પોરબંદર
સરકારે ખાદીના છૂટક વેચાણ પર વળતર બંધ કરી દેતા વળતર આપવાની માંગ સાથે પોરબંદર ખાદી ભવન નાં મંત્રી દ્વારા આજે મહાત્મા ગાંધીના ચરણોમાં આવેદનપત્ર અર્પણ કરવામાં આવશે.
પોરબંદર ખાદીગ્રામ ઉદ્યોગ ભવનના પ્રમુખ અનીલભાઇ કારિયા અને મંત્રી મુકેશભાઈ દત્તાએ જણાવ્યું હતું કે,ગુજરાત સરકારે ખાદીના છૂટક વેચાણ પર વળતર બંધ કરી દીધું છે.જેથી આ અંગે મુખ્યમંત્રી,ધારાસભ્ય અને સંસદસભ્યને તેમજ સરકારી અધિકારીઓને અવારનવાર રજૂઆત કરી હતી.પરંતુ આજ સુધી કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી કે કોઈપણ પ્રત્યુત્તર પણ મળ્યો નથી.જેથી થાકીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધીનિર્વાણ દિનની પૂર્વસંઘ્યાએ આજે શનિવારે કીર્તિમંદિર ખાતે ખાદીભવનના ટ્રસ્ટીઓ તેમજ ખાદી ભવનના સ્ટાફ દ્વારા આવેદન પત્ર મહાત્મા ગાંધીજીના ચરણોમાં અર્પિત કરવામાં આવશે.
મુકેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે દાયકાઓ થી ખાદી ઉદ્યોગ ને પ્રોત્સાહન આપવા માટે દરેક સરકાર દ્વારા તા 2 ઓક્ટોબર થી 6 માસ સુધી ખાદી પર 25 ટકા વળતર આપવામાં આવતું હતું.આ વર્ષે ખાદી પર એક ટકા પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ નથી.જેથી અગાઉ રાજ્યના સો જેટલા ખાદી ભંડાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી.ગુજરાત માં ખાદી ના રીટેલ વેચાણ પર અપાતું રીબેટ બંધ કરવાથી ખાદી ઉદ્યોગ ને મરણતોલ ફટકો પડ્યો છે.છતાં પણ પોરબંદર ખાદી ભવન દ્વારા લોકો સુધી ખાદી પહોંચે તે માટે ઓક્ટોબર થી ડીસેમ્બર માસ સુધી માં જ રૂ ૮૦ લાખ ની ખાદી નું વેચાણ કરી એ વેચાણ માં રીબેટ આપતા રૂ વીસ લાખ ની ખોટ ગઈ હતી.
જુઓ આ વિડીયો