પોરબંદર
કાચબા એ કુદરત ની અણમોલ ભેટ છે પોરબંદર સહીત સૌરાષ્ટ્ર માં મુખ્યત્વે ગ્રીન સી ટર્ટલ પ્રજાતિ ના કાચબા વધુ જોવા મળે છે આ પ્રજાતિ એ લુપ્ત થતી કાચબા ની પ્રજાતિ હોવાથી તંત્ર દ્વારા માધવપુર નજીક કાચબા ઉછેર કેન્દ્ર નું નિર્માણ કરવામાં આવ્યું છે તો ચાલો પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ મારફત જાણીએ કાચબા ઉછેર કેન્દ્ર વિષે વિવિધ જાણી –અજાણી વાતો તેમજ ડોકિયું કરીએ ગ્રીન સી ટર્ટલ પ્રજાતિ ના કાચબો ની અદભુત દુનિયા માં
પોરબંદરના માધવપુરથી મીંયાણી સુધી 112 કીમી લાંબો દરિયા કિનારો આવેલ છે. અને આ સમુદ્ર કિનાર પર લુપ્ત થઇ રહેલ કાચબાની પ્રજાતિ ગ્રીન સી ટર્ટલ ઇંડા મુકવા આવે છે. ખાસ કરીને આ કાચબા ઇંડા મુકવા માટેનું સ્થળ માધવપુર બીચ વધુ માત્રામાં પસંદ કરે છે.
દર વર્ષે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગ્રીન સી ટર્ટલ ઇંડા મુકે છે. ત્યારે ચાલુ વર્ષ દરમિયાન માધવપુર ખાતે આવેલ કાચબા ઉછેર કેન્દ્રમાં કાચબી ના ૪૧ માળા માં આવેલ ઈંડા માંથી અત્યાર સુધી માં એક હજાર જેટલા બચ્ચાં દરિયામાં છૂટા મૂકવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર દ્વારા 10000થી વધુ લુપ્ત થઇ રહેલ કાચબાની ગ્રીન સી ટર્ટલ પ્રજાતિને દરિયામાં મૂકવામાં આવ્યા છે.
જુઓ આ વિડીયો
કેવી રીતે ઇંડાની શોધ કરાય?
માધવપુર ખાતે કાચબા ઉછેર કેન્દ્રમાં કામ કરતા વન વિભાગનો સ્ટાફ દરિયા કિનારા વિસ્તારમાં ચક્કર લગાવતા હોય ત્યારે કાચબાના ચાલવાના નિશાનના આધારે દોઢથી બે ફૂટ જેટલો ખાડો ગાળતા ઇંડાને શોધે છે. અને આ ઇંડાના ઉછેર માટે કેન્દ્ર ખાતે લઇ જવામાં આવે છે. મીંયાણી, ઓડદર ખાતે કાચબા ઉછેર કેન્દ્ર કાર્યરત હતા પરંતુ થોડા વર્ષોથી દરિયા પર કાચબા ઇંડા મુકવા ખૂબ ઓછી સંખ્યામાં આવતા હોય અને જોઇએ તેટલી માત્રામાં ઇંડા ન મળતા હોવાથી આ બંને કેન્દ્રો બંધ છે.
સમુદ્રી કાચબાઓ હજી આપણાં માટે રહસ્યમય જ રહ્યા છે, કારણ કે, કોચલામાંથી બહાર નીકળી સમુદ્રમાં પહોંચી પુખ્ત બને તે ઘટનાચક્ર વિશે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. એવું માનવામાં આવે છે કે જે સ્થળે જન્મ થયો હોય તે જ કાંઠે માદા પુખ્ત બન્યા પછી ફરી ઈંડા મૂકવા આવે છે. કેટલાક મહિનાઓ અગાઉ સમુદ્રી કાચબાઓ તે કાંઠાની નજીક સમુદ્રમાં એકત્ર થાય છે જ્યાં તેઓ ઈંડા મૂકવા માળા બાંધવાના હોય છે. આવા સ્થાનની પસંદગી ખાસ કરીને તે સમુદ્રકાંઠાની ભૌગોલિક સ્થિતિ, ખંડીય છાજલી અને તે સમુદ્રી વિસ્તારમાં ભરપૂર માત્રામાં ખોરાકની ઉપલબ્ધીને ધ્યાનમાં રાખીને કરે છે, જેથી દર વર્ષે માધવપુર નજીકના દરિયાકિનારે ઈંડા મૂકવા માટે સ્થળ પસંદ કરે છે, જ્યાં અવરજવર ન હોય તેવી શાંત જગ્યાએ રાત્રિના સમયે જ રેતીમાં ખાડો ગાળીને ઈંડા મૂકે છે.
કાચબીની ઈંડા મૂકવાની પદ્ધતિ
માધવપુરના દરિયાકિનારે આવતી ગ્રીન સી ટર્ટલ જાતિની કાચબીઓ દરિયાકાંઠે રેતીમાં ખાડો ખોદીને તેમાં 80 થી 160 જેટલા ઈંડા મૂકે છે અને ત્યારબાદ તેઓ ઇંડાને રેતીથી ઢાંકી દે છે અને ત્યારબાદ જતન કર્યા વગર સમુદ્રમાં પરત ફરે છે.
ઈંડા ઉછેર
માધવપુરમાં આવેલા કાચબા ઉછેર કેન્દ્રમાં ઈંડા ઉછેરવાની પ્રવૃત્તિ અહીંના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રામના માર્ગદર્શન નીચે ખૂબ જ વ્યવસ્થિત ચાલી રહી છે. જંગલખાતાના કર્મચારીઓ રેતીમાંથી ઈંડા કાઢીને સલામત સ્થળે કાચબા ઉછેર કેન્દ્રમાં લાવે છે. દરિયાકાંઠે કાચબીએ જ્યાં ઈંડા મૂક્યા હોય છે તે સ્થળે કૂતરા સહિત અન્ય પશુઓનો ત્રાસ વધારે હોય છે, જેથી તેઓ ઈંડાઓને ખોદીને ખાઈ જતા હોય છે માટે માધવપુરના કાચબા ઉછેર કેન્દ્ર ખાતે આવા ઈંડાઓને લાવવામાં આવે છે અને નિષ્ણાંત વનવિભાગના કર્મચારીઓ અલગ-અલગ તાપમાન પ્રમાણે ઈંડાને ગોઠવીને તેનો ઉછેર અને જતન કરે છે. એટલું જ નહીં, પરંતુ તેના માટે ચોક્કસ પ્રકારના માળા પણ બનાવે છે અને તેમાં જ તેને સાચવે છે તથા સમય પ્રમાણે ઈંડાને બહાર કાઢીને ફરી પાછા રેતીના થરમાં રાખવા જેવી કામગીરી કરે છે. કાચબી ઈંડા મૂકે ત્યારબાદ 50 થી 60 દિવસની અંદર તેમાંથી બચ્ચું બહાર આવી જાય છે અને ઈંડા ફૂટી ગયા બાદ તેમાંથી બહાર આવતા બચ્ચાને દરિયાકિનારે સમુદ્ર તરફ મોઢું રાખીને છોડવામાં આવતા આ બચ્ચાઓ રેતીમાં આળોટીને ત્યારબાદ દરિયાના પાણીમાં તરતા-તરતા દૂર સુધી ચાલ્યા જાય છે.
ચાર પ્રકારના દરિયાઈ કાચબા
કાચબા ઉછેર કેન્દ્રના કર્મચારીઓએ દરિયાઈ કાચબાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં સાત પ્રકારના સમુદ્રી કાચબાઓ જોવા મળે છે, જેમાંથી પાંચ પ્રકારના ભારતમાં દેખાય છે જેમાંથી ગુજરાતમાં ચાર પ્રકારના સમુદ્રી કાચબાઓ જોવા મળે છે, જેમાં સૌથી વધુ ગ્રીન સી ટર્ટલ એટલે કે લીલા કાચબા જોવા મળે છે. કચ્છના અખાતમાં, જામનગરના સમુદ્રકાંઠે તથા પોરબંદર નજીકના સમુદ્રકાંઠે આવા કાચબાઓ વધુ દેખાય છે. ઉપરાંત ઓલીવ રીડલી, લેધરબેક અને હોક્સબીલ કાચબાઓ વગેરે ચાર પ્રકારના દરિયાઈ કાચબા ગુજરાતના મહેમાન બને છે.
દરિયામાં તરી શકે
કાચબાઓ કલાકના 55 કિ.મી. ની ઝડપે દરિયામાં તરી શકે છે. સમુદ્રી કાચબાઓનું શરીર સમુદ્રમાં રહેવા માટે સુંદર તીે અનુકુલીત થયેલ હોય છે. તેઓની ઢાલ જમીન પર રહેનારા કાચબાઓની અપેક્ષામાં ખૂબ જ હલકી અને સુરેખ હોય છે તેઓના અગ્ર અને પાશ્ર્વ ઉપાંગો હલેસાં જેવા હોવાથી તેઓ સારા તરવૈયા બની શક્યા છે. જેથી તેઓ સમુદ્રમાં ખૂબ લાંબુ અંતર ઓછા સમયમાં કાપી શકે છે, જે લગભગ 55 કિ.મી./કલાક હોય છે. આ ઉપરાંત તેઓના રૂધિરમાં વધુ ઓક્સિજન સંગ્રહ કરવાની ક્ષમતા હોવાથી રાત્રિ દરમિયાન જ્યારે નિંદ્રા લે ત્યારે લગભગ 2 કલાક સુધી પાણીમાં રહી શકે છે. જો કે, ત્યારબાદ શ્ર્વાસ લેવા ફરી સપાટી ઉપર આવવું પડે છે.
દરિયાઈ કાચબાનો ધીમો વિકાસ
સમુદ્રી કાચબાઓનો વિકાસ ખૂબ ધીમો હોય છે. તેઓને પુખ્ત થતાં 15 થી 30 વર્ષ લાગે છે. ધીમા વૃદ્ધિ દરને કારણે તેઓ 60 વર્ષ કે તેથી વધુ જીવન જીવે છે. પોતાનું જીવન સમુદ્રમાં જ વિતાવે છે, પરંતુ ઈંડા મૂકવા માટે જ થોડા સમય માટે ધરતી પર આવે છે. તેઓ સમુદ્રમાં લાંબા સમય સુધી રહી શકે છે અને કેટલીક જાતિઓ તો 1000 મીટરની ઉંડાઈ સુધી ડૂબકી લગાવી શકે છે. આ કાચબાઓ ખોરાક તરીકે સમુદ્રી વાદળી, જેલીફીશ, સ્ક્વીડ અને કેટલીક મૃદુ માછલીઓ તથા કરચલાનો ઉપયોગ કરે છે, જો કે લીલા કાચબા શાકાહારી હોય છે.
પ્રજાતિ ઉપર અસર
દરિયાકિનારે માણસો જ્યાં-ત્યાં પ્રદૂષણ ફેલાવે છે. ઉપરાંત માલવાહક બાર્જમાંથી ઓઈલ ઢોળાવું જેવા કારણો તેમજ નજીકના દરિયાકિનારે માછીમારીને કારણે માછીમારોની જાળમાં ઈંડા મૂકવા માટે આવતી કાચબીઓ ફસાતી હોવાના બનાવો પણ વધ્યા છે તેવી જ રીતે દરિયાકિનારા નજીક રેતીચોરી વધી હોવાથી રેતીમાં કાચબી ઈંડા મૂકવા માટે સલામત સ્થળ શોધી શકતી નથી. આવા મહત્વના કારણોને લીધે તેમજ દરિયાકિનારે પ્લાસ્ટીકની કોથળીઓને જેલીફીશ સમજીને તેને ખાઈ જતી કાચબીઓ બિમારીનો ભોગ બનીને મૃત્યુ પામતી હોવાથી માનવસર્જીત અને કુદરતી પરિબળોની કાચબાની પ્રજાતિ ઉપર અસર જોવા મળે છે.
1000 બચ્ચામાંથી 1 બચ્ચું જ પુખ્તવયે પહોંચે
એવું જાણવા મળ્યું છે કે, હજારો ઈંડાઓ કાચબી મૂકે છે જેમાંથી જૂજ સંખ્યામાં ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે અને 1000 જેટલા બચ્ચાઓ જન્મીને દરિયામાં જાય છે તેમાંથી માત્ર 1 કાચબો જ પુખ્તવય સુધી પહોંચે છે બાકીના 999 બચ્ચા અકાળે મૃત્યુ પામે છે.
ઈંડાની સુરક્ષા માટે કૂતરાને છેતરવા કાચબીની ટ્રીક
માધવપુરના દરિયાકિનારે રેતીમાં કાચબી જ્યાં ઇંડા મૂકે છે ત્યાં કૂતરાથી બચ્ચાને રક્ષણ આપવા અલગ ટ્રીક અજમાવે છે. પગેથી રેતીનો ખાડો ખોદી તેમાં ઈંડા મૂક્યા હોય તેની આજુબાજુમાં પણ એ જ પ્રકારે ખાડા ખોદીને માળા જેવું બનાવે છે જેથી ક્યા માળામાં બચ્ચા છે ? તે શોધવું કૂતરા માટે મુશ્કેલ બની જતું હોય છે અને ઈંડાની સુરક્ષા માટે કૂતરાને છેતરવા કાચબીની આ ટ્રીક રસપ્રદ છે.