પોરબંદર
પોરબંદર માં ઘણા સમય થી બિસ્માર રહેલા રસ્તા નું કેન્દ્રીય મંત્રી રૂપાલા ના આગમન પહેલા સમારકામ થતા આ અંગે યુથ કોંગ્રેસ દ્વારા તંત્ર પર આક્ષેપ કરાયા છે.
પોરબંદર જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું છે કે,શહેરમાં જુદી – જુદી અનેક સમસ્યાઓની સાથે બિસ્માર રસ્તાની પણ અનેક સમસ્યાઓ છે.અને ઘણા બધા વિસ્તારોમાં મસમોટા ગાબડાઓ સહિત બિસ્માર માર્ગો આવેલા છે.અને તેના સમારકામમાં સત્તાધીશો અને તેના ઈશારે નાચતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે.પરંતુ જયારે જયારે શહેરમાં વીવીઆઈપીઓ પધારવાના હોય ત્યારે તેઓ જે રસ્તેથી પસાર થવાના હોય તેના પુરતું રાતોરાત રોડને સમથળ બનાવી દેવામાં આવે છે.
આમ સામાન્ય લોકો ભલે હેરાન થાય.વીઆઈપીઓને તકલીફ પડવી જોઈએ નહીં તેવી હાલના શાસકોની બેધારી નિતિ છે.તાજેતરમાં માધવપુર ખાતે વીઆઈપીઓનો જમાવડો થયો હતો.ત્યારે એરપોર્ટ થી માધવપુર સુધીમાં જયાં જયાંથી મુખ્યમંત્રીઓ,રાષ્ટ્રપતિ સહિતનો કાફલો પસાર થવાનો હતો તે રોડ રાતોરાત સમથળ કરી દેવામાં આવ્યા હતા.તાજેતર માં કેન્દ્રિયમંત્રી પરસોત્તમ રૂપાલા યોગ કાર્યક્રમ માટે પોરબંદર આવતા તેઓને બોખીરા થઈ જેટી ઉપર જવાનું હોવાથી આ રોડને રાતોરાત તંત્ર દ્વારા સમથળ કરી ગાબડા બુરી દેવામાં આવ્યા હતા.જયુબેલી સર્કલ તેમજ બોખીરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો થી રોડ ઉપર મસમોટા ગાબડાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હતો.અને અનેક વખત રજુઆતો કરી હોવા છતાં કામગીરી કરવામાં આવી ન હતી.પરંતુ કેન્દ્રિય મંત્રી પસાર થવાના હોવાથી આ રોડને સમથળ કરી નાખવામાં આવ્યો હતો.જેના ઉપરથી નકકી થાય છે કે,તંત્રને ખ્યાલ છે કે ત્યાં ખાડાઓ છે છતાંય સમસ્ય હલ નથી કરતા.અને લોકો માટે અને નેતાઓ માટે અલગ-અલગ સુવિધાઓ આપવામાં આવી રહી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
જુઓ આ વિડીયો