પોરબંદર
ફ્રેન્ડશીપ ડે ની દેશભર માં વિવિધ રીતે ઉજવણી કરાઈ હતી.ત્યારે આપણે પોરબંદરની એક અનેરી દોસ્તીની વાત કરશું. આ દોસ્તી છે બે વકિલો વચ્ચેની.જેમાં ડ્રેસીંગ થી લઈ અને વાહનોના નંબરો પણ બન્ને મિત્રો સરખા જ રાખે છે.બન્ને દોસ્તો દ્વારા ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.
દુનિયાનો દરેક સંબંધ આપણા જન્મ સાથે જોડાયેલો હોય છે, જેને બદલી શકવો અસંભવ છે.જન્મ લેતાની સાથે જ મળતા સંબંધો ઇચ્છો કે ન ઇચ્છો હંમેશાં જોડાયેલા રહે છે પણ આ સંબંધોથી અલગ એક સંબંધ છે મિત્રતાનો.મિત્રતા એક એવો સંબંધ છે જેને આપણે પોતાની સમજથી જોડી શકીએ છીએ.મિત્ર આપણે પોતે જ પસંદ કરીએ છીએ. જીવનમાં પગલે પગલે આપણને અલગ-અલગ લોકો મળે છે,કેટલાક લોકો સાથે સારી ઓળખાણ પણ થઈ જાય છે, પણ બહુ ઓછા એવા લોકો હોય છે જેમને આપણે મિત્ર કહી શકીએ છીએ. જેને મળતાં જ આત્મીય ખુશીનો અહેસાસ થાય છે.સમયની સાથે-સાથે મિત્રતાના અર્થ પણ બદલાયા છે.
આજે જ્યાં મોટેભાગે મિત્રતા પોતાનો સ્વાર્થ, મતલબ અને સામેના વ્યક્તિ નું સ્ટેટસ જોઈને કરવામાં આવે છે પરંતુ શહેરમાં બે વકિલોની દોસ્તી એ મૈત્રી ની અનોખી મિસાલ કાયમ કરી છે આ વકિલોના નામ છે એમ.જી. શિંગરખીયા અને નિલેષભાઈ જોશી .વર્ષ ૧૯૯૯ માં નિલેષભાઈ જોશી ચોટીલા થી પોરબંદર આવ્યા અને જે.પી. ગોહેલ સાથે વકિલાતની પ્રેકટીસ ચાલુ કરી તેવા સમયે એક જજના માધ્યમથી તેમનો પરિચય વકિલ એમ.જી. શિંગરખીયા સાથે થયો. ત્યારબાદ બન્નેની દોસ્તી વધુ ગાઢ બની.
ધીમે ધીમે બન્ને મિત્રો સુખ દુઃખના સાથી બન્યા.હાલ આ બન્ને મિત્રો સાથે જ વકિલાતની પ્રેકટીસ કરે છે.વર્ષો જુના આ બન્ને વકિલોના નામથી પોરબંદરના મોટાભાગના લોકોથી પરિચિત હશે.બન્ને વચ્ચે લાગણી અને એકબીજા પ્રત્યે સમજણ કેળવાતી ગઈ તેમ તેમ બન્નેની દોસ્તી પણ ગાઢ થતી ગઈ.આ બન્ને મિત્રોની દોસ્તી એટલી હદે ગાઢ છે કે છેલ્લા ઘણાં લાંબા સમયથી બન્ને મિત્રો એક જ સરખા કપડા પહેરે છે. બન્નેના મકાનોની ડિઝાઈન પણ સરખી છે. એટલું જ નહીં, પરંતુ બન્ને મિત્રોના ઘર માટે અનાજ થી લઈને તમામ ચીજવસ્તુઓ પણ એકસરખી જ ખરીદી કરવામાં આવે છે.
આ બન્ને મિત્રોમાં કોઈપણ વાતની જુદાઈ ન આવે તે માટે બન્નેના વાહન નંબર પણ એકસરખા જ રાખવામાં આવ્યા છે.
આમ તો મોટાભાગે ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ લોકોને દોસ્તી યાદ આવતી હોય છે.પરંતુ આવી મૈત્રી જેની હોય તે લોકોના શરીર જુદા અને આત્મા એક હોય છે.પોરબંદરના આ બન્ને વકિલ મિત્રોની દોસ્તીથી સૌ કોઈ પરિચીત છે.અને તેમની મિત્રતા નિહાળી લોકો અભિભૂત થઈ રહ્યા છે.બન્ને દોસ્તો એ ફ્રેન્ડશીપ ડે ની અનોખી ઉજવણી કરી હતી જેમાં બન્ને દોસ્તો એ એક બીજા ને મોઢા મીઠા કરાવ્યા હતા.અને સુદામા મંદિર ખાતે દર્શન કરી સુદામાજી ના આશીર્વાદ લીધા હતા.
જુઓ આ વિડીયો