પોરબંદર
પોરબંદર આવતા પ્રવાસીઓ માટે ગાંધીભૂમિની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘુઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યુંહતું.જેમાં સાડા ત્રણ કરોડનો લેસર-શો શરૂ કરવામાં આવ્યો હતો.પરંતુ ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી.જેથી ગાંધી સ્મૃતિભવન બિસ્માર હાલત માં ફેરવાઈ ગયું છે તો લેસર શો પણ બંધ હાલત માં છે જેથી તે અંગે યોગ્ય કરવા માંગ ઉઠી છે.
યાત્રાધામ પોરબંદર ગાંધીજીની પવિત્ર જન્મ ભૂમિ છે કે જ્યાં નિયમિત રીતે હજારો પ્રવાસીઓ ફરવા માટે ઉમટી પડે છે પ્રવાસીઓ બાપુની યાદ પોતાની સાથે લઈ જાય તે માટે ચોપાટી પર કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીસ્મૃતિ ભવન નિર્માણ કરવામાં આવ્યું હતું.અને ત્યાં મ્યુઝિયમ,પુસ્તકાલય અને નગરપાલિકાના તંત્રના સહયોગથી સાડા ત્રણ કરોડના ખર્ચે લેસર-શો શરૂ કરવામાં આવ્યો હતો.અને લેસર-શોમાં ગાંધીજીની સ્મૃતિ અમર રહે તેવા દરેક પ્રસંગોને સાંકળીને અદભુત લાઇટિંગ અને સાઉન્ડ સાથેનો પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ સ્થાનિક પોરબંદરવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્રબિંદુ હતો.
પરંતુ તેની જાળવણી કરવામાં અને સુવ્યવસ્થિત આયોજન માટે તંત્રે બેદરકારી દાખવતા લેસર-શો છેલ્લા દોઢ વર્ષથી બંધ થઈ ગયો છે.બા અને બાપુની યાદ અમર રહે તેવું આ સ્મારક ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે.તંત્ર તેનો કનકાઇ મંદિર સામેનો દરવાજો અને ચોપાટી પર આવેલો દરવાજો ખોલતું નથી.લાખો રૂપિયાના ખર્ચે વાવેલી લોન પણ સુકાઈ ગઈ છે.ત્થા મ્યુઝિયમ અને પુસ્તકાલય ધૂળધાણી થઈ ગયા છે.ઉપરના ભાગે મસમોટી તિરાડો હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના પાણી તેમાં ઉતરે છે.લાઇટિંગની વ્યવસ્થા અને વૃક્ષોને પાણી અપાતું હતું તે પાઈપલાઈન તૂટી ગઈ છે.તંત્ર દ્વારા આ સ્મારકની જાળવણી કરવામાં આવતી નહીં હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
પ્રજાના પરસેવાની કરોડો રૂપિયાની કમાણી વેડફાઈ ગઈ છે,વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ગાંધીસ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે જાળવણીના અભાવે અહીંની તમામ સુવિધાઓ બંધ થઈ ગઈ છે માટે પ્રવાસીઓ અને ગાંધીવાદીઓનું દિલ દુભાય રહ્યું છે.આથી ગાંધીસ્મૃતિ ભવનના જતન અને જાળવણી માટે માંગ ઉઠી છે.
જુઓ આ વિડીયો