પોરબંદર
પોરબંદરમાં 6 તારીખથી પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું છે.અને હેલ્મેટ ન પહેરનાર તથા સીટબેલ્ટ ન બાંધનાર ચાલકોને દંડવાની કામગીરી હાથ ધરાશે ત્યારે આ બાબતનો વિરોધ ઉઠી રહ્યો છે. સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા દારૂ બદી દૂર કરવા ખાસ ડ્રાઇવનું આયોજન થાય તે જરૂરી છે.વાહન ચાલકોને હળવા દંડની પાવતી આપવી જોઈએ.
ગુજરાત પોલીસ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.જેમાં હેલ્મેટ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રાખવા જણાવવામાં આવ્યું છે.સુપ્રિમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટી દ્વારા રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રાજય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફટી કાઉન્સીલની બેઠકમાં રોડ સેફટીને લગત કામગીરીની સમીક્ષામાં બેઠકમાં રાજય ખાતે બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવા તથા સીટ બેલ્ટ નહી બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે.
રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા,ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા જણાવેલ હોવાથી તા. 6 માર્ચથી થી તા.15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રાખવા તથા આ ડ્રાઇવ દરમ્યાન હેલ્મેટ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસો કરવાના રહેશે તેવું જણાવ્યું છે.
જેથી પોરબંદર જિલ્લાની ટ્રાફિક સહિતની તમામ પોલીસ સજાગ બની કેસો કરી દંડનીય કાર્યવાહી કરવા તૈયાર બની છે. ત્યારે પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપ મશરુએ તંત્ર ને રજૂઆત કરતા જણાવ્યું છે કે,કોરોના સમયથી વેપારીઓ અને નાનો વર્ગ મંદીમાં સંપડાયો છે.હજુ જનજીવન થાળે પડ્યું છે.ત્યારે હેલ્મેટ અને સીટબેલ્ટ અંગેની ખાસ ડ્રાઇવથી વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવશે.તો આવા લોકોને આર્થીક માર પડશે.
મોંઘવારી એ પણ માજા મૂકી છે અને કોરોના સમયમાં માસ્ક ન પહેરનાર લોકોને રૂ. 1000 સુધીનો આકરો દંડ ફટકારી ચુક્યા છે.ત્યારે હવે હેલ્મેટ અને સીટબેલ્ટ અંગેના દંડ ફટકારવામાં આવશે.તો વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડશે. જેથી આ દંડની રકમ હળવી કરવી જોઈએ.તેમજ અકસ્માતોનું પ્રમાણ અટકાવવા અને ટ્રાફિક નિયમોની અમલવારી કરાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માત્ર દંડ જ મહત્વનો ભાગ નથી.જાગૃતિ લાવવા અન્ય પણ રસ્તા સરકાર કરી શકે છે.
અને સરકાર ને જો ખરેખર લોકો ના જીવ ની ચિંતા હોય તો દારૂનું દુષણ ડામવા ખાસ ડ્રાઈવ શરુ કરવા પોલીસ વિભાગ ને આદેશ આપવા જોઈએ કારણકે ગાંધીભૂમિમાં દારૂ ઠેરઠેર વેચાઈ રહ્યો છે.અને પીવાઈ રહ્યો છે જેના કારણે અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે.દારૂ ના કારણે પણ અનેક લોકો બીમારી નો ભોગ બન્યા છે.અનેક લોકો એ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે વાહનચાલકોને દંડવાને બદલે પોલીસે દારૂની બદી ડામવા ખાસ ડ્રાઇવ યોજવામાં આવે તેવી પણ માંગ કરી છે.
જુઓ આ વિડીયો