પોરબંદર
પોરબંદર જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ ખાતે ડેન્ટલ લેબ ટેક્નિશિયનના અભાવે દર્દીઓની બત્રીસી અને બ્રિજ બનતા નથી.10 માસથી કલાસ 1 ડેન્ટલ સર્જનની જગ્યા ખાલી છે.દર્દીઓને બત્રીસી અને બ્રિજ માટે ફરજીયાત ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે.અને નાછૂટકે મસમોટા ખર્ચ કરવા પડતા હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે.
પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે દાંતનો વિભાગ આવેલો છે.આ વિભાગમાં દાંત માટેના આધુનિક મશીનો આવેલા છે.પરંતુ વર્ષોથી અહીં ડેન્ટલ લેબોરેટરી ટેક્નિશિયનનો અભાવ છે.જેના કારણે દર્દીઓની સારવાર અધૂરી રહે છે.જિલ્લા ભરના દાંત દર્દોથી પીડાતા દર્દીઓ અહીં સારવાર લેવા આવે છે.પરંતુ દાંત ની સંપૂર્ણ સારવાર મળતી નથી.ડેન્ટલ લેબ ટેક્નિશિયન ન હોવાના કારણે દર્દીઓના દાંતનું ચોકઠું બની શકે.પરંતુ બત્રીસી બનતી નથી.
આ ઉપરાંત દાંત કાઢયા બાદ બ્રિજ બનાવવાની પ્રક્રિયા પણ થઈ શકતી નથી.જેના કારણે દર્દીઓને બત્રીસી બનાવવા માટે અને દાંત માટેના બ્રિજ બનાવવા માટે ફરજિયાત ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે.અને મસમોટા ખર્ચ કરવા પડી રહ્યા છે.છેલ્લા 10 માસથી આ દાંતના વિભાગમાં કલાસ 1 ડેન્ટલ સર્જનની પોસ્ટ પણ ખાલી છે.જેથી અકસ્માત દરમ્યાન ઇમરજન્સી સમયે જો દર્દીનું જડબું તૂટી ગયું હોય અને ફેક્ચર હોય તે સમયે આવા દર્દીઓને રીફર કરવામાં આવી રહ્યા છે.
અહીંના કલાસ 2 તબીબ સુનિતા સીસોદીયા દ્વારા દાંતની સારવાર કરવામાં આવી રહી છે.અને દર્દીઓના જણાવ્યા મુજબ અહીંના તબીબ સુનિતાબેનની કામગીરી સારી છે.પરંતુ બત્રીસી બનતી ન હોય અને પેઢામાં બ્રિજ બનાવવાની કામગીરી થતી ન હોય જેથી નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.આથી ડેન્ટલ વિભાગમાં લેબ ટેક્નિશિયનની તેમજ ડેન્ટલ સર્જનની તાકીદે નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ લેબ ટેક્નિશિયન ન હોવાથી બત્રીસી માટે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.જ્યાં જુદાજુદા ભાવો હોય છે.જેમાં બત્રીસીના રૂ. 3000 થી 12000 ચૂકવવા પડે છે અને બ્રિજ બનાવવાના 1 દાંતના જ રૂ. 2500થી વધુનો ચાર્જ ચૂકવવો પડે છે.
આ અંગે હોસ્પિટલ ના આરએમઓ ડો મોઢા એ જણાવ્યું હતું કે બ્રીજ બનાવવા માટે આગામી સમય માં આઉટસોર્સિંગ થી કામગીરી માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જુઓ આ વિડીયો