પોરબંદર
પોરબંદર પાલિકા દ્વારા પાણી પૂરવઠા વિભાગને લાંબા સમયથી પાણી નું બિલ ચુકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહયા છે.બિલની રકમ 46 કરોડ સુધી પહોંચી હોવાથી બિલ વસૂલવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા વારંવાર નોટિસો ફટકારવામાં આવી છે.પરંતુ લોકો પાસે વેરા વસુલવા ઢોલ વગાડતું પાલિકા તંત્ર બીલ ભરવા મામલે પાણી માં બેસી ગયું છે.
પોરબંદર છાયા પાલિકા દ્વારા લાંબા સમયથી મિલકત વેરો ન ભરનારને ત્યાં ઢોલ નગારા વગાડી,મિલકત સીલ કરી ઉપરાંત પાણી કનેક્શન કટ કરી વેરો વસુલવામાં આવે છે.પરંતુ ખુદ પાલિકા દ્વારા જ પાણી પુરવઠા બોર્ડ ને પાણી નું બિલ ભરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે.છેલ્લા ઘણા સમય થી પાલિકા એ પાણી નું બીલ ન ચુકવતા હાલ કુલ રકમ 46 કરોડ 50 લાખ સુધી પહોંચી છે.
આ મામલે પાણી પુરવઠા બોર્ડ ના ઇન્ચાર્જ એક્ઝેક્યુટીવ ઈજનેર વી પી ચૌહાણે જણાવ્યું હતું કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા અત્યાર સુધી માં પાલિકા ને બીલ ભરવા માટે ૬૧ નોટિસ ફટકારવામાં આવી છે.અને આ અંગે કલેકટરને પણ જાણ કરી છે.તેમ છતાં પાલિકા ફદીયું પણ ચુકવતી નથી.પાલિકા એ પાણી નો ભાવ ઓછો કરવા કોર્ટ માં કેસ પણ કર્યો હતો.તા. 15/2/2021ના રોજ કોર્ટે પાલિકાનો દાવો રદ કર્યા હતો.અને બાકી રકમ ભરવા જણાવ્યું હતું આમ છતાં પાલિકા દ્વારા પાણીનું બિલ ભરવામાં આવ્યું નથી.માત્ર પોરબંદર પાલિકા જ નહીં પરંતુ રાણાવાવ પાલિકા નું પણ 96 લાખ 31 હજાર રૂપિયાનું અને કુતિયાણા પાલિકાનું 37 લાખ 45 હજારનું પાણી પુરવઠાનું બિલ બાકી છે.
આ અંગે પાલિકા ના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી નો સંપર્ક કરતા તેઓએ નાણાકીય જોગવાઈ થયા બાદ સત્વરે બિલ ભરવામાં આવશે તેવું જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે લોકો ના વેરા બાકી હોય ત્યારે ઢોલનગારા વગાડતું અને મિલકત સીલ કરતું પાલિકા તંત્ર ૬૧ નોટીસો બાદ પણ પાણી પુરવઠા બોર્ડ ને પાણી નું બીલ ભરવા મામલે પાણી માં બેસી ગયું છે.ત્યારે ઘણા વરસો થી શહેરીજનો પાસે થી ઉઘરાવેલ પાણી વેરા ની કરોડો ની રકમ પાલિકા એ પાણી પુરવઠા બોર્ડ ને ભરી નથી.ત્યારે શહેરીજનો પાસે થી ઘણા વરસો થી ઉઘરાવેલી પાણીવેરા ની આ રકમ ક્યાં ગઈ તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
જુઓ આ વિડીયો