પોરબંદર
પોરબંદર ખાતે ૮ અને ૯ જાન્યુઆરી એ સતત સાતમી વખત રાષ્ટ્રીય કક્ષા ની સમુદ્ર તરણ સ્પર્ધા નું આયોજન કરાયું છે.જેમાં દેશભર ના ૬૦૦ સ્પર્ધકો ભાગ લેશે.જેમાં ૩૫ જેટલા દિવ્યાંગ તૈરાક પણ સમુદ્ર માં ઝંપલાવશે.
પોરબંદરના આંગણે કુદરતે રમણીય દરિયા કિનારો આપ્યો છે.આ દરિયા પ્રત્યે લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટની મજા માણી શકે તે માટે પોરબંદર ની શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થાય છે.જેમાં સાત વર્ષ થી તો રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા યોજાઈ છે.ત્યારે આ વર્ષે પણ તા.૮ અને ૯ જાન્યુઆરી નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સ માં પ્રમુખ દિનેશભાઈ પરમાર,હર્ષિતભાઈ રૂઘાણી,દીપકભાઈ ઉનડકટ,પ્રિતેશભાઈ લાખાણી,મહેન્દ્રભાઈ સુરેલીયા,હરીશભાઈ કક્કડ,પ્રતિકભાઈ ભટ્ટ વગેરે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્પર્ધા માં તમિલનાડુ,કર્ણાટક,મહારાષ્ટ્ર,આસામ,પશ્ચિમ બંગાળ,ઉત્તરાંચલ,અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યો માંથી ૬૦૦ થી વધુ તરવૈયા સ્પર્ધામાં જોડાશે.આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા ૧. કી.મી.,૨.કી.મી.,પ.કી.મી.,૧૦.કી.મી.ની તેમજ વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ ૬-૧૪, ૧૪-૪૦, ૪૦-૬૦ અને ૬૦ થી ઉપરની ઉંમરનાં ભાઇઓ તથા બહેનો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાશે.
તા.૮ નાં રોજ બપોરના ૧૨-૧૫ કલાકથી રાષ્ટ્રગીત ના નાદ અને ધ્વજવંદન કરી આ સ્પર્ધા શરૂ થશે જેમાં ૨કી.મી, ૧૦.કી.મી. રેગ્યુલર તથા દિવ્યાંગોની પ.કી.મી.ની સ્પર્ધા યોજાશે તેમજ તા.૯નાં રોજ સવારે ૦૬-૩૦ કલાકથી ૧.કી.મી. અને ૫.કી.મી.ની ઉંમર વાઇઝ ગ્રુપ પ્રમાણે ભાઇઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા થશે.આ સ્પર્ધા સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના ઓબ્ઝર્વર ની હાજરી માં તેના માર્ગદર્શન તેમજ નિયમો મુજબ યોજવામાં આવશે.
ઉપરાંત ઓલમ્પિક અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ સ્પર્ધા માં વિજેતા ટાઈમિંગ ચીપ ના આધારે જાહેર કરવામાં આવશે.ઉપરાંત સ્પર્ધક દરિયા માંથી પરત ફરતી વખતે ટાર્ગેટ પૂર્ણ કરી પરત ફરે છે કે નહી તે માટે સમુદ્ર માં પણ સેન્સર રાખવામાં આવશે.કોરોના ને લઇ ને આ વખતે સ્પર્ધા માં કેટલાક ફેરફાર કરાયા છે.જેમાં આ વખતે એકીસાથે સ્પર્ધકો સમુદ્ર માં દોટ મુકવાના બદલે તબક્કાવાર સ્પર્ધકો ને સમુદ્ર માં જવા લીલીઝંડી આપવામાં આવશે.ઉપરાંત મેડલ અને ઇનામ આપવા યોજાતો કાર્યક્રમ પણ રદ કરાયો છે.તેના બદલે સ્પર્ધા બાદ તુરંત વિજેતા ને ઇનામ આપવામાં આવશે. અને સ્પર્ધક નો કોરોના રીપોર્ટ નેગેટીવ હશે તે જ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.સ્પર્ધા દરમ્યાન રેસ્ક્યુ માટે નેવી, કોસ્ટગાર્ડ, નગરપાલીકા, મરીન પોલીસ, એસ.એસ.બી.,તેમજ માચ્છીમાર સમાજનાં પીલાણા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રીંગ બોયા,લાઇફ જેકેટ પુરા પાડવામાં આવશે.તેમજ ૧૫ જેટલી ક્યાક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે.
ઉપરાંત મેડીકલ સહકાર માટે સીવીલ હોસ્પિટલ, આરોગ્ય વિભાગ તથા ૧૦૮ની ટીમ પણ સતત ખડેપગે રહેશે
અત્યાર સુધી માં ૧ કિમી ૬ થી ૧૪ વય માટે ૪૦ બાળકી અને ૧૩૦ બાળકો મળી ૧૭૦ રજીસ્ટ્રેશન થયા છે 5 કિમી માં ૧૮૦ સ્પર્ધક અને ૧૦ કિમી માં ૯૦ સ્પર્ધકો એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ક્લબ દ્વારા આ સ્પર્ધાની પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ક્લબના તમામ સભ્યોને અલગ અલગ પ્રકાર ની કામગીરી સોંપવામાં આવી છે.અને સભ્યો દ્વારા ઉત્સાહથી સૌ સાથે મળીને એક ટીમ વર્કથી કામગીરી કરીને આ સ્પર્ધાને સફળ બનાવવા પ્રયત્ન હાથ ધરાયો છે.
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ આગામી સમયમાં પોરબંદરની જનતાને એક વધારાની એડવેન્ચર સ્પોર્ટ શ્રી રામ કયાંકીંગ ક્લબ સ્થાપવા જઇ રહ્યુ છે.જેમાં ક્યાકીંગ ની વોટર સ્પોર્ટને પ્રમોટ કરવામાં આવશે.આ સ્પર્ધા યોજવા માટે સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.,સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,હરી ઓમ આશ્રમ પુ.મોટા સુરત,રીઝવાન આડતીયા ફાઉન્ડેશન,સૌરાષ્ટ્ર કેમીકલ્સ, તેમજ અન્ય દાતાઓ તરફથી સ્પોન્સરશીપ મળે છે.આ સ્પર્ધા જાહેર જનતા ને નિહાળવા માટે આ દિવસે લોકોની ભીડ ચોપાટી ખાતે એકઠી ન થાય તે માટે સ્વિમિંગ ક્લબ દ્વારા યુટ્યુબ તથા ફેસબુકનાં માધ્યમથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જેથી કોવિડ-૧૯ નાં તમામ નિયમોનું પાલન થઇ શકે તે માટે તકેદારીનાં ભાગરૂપે આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
હાલમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબનાં નેજા હેઠળ Dekan Kayak Academy,વડોદરાનાં પ્રમુખ દેવાંગભાઇ ખારોડ દ્વારા પોરબંદર થી સોમનાથ ૧૦ દિવ્યાંગોને ક્યાકીંગ દ્વારા સમુદ્રનાં માર્ગે સફળતાપૂર્વક અભિયાન પૂર્ણ કરેલ છે.
બીજુ ગૌરવની વાત દિવ્યાંગ બાળકી કુમારી જીયા મદન રાય જેની ઉંમર માત્ર ૧૩ વર્ષની છે તે TALAIMANAR(Sri Lanka) થી Dhanushkodi(Tamilnadu, India) ૨૯ કી.મી.નું સી સ્વિમિંગ કરશે.જેમાં શ્રીલંકન નેવી તેમજ ઇન્ડિયન નેવી પાઇલોટીંગ કરશે.અને આ ઇવેન્ટ શ્રી રામ સી સ્વિમિંગનાં સુપરવીઝન નીચે થશે.અને Observer તરીકે હાજરી આપીને શ્રી રામ સી સ્વિમિં ક્લબનાં સભ્યો આ સ્વિમિંગને પ્રમાણીત કરશે.
જુઓ આ વિડીયો