પોરબંદર
પોરબંદર માં હાલ કોરોના મહામારી વચ્ચે પણ પોરબંદર ની મુખ્ય લાયબ્રેરી સ્ટેટ લાયબ્રેરી ખાતે વાંચકો ની સંખ્યા માં વધારો થયો છે.ખાસ કરી ને લોકો માં આયુર્વેદ ના પુસ્તકો પ્રત્યે ની રૂચી માં પણ વધારો થયો છે.તો લાયબ્રેરી ખાતે પણ સોશ્યલ ડીસ્ટન્સ માટે ખાસ કેબીન નું નિર્માણ કરાયું છે.
પોરબંદર ના અસ્માવતી ઘાટ તરફ જતા રસ્તે ૧૩૩ વરસ જૂની “દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેરશાહ હરજીવન લાયબ્રેરી આવેલી છે.જીલ્લા ની મુખ્ય ગણાતી આ લાયબ્રેરી સ્ટેટ લાયબ્રેરી તરીકે જ વરસો થી ઓળખાય છે.આ લાયબ્રેરી માં હાલ ના કોરોના મહામારી ના સમય માં પણ ખાતા ધારકો અને વાંચકો ની સંખ્યા માં વધારો થયો છે.આ અંગે માહિતી આપતા લાયબ્રેરી ખાતે વરસો થી લાયબ્રેરીયન તરીકે સેવા આપતા ભરતભાઈ લોઢારી એ જણાવ્યું હતું કે અગાઉ લાયબ્રેરી માં ખાતાધારકો ની સંખ્યા ૯૪૭ હતી.જે હાલ ના કોરોના કાળ દરમ્યાન ૯૮૦ થઇ છે.તો લાઈફ મેમ્બર માં પણ નવા પાંચ સભ્યો નો ઉમેરો થયો છે.
જુઓ આ વિડીયો
ખાસ કેબીન નું નિર્માણ
કોરના મહામારી થી બચવા માટે સોશ્યલ ખુબ જરૂરી છે.ત્યારે લાયબ્રેરી ખાતે વાંચકો ની સુવિધા અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે ખાસ કેબીન નું નિર્માણ કરાયું છે.સ્ટેટ લાયબ્રેરી ના પ્રમુખ દીપકભાઈ લાખાણી સહીત ના અગ્રણી ના પ્રયાસ ના કારણે અનેકવિધ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.એટલું જ નહીં પરંતુ સીસીટીવી સહિતની સગવડ પણ ઉપલબ્ધ છે તેથી વાચકો માટે આ સ્થળ અતિઉપયોગી સાબિત થયું છે.
આયુર્વેદિક પુસ્તકો ના વાંચન માં વધારો
ભરતભાઈ એ જણાવ્યું હતું કે કોરોના મહામારી ની શરુઆત થયા બાદ ધીરે ધીરે લોકો આયુર્વેદ ના પુસ્તકો તરફ વળ્યા છે.અને હાલ માં આયુર્વેદિક દવાઓ અંગે ના પુસ્તકોની ડીમાંડ માં ખુબ વધારો થયો છે.અને લાયબ્રેરી ખાતે આ વિષય ને લગતા પુસ્તકો પણ મોટા પ્રમાણ માં છે.
કુલ ૪૭૫૪૯ પુસ્તકો નો વૈભવ
૧ જુન ૧૮૮૭ ના રોજ શરુ થયેલ આ સ્ટેટ લાયબ્રેરી હાલ માં ૪૭૫૪૯ પુસ્તકો નો વૈભવ ધરાવે છે.જેમાં 3૧૪૧૪ પુસ્તકો ગુજરાતી ભાષા માં,૧૦૬૭૫ અંગ્રેજી ભાષા માં,૪૮૩૯ પુસ્તકો હિન્દી ભાષા માં,૩૬૪ પુસ્તક મરાઠી ભાષા માં,અને ૨૫૭ પુસ્તકો સંસ્કૃત ભાષા માં છે.
સ્પર્ધાત્મક પરીક્ષા ના પુસ્તકો નું વધુ વાંચન
પોરબંદર ના વાંચનપ્રેમી લોકો માટે મંદિર સમાન આ લાયબ્રેરી માં અગાઉ લોકો નવલકથા,કવિતા, ધાર્મિક,આધ્યાત્મિક ,હાસ્યકથા,બાળ સાહિત્ય વગેરે નું વાંચન વધુ કરતા હતા.પરંતુ છેલ્લા થોડા સમય માં હવે યુવાનો પણ આ લાયબ્રેરી ની નિયમિત મુલાકાત લે છે.વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થાય છે.ત્યારે તેમાં જોડાવા માંગતા અને સારા માર્કસે પાસ થવા ઇચ્છતા યુવા-યુવતીઓ મોટી સંખ્યામાં આ લાયબ્રેરીની મુલાકાત લઇ રહ્યા છે.બહારથી પુસ્તક ખરીદે તો તોતીંગ ખર્ચ થતો હોય છે.જયારે અહીંયા નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો વાંચવા મળે છે.તેથી મોટી સંખ્યામાં યુવક-યુવતિઓ લાયબ્રેરી ખાતે રાખવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ના પુસ્તકો નું વાંચન કરે છે.અહી શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર બેઠક વ્યવસ્થા તથા મળતાવડા સ્ટાફ ના કારણે અહી આવતા વાંચકો ની સંખ્યા માં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે.
અખબારો, મેગેઝીનો અને પુસ્તકો
ગ્રંથાલયમાં બધા જ પ્રતિષ્ઠીત અખબારો ૧ર થી ૧પ તથા ૩પ થી ૪૦ જેટલા મેગેઝીનો ઉપલબ્ધ રાખવામાં આવે છે.શહેરના આ અતિ જૂના પુસ્તકાલયમાં અત્યંત દુર્લભ કહી શકાય તેવી હસ્તપ્રતો, વનસ્પતિશાસ્ત્રો, ભગવદગોમંડળ, બોમ્બે ગેઝેટ, ઇન્સાકલોપીડીયા (બ્રિટાનિકા), ભૃગૃસંહિતા, નેશનલ જયોગ્રાફી વગેરે સંદર્ભ પુસ્તકો ખુબ જ સંભાળપૂર્વક સચાવાયા છે. ગ્રંથાલયમાં અનેક વિષયોને લગતા પુસ્તકો સમાવાયેલા છે.જેમ કે નવલકથાઓ,નવલિકાઓ,કાવ્યો, જયોતિષ,ગણિત,ગીતો,ભજનો,લેખસંગ્રહો,જનરલ નોલેજ,વિજ્ઞાન ઉદ્યોગ,આરોગ્ય,આયુર્વેદિક,પ્રવાસ,આધ્યાત્મિક, ધાર્મિક,બાળઘડતર,જીવન ચરિત્રો,નિબંધો,ચિંતન,હાસ્ય કથાઓ,રેખાચિત્રો,પાકશાસ્ત્ર,વ્યકિત વિકાસ,કોમ્પ્યુટર,બાળ-સાહિત્ય,સંગીત,યોગ,ઇતિહાસ,ચિત્રકળા,રંગોળી,મહેંદી,કેરીયર વિગેરેના પુસ્તકો ઉપલબ્ધ છે.
૧૩૩ વર્ષ જુની લાયબ્રેરી શહેરનું ઘરેણુ
પોરબંદર શહેર ખુબ જ ભાગ્યશાળી નગર છે.જેની પાસે ઉત્તમ પુસ્તકોના ખજાના સ્વરૂપે સમૃધ્ધ જાહેર ગ્રંથાલય છે જેમાં જ્ઞાનના મોતીઓ આરક્ષિત છે.
૧લી જુન ૧૮૮૭ ના રોજ આ ગ્રંથાલયની સ્થાપના સર એફ એસ પી લેલીના અધ્યપક્ષપદ હેઠળ થઇ જે સ્ટેટ લાઇબ્રેરી તરીકે ઓળખાતી.ઇ.સ. ૧૮૮૯માં દેસાઇ નાનજી ગોકુલજી લાઇબ્રેરી અને કુમારશ્રી ભાવસિંહજી દક્ષિણી લાઇબ્રેરી એ બન્ને ખાનગી લાઇબ્રેરી,આ લાઇબ્રેરી સાથે ભેળવી દેવામાં આવી તે સમયે દેસાઇ દેવકરણ નાનજી (દેનાબેંકવાળા) તરફથી રૂ. ૩૦૦૦ તથા શેઠ ઝવેરશાહ હરજીવન તરફથી રૂ. ૧૫૦૦ બક્ષીસ તરીકે લાઇબ્રેરીને આપવામાં આવ્યા ત્યારથી ઉપરોકત નામે લાઇબ્રેરી ઓળખાય છે.
સુંદર સુવિધાઓ
વિશાળ વાંચન હોલ ધરાવતી આ ગ્રંથાલયમાં સુંદર બેઠક વ્યવસ્થા સહિત ભવ્ય ટેબલો,મોટા કબાટો અને પંખાઓની સુવિધા વાંચકને અદભૂત શાંતિ અને એકાંત આપે છે.સવારે ૮ થી ૧ર અને બપોરે ૩ થી ૭ ગ્રંથાલય ખુલી રહે છે.કોઇપણ સાર્વજનિક ગ્રંથાલય માટે તેના વ્યવસ્થાપકો તથા ગ્રંથપાલ તેનું હૃદયગણાય.ગ્રંથપાલ ભરતભાઇ લોઢારી સારી સેવા આપે છે. વાંચકોને તેનું પુસ્તક મળવું જ જોઇએ તેવા લાઇબ્રેરી વિજ્ઞાનના પાયાના સિધ્ધાંતને ચરિતાર્થ કરવા માટે સદૈવ તત્પર રહે છે.
અનેક એવોર્ડ પ્રાપ્ત
આ ગ્રંથાલયને ગુજરાત રાજયમાં ગ્રંથાલય ક્ષેત્રે સર્વોત્તમ ગણાતું મોતીભાઇ અમીન પારિતોષિક શ્રેષ્ઠ પુસ્તકાલયનો એવોર્ડ બે વખત પ્રાપ્ત થયેલ છે.જે સમગ્ર પોરબંદર માટે ગૌરવની બાબત છે.રાજય સરકાર તરફથી રૂ. પ૦૦,૦૦૦ની વાર્ષિક ગ્રાન્ટ મળે છે તેમજ પોરબંદર નગરપાલિકા પ૦૦૦ વાર્ષિક ગ્રાન્ટ આપે છે.
સાહિત્યકારો પણ અહીં આવતા
આ ગ્રંથાલયનો ઉપયોગ અનેક લોકોએ કરેલો છે. જેવા કે સાહિત્યના મેઘધનુષ્ય સમા ગુલાબદાસ બ્રોકર, વિજયગુપ્ત મૌર્ય, જયેન્દ્ર પાઠક, સ્વ. રતિલાલ છાયા, સ્વ. પુષ્પક ચંદરવાકર તથા હાલના સાહિત્યકાર નરોતમ પલાણ વગેરે જાનીમાની વ્યકિતઓએ કરેલ છે.