલા રજૂ કરી હતી જેમાં સિનિયર વિભાગમાં પ્રથમ ક્રમાંકે આનંદ વ્યાસ, બીજા નંબરે અદિતિ દવે અને ત્રીજા નંબરે પૂજા સોમૈયા વિજેતા બન્યા હતા.
જુનિયર વિભાગમાં પ્રથમ નંબરે દિવ્યેશ અપારનાથી, બીજા નંબરે ધાર્મિક મકવાણા અને ત્રીજા નંબરે એન્જલ મોઢવાડીયા વિજેતા જાહેર થયા હતા. આ તમામ વિજેતાઓને સિલ્ડ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
■અઠવાડિયા સુધી તાલીમ આપવામાં આવી….
આ સ્પર્ધામાં કુલ 110 કલાકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી પ્રિસિલેક્શન રાઉન્ડમાં 28 કલાકારોને પસંદ કરવામાં આવ્યા હતા. પસંદગી પામેલા આ સ્પર્ધકોને એક અઠવાડિયા સુધી પ્રખ્યાત કીબોર્ડ આર્ટિસ્ટ કપિલ જોશી, રવિ એરડા અને ડૉ. રાજેશ કોટેચા દ્વારા સુર તાલનું જ્ઞાન ગીતની પસંદગી વગેરે તાલિમ આપવામાં આવી હતી.
■પ્રોજેક્ટ ટીમની મહેનત રંગ લાવી…
વોઈસ ઓફ પોરબંદરને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદીયા, સેક્રેટરી રાધેશ દાસાણી, પ્રોજેક્ટ ચેરમેન વિવેક લાખાણી, હરેશ રાડીયા, રાજેશ રામાણી, કેવલ પટેલ, સમીર ધોયડા અને જેસીઆઈ પોરબંદરના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
■ મહાનુભાવોએ આયોજનને બિરદાવ્યું..
વોઇસ ઓફ પોરબંદર સીંગિંગ કોમ્પિટિશન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી, અતિથિ વિશેષ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જેસીઆઈ ઇન્ડિયા રાષ્ટ્રીય ખજાનચી બિરાજ કોટેચા, ઝોન ઉપપ્રમુખ રોનક દાસાણી તથા પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જ્ઞાતિ સમાજના આગેવાનો સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અને ધારાસભ્યએ જેસીઆઈ પોરબંદરના આ સુંદર આયોજનને બિરદાવી પોરબંદરમાં છુપાયેલી સંગીતની કલાને ઉજાગર કરવા બદલ જેસીઆઈની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ સંગીત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. જયદીપ શાહ, મિલન વસાવડા, અમીબેન પઢીયાર અને પ્રણય રાવલે સેવા આપી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ કોટેચાએ કર્યું હતું.