પોરબંદર જીલ્લા ના ગ્રામીણ વિસ્તાર ના ૧૫૭ મકાનો નું ૧૦ મી એ વડાપ્રધાન ના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવશે.
આગામી તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના દરેક જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇ- લોકાર્પણ અને ઇ- -ખાતમુહૂર્તના કાર્યક્રમો થવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ વિધાનસભા વાઈઝ યોજાનારા કાર્યક્રમમાં લાભાર્થીઓ અને સ્થાનિક નાગરિકો નિહાળશે. ત્યારે પોરબંદર જિલ્લામાં પોરબંદર વિસ્તારનો કાર્યક્રમ માર્કેટ યાર્ડ ખાતે અને ગ્રામ્ય વિસ્તારનો કાર્યક્રમ કુતિયાણાના મહિયારી ખાતે યોજવાનો છે.
આ કાર્યક્રમમાં અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને પ્રતિકરુપ લાભાર્થીઓને આવાસ યોજના ના પૂર્ણ કામો ના મકાનોની ચાવી અર્પણ કરાશે. આ કાર્યક્રમના આયોજન અંગે કલેકટર કે.ડી લાખાણી ના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઇ હતી. જેમાં અધિક કલેકટર આર.એમ. રાયજાદા, પ્રાંત અધિકારી પારસ વાંદા તેમજ તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
જેમની પાસે રહેવાનો આશરો નથી કે કાચા મકાનમાં રહે છે એવા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અનેક પરિવારો માટે ખુશી નું માધ્યમ બની છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રશાસન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક સિદ્ધિઓ હાંસલ થઈ છે એવી સિદ્ધિ પોરબંદર જિલ્લાને પણ મળી છે.પોરબંદર જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 804 પરિવારોને ઘરનું ઘર મળ્યું છે કે જેઓ પહેલા કાચા મકાનમાં રહેતા હતા.
પોરબંદર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામના આંગણે જ મકાન વિહોણા લોકોને આ યોજનાની માહિતી મળે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં ટીમ વર્ક થી સાત વર્ષથી કામ કરવામાં આવ્યું છે, જેના કારણે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં આવાસ યોજના હેઠળ 942 મકાનોની મંજૂરી મળી છે. જેમાંથી 804 મકાનોના કામો પૂર્ણ થઈ ગયા છે અને 120 મકાનોના કામ ચાલુ છે.છેલ્લા તબક્કાના પૂર્ણ થયેલા કામો પૈકી 157 પરિવારોને ગ્રામીણ વિસ્તારમાં તા.10 મી એ ઘરનું ઘર મળવાનું છે. બનાસકાંઠા જિલ્લામાંથી પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમોમાં પોરબંદર જિલ્લામાં પણ કાર્યક્રમ પોરબંદર ખાતે અને કુતિયાણાના મહિયારી ખાતે યોજાવાનો છે.
પોરબંદર જિલ્લામાં સાત વર્ષમાં 10 કરોડથી વધુ રકમ આવાસ યોજના હેઠળ મંજૂર આવી છે .જેમાં 9.64 કરોડની સહાય મકાન ધારકોના ખાતામાં જમા કરવામાં આવી છે. કલેકટર કે.ડી.લાખાણી એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ની સફળતાને લીધે અનેક પરિવારોમાં ખુશી છે. પોરબંદર જેવા દરિયાકાંઠાના જિલ્લા માટે આ યોજનાની સિદ્ધિ લાભાર્થી માટે સામાજિક દરજ્જા ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વની છે કારણ કે થોડા મહિનાઓ પહેલા આવેલ બીપોરજોય વાવાઝોડા દરમિયાન પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠાના ગામોમાં ખાસ કોઈ નુકસાનગ્રસ્ત અસર થઈ ન હતી તેનું એક કારણ લોકો પહેલા કરતાં મોટી સંખ્યામાં પાકા મકાનમાં રહેતા થયા છે તે પણ હતું અને તેમાં આ યોજનાની પણ સફળતા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક રેખાબા સરવૈયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીને રૂપિયા 1.20 લાખની સહાય ચૂકવવામાં આવે છે. છ મહિનામાં કામગીરી પૂર્ણ કરે તો ઉચ્ચક સહાય રૂપિયા 20,000,, બાથરૂમ સહાય રૂપિયા 5000 અને નરેગા હેઠળ તેમના શ્રમને આવરી લઈને રોજગારી સહિત રૂપિયા 1.68 લાખ ગ્રામ્ય વિસ્તારમાં ચૂકવવામાં આવે છે.