Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:એક સમયે જ્યાં ત્રણ પાળી માં ઉદ્યોગો ધમધમતા હતા તે પોરબંદર જીઆઇડીસી માં અનેક ઉદ્યોગો મરણપથારીએ

પોરબંદર

એક સમયે જ્યાં ત્રણ પાળી માં ઉદ્યોગો ધમધમતા હતા તે પોરબંદર જીઆઇડીસી માં હાલ માં અનેક ઉદ્યોગો મરણપથારી એ છે તો મહત્વ ની જીવાદોરી સમાન ઓરીએન્ટ એબ્રેસીવ્સ ને પણ અલીગઢી તાળા લાગી ગયા હોવાથી નવા ઉદ્યોગો લાવવા જરૂરી બન્યા છે.

પોરબંદરમાં એક જમાનામાં મહારાણા મીલ, એમ.એચ.પી. સિમેન્ટ ફેક્ટરી જેવા મોટા ઉદ્યોગો ધમધમતા હતા. જેને કારણે અનેક લોકોને રોજગારી મળી રહેતી હતી.પરંતુ સમય જતાં ઉદ્યોગો બંધ થઈ ગયા ત્યારબાદ મોટા કોઈ ઉદ્યોગો સ્થપાયા નહીં જેને કારણે પોરબંદરનાં અર્થતંત્રને જબરો ફટકો પડયો છે.જી.આઈ.ડી.સી.વિસ્તારમાં આવેલા બોક્સાઈટ, બેરીંગ અને આઈસ ફેક્ટરી જેવા ઉદ્યોગો પણ હવે ધીમેધીમે બંધ થતા જાય છે.જેને કારણે ઔદ્યોગિક ક્ષેત્રે પોરબંદરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે ત્યારે અહીં મોટા ઉદ્યોગો સ્થપાય તેવી માંગણી પણ ઉઠવા પામી છે.

પોરબંદરમાં હાલના જે ઉદ્યોગો છે તેની ઉપર નજર કરીએ તો વર્ષોથી બિરલા ફેક્ટરી તરીકે જાણીતી સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેક્ટરી અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે,તો મત્સ્યોદ્યોગ પણ આવેલો છે. પરંતુ પાકિસ્તાન મરીનના આતંક અને પ્રદૂષણના કારણે આ મત્સ્યોદ્યોગ મંદીના મોજામાં સપડાયો છે,તો બિલ્ડીંગ સ્ટોન અને લાઈમસ્ટોન જેવી ખનિજ સંપતિ વિપુલ પ્રમાણમાં નીકળે છે પરંતુ ગેરકાયદેસર ખનનના કારણે ખનિજ ઉદ્યોગને પણ મરણતોલ ફટકો પડયો છે.

વર્ષો પહેલા જીઆઇડીસીમાં અનેક લઘુ ઉદ્યોગો ધમધમતા હતા અને તે પણ અનેક લોકોને રોજગારી પૂરી પાડવામાં મદદરૂપ થતા હતા.સૌરાષ્ટ્રમાં પ્રથમ બેરિંગ ઉદ્યોગ પોરબંદરમાં સ્થપાયોહતો.મોટા 10 બેરિંગ યુનિટ હતા.તેની સામે જોબવર્ક કરતા 50 નાના યુનિટ હતા.તેની સામે 600 જેટલા વ્યક્તિઓને રોજગારી મળતી હતી.વિદેશ પણ બેરિંગ એક્સપોર્ટ થતા હતા.પરંતુ કોમ્પિટિશનમાં ઉભા રહી શકતા ન હોવાના કારણે બેરિંગ ઉદ્યોગ બંધ થતાં આ ઉદ્યોગો માંથી રોજગારી મેળવતા લોકો બેરોજગાર બન્યા હતા.

હાલ પોરબંદરમાં ચોકપાવડર,બરફ,બોકસાઈટ અને એન્જીનીયરીંગ ઉદ્યોગ છે.હાલ રો- મટિરિયલ્સ અને ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ વધ્યો છે.જેથી અગાવ જે ત્રણ પાળીમાં કામ થતું હતું.તે હવે એક થી દોઢ પાળી સુધી પહોંચી ગયું છે.પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને જતા પોરબંદરના ઉધોગોને અસર પડી છે.બોકસાઈટ મળતો જ નથી.ઓરિયન્ટ ફેકટરી પણ બંધ થઈ છે.ત્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ પણ મૃતપ્રાય હાલતમાં છે.

પોરબંદરમાં પહેલા બોકસાઈટના 10 યુનિટ ધમધમતા હતા.હાલ માત્ર 1 કે 2 યુનિટ છે.10 યુનિટ માંથી 1500 ટન ઉત્પાદન થતું હતું. હાલ યુનિટ ઘટી જતાં 300 ટન ઉત્પાદન થાય છે.

પોરબંદરમાં ખાનગી કંપનીનો કોલસો આવે છે.જેમાં ભાવમાં મોટો વધારો થાય છે.જાન્યુઆરીમા 13984 પર મેટ્રિક ટન ભાવ હતો.જે કોલસાનો એપ્રિલમાં 21816 પર મેટ્રિક ટન ભાવ હતો.અને જીએસટી અલગ ચૂકવવું પડે છે.જેથી કોમ્પિટિશનમાં પોરબંદરના ઉદ્યોગો ટકી શકતા નથી.

પોરબંદરમાં હાલ 25 થી 30 આઇસ ફેકટરી છે.જેના વ્યવસાય નો મુખ્ય આધાર માછીમારી ઉદ્યોગ છે.હાલ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા માછીમારી ઉદ્યોગને અસર પડતા બોટો લાંગરેલી છે.જેથી આઇસ ફેકટરીમા પણ મંદી છે.અગાઉ ઓખા,દ્વારકા સુધી બરફ જતો હતો.પરંતુ ત્યાં સ્થાનિક બરફના યુનિટ ચાલુ થતા હાલ આ ઉદ્યોગ પણ મૃતપ્રાય થયો છે.

જીઆઇડીસી એસો. ના સેક્રેટરીએ જણાવ્યું હતું કે,જીએમડીસી વાળા બોકસાઈટ આપે છે.પરંતુ નાના યુનિટના રજિસ્ટ્રેશન કરતા નથી.બોક્સાઈટ મળતો નથી. જેથી નાના યુનિટ બંધ થઈ રહયા છે.

જીઆઇડીસી એસો.ના ચેરમેન પૂંજાભાઈ ઓડેદરા, પ્રમુખ દયાતર તથા સેક્રેટરી ધીરુભાઈ કકકડે જણાવ્યું હતુંકે, જીઆઈડીસીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ નવી 3 લાખ મીટર જગ્યા ખુલ્લી કરાવી છે.આ જગ્યામાં 4 થી 5 મોટા યુનિટ આવે તેવી માંગ છે.જો મોટા યુનિટ લાવવામાં આવે તો તેની નીચે નાના યુનિટ ચાલી શકે.

પોરબંદર ભલે નાનું શહેર હોય પરંતુ અહીં બારમાસી બંદર, એરપોર્ટ અને રેલ્વેની સુવિધા પણ રહેલી છે.બારમાસી બંદરનો પણ વિકાસ થયો નથી.બંદર સુધી દોડતી ટ્રેન પણ વર્ષોથી બંધ કરી દેવામાં આવી છે.ઔદ્યોગિક ક્ષેત્રે પોરબંદરને વિકસાવી શકાય તેમ છે.જો મોટા ઉદ્યોગોને લાવવામાં સફળતા મળે તો પોરબંદરના અનેક લોકોને રોજગારી મળી રહેશે અને પોરબંદરનો વિકાસ પણ થશે તેવું પણ જાણકારોનું માનવું છે.

જુઓ આ વિડીયો

તો બીજી તરફ યુવા અગ્રણી દેવશીભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે પોરબંદર એટલે રાણા – પાણા અને ભાણા ની ભૂમિ,રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જન્મભૂમી અને કૃષ્ણ સખા સુદામાંજી – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની તપોભૂમિ. સાગરખેડુ ખારવા ભાઈઓ અને જવા મર્દ મહેરોની કર્મભૂમિ.અહીની માટીની મહેક જ કાઈક નોખી-અનોખી છે.સાહસ અહીની પ્રજાનો લોહીગુણ છે.દીર્ધદ્રષ્ટી અહીના માનવીઓની નસેનસમાં છે.પોરબંદર હોય કે ભારતનો કોઈ પણ ખૂણો. કે પછી વિદેશની ધરતી.પોરબંદરના પાણીદાર લોકોએ સાહસ – મહેનત અને દીર્ધદ્રષ્ટિથી કાળમીંઢ પત્થરમાંથી પણ પાણી કાઢી બતાવ્યું છે.રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા હોય કે દેવકરણ નાનજી,રીઝવાન આડતિયા હોય કે માધવાણી પરિવાર,કાનજી દેવજી ચમ હોય કે વેલજી પી. એન્ડ સન્સ એવા તો કેટલાય સાહસવીરોની આ ભૂમિ એ દેશ અને દુનિયાને ભેટ ધરી છે.

પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે પોરબંદરમાં રોજગારી અને સમૃદ્ધિ પૂરી પાડતા ઉદ્યોગો વિકસિત થવાને બદલે દિવસેને દિવસે બંધ થઇ રહ્યા છે.મહારાણા મિલ હોય કે એ.સી.સી. ભારત મિલ હોય કે ફીટ ટાઈટ,ઓરીએન્ટ એબ્રેન્સીવ.

ઔદ્યોગિક વિકાસની અમાપ અને અપાર શક્યતાઓ હોવા છતાં,ભોગોલીક વાતાવરણ,અઢળક ખનીજ સંપત્તિ હોવા છતાં,સ્કીલ બેઝ મેન પાવર હોવા છતાં,ઉદ્યોગો માટે જરૂરી વિશાળ જગ્યાઓ હોવા છતાં ઓલ વેધર પોર્ટ હોવા છતાં, બ્રોડગેજ રેલ્વે લાઈન હોવા છતાં,ત્રણેય દિશાઓમાં નેશનલ હાઇવે હોવા છતાં,એરપોર્ટ હોવા છતાં પણ પોરબંદરનો ઔદ્યોગિક  વિકાસ થઇ શક્યો નથી.એ પણ વાસ્તવિક કરુણ હકીકત છે.કારણ જે પણ હોય તે વેઠવું તો આજના યુવા બેરોજગારોને જ પડી રહ્યું છે.

એવું નથી કે પોરબંદરનો ઔદ્યોગિક વિકાસ શક્ય નથી,બસ જરૂર છે સત્તા સ્થાને બેઠેલા લોકોની પ્રબળ ઈચ્છા શક્તિની.યોગ્ય વાતાવરણ ઉભું કરવાની.ઉદ્યોગોને આકર્ષવા માટે યોગ્ય રાહતો આપવાની જરૂર છે.

પ્રવાસન_ઉદ્યોગ
પ્રવાસન ક્ષેત્રે પોરબંદર ખુબ ઉજળી શક્યતાઓ ધરાવે છે તેના અનેક કારણો છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમી, કૃષ્ણસખા સુદામાની તપોભૂમિ,રાષ્ટ્રીય સંત ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કર્મભૂમિ,રમણીય દરિયા કિનારો,બરડા ડુંગરની ભવ્ય કુદરતી વિરાસત,દ્વારકા અને સોમનાથ વચ્ચે પોરબંદરનું ભોગોલીક સ્થાન, અહીની વિશ્વ વિખ્યાત મહેર રાસ મંડળી,અહીની વખણાતી મહેમાનગતિ, દેશી વહાણવટાનું બાંધકામ, ભેજયુકત આહલાદક વાતાવરણ,અહીનું શુદ્ધ કાઠીયાવાડી ભોજન, રીવરફ્રન્ટ, ભારત મંદિર, તારા મંદિર, કીર્તિ મંદિર, ઘુમલી જેવા જોવા લાયક સ્થળો જેવા અનેક આકર્ષણો તેમજ ટ્રાન્સપોટિંગ માટે જરૂરી એરપોર્ટ,રેલ્વે અને નેશનલ હાઇવે ની સુવિધા પોરબંદરમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે નિમિત બની શકે તેમ છે.

બસ જરૂર છે જરૂરી માળખાકીય સુવિધા વિકસાવવાની, જરૂરી વાતાવરણ ઉભું કરવાની અને પ્રવાસન વિભાગ દ્વારા યોગ્ય  કરવાની.પ્રવાસ ઉદ્યોગ અનેક નવી રોજ્ગારીઓ ઉભી કરી શકે તેમ છે.ઉટી-સીમલા-આબુ-દીવ તેના જીવંત ઉદાહરણ ગણી શકાય.

એજ્યુકેશન_હબ
પોરબંદર ભોગોલીક રીતે સમગ્ર દરિયાય પટ્ટી (કોસ્ટલ બેલ્ટ) ની વચ્ચે આવેલું હોય ઉનાથી શરુ કરીને મીઠાપુર સુધીના કાઠા વિસ્તારની મધ્યમાં આવેલું હોય.પોરબંદરમાં શેક્ષણિક સસ્થાઓ સરકારી કે ખાનગી શરુ થાય તો પોરબંદરના સ્થાનિક વિદ્યાર્થીઓને લાભ મળવાની સાથે સાથે રોજગારીની પણ અનેક તકો ઉભી થઇ શકે તેમ છે.ગોઢાણીયા કોલેજ આવનારા દિવસોમાં ડીમ્ડ યુનિવર્સીટીનો દરજ્જો પ્રાપ્ત કરી શકે તેમ છે,પોલીટેકનીક કોલેજ અને કૃષિ કોલેજ સહિતની કોલેજો કાર્યરત છે.મેડીકલ કોલેજ શરુ થવા જઈ રહી છે.આવનારા દિવસોમાં પોરબંદરને મરીન એન્જીનીયરીંગ કોલજ, આઈ.આઈ.ટી કોલેજ પોરબંદરને ફાળવવામાં આવે તો પોરબંદર આવનારા દિવસોમાં શેક્ષણિક હબ તરીકે જરૂરથી વિકસી શકે,કે,જી. થી પી.જી સુધીની રેસીડેન્સીયલ સ્કુલ કોલેજો શરુ થાય એ પણ જરૂરી છે.કારણ કે પોરબંદરના હજારો વિદ્યાર્થીઓ સ્થાનિક લેવલે સવલતો મળતી ન હોય ન છુટકે બહારગામ અભ્યાસ અર્થે જાય છે.
પોરબંદર શેક્ષણિક ક્ષેત્રે હબ તરીકે વિકસે અને વિસ્તરે તો આવનારા દિવસોમાં પોરબંદરનો વિકાસ પણ વિદ્યાનગર – ધોરાજી – જુનાગઢની જેમ થઇ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય.

ગૃહઉદ્યોગ
પોરબંદરમાં બેરોજગારીએ અજગર ભરડો લીધો છે.ઉદ્યોગો ન હોવાને કારણે શિક્ષિત યુવાનો તો બેરોજગાર છે.જ પરંતુ ખાસ કરીને રોજેરોજનું રળી ખાતા પરિવારની મહિલાઓ ખાસ કરીને બહુ હેરાનગતિ અને રોજગારીના અભાવે આર્થિક અગવડતાઓનો સામનો કરી રહી છે.ખાસ કરીને મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલ પરિવારોની મહિલાઓને ન છુટકે ઘરકામ કરવાની ફરજ પડી રહી છે.આજ રીતે કેટલીય બહેનો રોજગારીના અભાવે બેરોજગારીના ખપ્પરમાં હોમાય રહી છે.ત્યારે પોરબંદરમાં ગૃહ ઉદ્યોગ વિકસે અને વિસ્તરે તે ખુબ જરૂરી છે.ખાસ કરીને મહિલાઓને રોજગારી પૂરી પાડતા ગૃહ ઉદ્યોગો સરકારની યોજનાઓ દ્વારા શરુ થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર એ ચીલાચાલુ ગૃહ ઉદ્યોગો માટે લોન કે સબસીડી આપીને સંતોષ માનવાને બદલે પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત ઇલાબેન ભટ્ટ ની સંસ્થા ” સેવા ” માંથી પ્રેરણા લઈને એવા ગૃહ ઉદ્યોગો ઉભા કરવા માટે લોન – સબસીડી – સહાય – ટ્રેનીંગ અને માહિતી – માર્ગદર્શન આપવા જોઈએ કે જેમાં ગૃહ ઉદ્યોગ માંથી તૈયાર થયેલી ચીજ વસ્તુઓ વર્લ્ડ માર્કેટમાં જ આસાનીથી વેચાય જાય.

ખનીજ_ઉદ્યોગ
પોરબંદરને કુદરતે અફાટ અને અમાપ કુદરતી ખનીજ સંપતિ અર્પી છે જે લઘુ અને મધ્યમ તેમજ હેવી ઇન્ડસ્ટીઝ ઉભી થાય તો વર્ષો સુધી કાચા માલની ખપત પૂરી પાડી શકે તેમ છે. પોરબંદરના દરિયા કાંઠેથી નીકળતો બિલ્ડીંગ સ્ટોન. રાણાવાવ નજીક થી નીકળતી ખડી માટી, બરડાના પેટાળ માંથી નીકળતો લાઇમસ્ટોન અને દેવ ભૂમિ દ્વારકા જીલ્લા માંથી નીકળજો બોકસાઈટ ખનીજ અનેક ઉદ્યોગોને પોરબંદરમાં આકર્ષી શકે તેમ છે.. જરૂર છે માત્ર સરકારની ઈચ્છા શક્તિની… દરવર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ થાય છે પરંતુ પોરબંદરને ફાળે ક્યારેય કોઈ ઉદ્યોગ આવતો જ નથી એ જ દર્શાવે છે કે પોરબંદરમાં કોઈ ઉદ્યોગ આવવા ઈચ્છતો નથી અને સરકાર કોઈ ઉદ્યોગ ને પોરબંદર લાવવા માટે રાજી કરવાની કોશિશ સુદ્ધા કરતી નથી..
જો ખનીજ આધારિત મધ્યમ કે હેવી ઉદ્યોગ પોરબંદરને મળે તો પોરબંદરની બજાર પણ ધમધમતી થઇ જાય અને પોરબંદરનો પડી ભાંગેલો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ફરિથી બેઠો થઇ શકે તેમ છે… રોજગારીની તકો ઉભી થાય એ નફામાં..

મત્સ્યઉદ્યોગ
સમગ્ર દેશનો સૌથી લાંબો દરીયાકીનારો ગુજરાતને મળ્યો હોવા છતાં ગુજરાતનો મત્સ્યઉદ્યોગ કાયમથી કાયમ ભાંગતો જ જાય છે.. ફિશિંગ કરવાથી હજુ આપણે આગળ વધી શક્યા જ નથી… જો ફિશિંગ આધારિત પ્રોસેસિંગ યુનિટો ઉભા થાય તો જ રોજગારીની તકો ઉભી થઇ શકે તેમ છે.. મત્સ્યઉધોગના વિકાસ માટે સરકારે ખરીદદારોની સીન્ડીકેટ તોડવી જોઈએ,,, જેમ ખેત ઉત્પાદનના ભાવો વેપારીઓ નક્કી કરીને લુટે છે એજ હાલ મત્સ્યઉદ્યોગના છે.. માછીમારી કરનાર ફિશરમેનોએ પકડેલી માછલીઓને પાણીના ભાવે ગણ્યા ગાંઠ્યા વેપારીઓની સીન્ડીકેટ ખરીદી લઈને ગ્લોબલ માર્કેટમાં ઉચા ભાવે વેચી મલાઈ તારવી લે છે..
માછીમારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં પણ સરકાર ઉણી ઉતરી રહી છે..ફેઝ ૨ ના બંદરનો પ્રશ્ન પણ અદ્ધરતાલ છે..નફામાં જો જેતપુરનું ગંદુ કેમીકલયુકત પાણી જો પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તો મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારોએ તો નાહી જ નાખવાનું રહેશે એ નક્કી…

કૃષિઉદ્યોગ
પોરબંદરના પાણીદાર ખેડૂતો પરસેવો પાડીને દરવર્ષે મબલક ખેત ઉત્પાદન લે છે, પરંતુ પોરબંદર જીલ્લામાં તૈયાર થયેલ મગફળી, ચણા, ઘઉં, બાજરી, કપાસ, ધાણા-ઝીરું કે કેરીના કોઈ પ્રોસેસિંગ યુનિટો પોરબંદર જીલ્લામાં ઉપલબ્ધ જ ન હોય કૃષિ ઉદ્યોગ આધારિત રોજગારી ઉભી જ નથી થઇ શકતી આ પણ એક વાસ્તવિક હકીકત છે..
જો પોરબંદર માં ઓઈલમિલ, કોલ્ડ સ્ટોરેજ, મસાલા ઉદ્યોગ. કેરી આધારિત પ્રોસેસિંગ યુનિટો ડેવલપ થાય તો અનેકને રોજગારી મળી શકે તેમ છે…

કાર્ગો_લેન્ડીંગ_હબ
પોરબંદર પાસે રોજગારીનું સર્જન કરનારી એક વિપુલ તક ઉપલબ્ધ છે.. જો સરકાર આ દિશામાં વિચારે તો અનેકને રોજગારી મળવાની સાથે સાથે પોરબંદરની બજાર પણ ધમધમતી થવાની સાથે સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ફરીથી ધમધમતો થઇ શકે તેમ છે…
જો પોરબંદરના એરપોર્ટના રનવેની લેન્થ વધારવામાં આવે અને ફ્લાઈટની નાઈટ લેન્ડીંગ ફેસેલીટી ઉપલબ્ધ કરાવવામાં આવે તો માલસામાનની હેરાફેરી માટે કાર્ગો લેન્ડીંગ હબ બની શકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે… કારણ કે પોરબંદરમાં ઓલ વેધર પોર્ટ… મેટ્રો સીટી રાજકોટ અમદાવાદ – કંડલા બંદર અને મુન્દ્રા બંદરને જોડતો ત્રણેય દિશાનો નેશનલ હાઇવે તેમજ એરપોર્ટની બાજુમાથી જ પસાર થતી લાંબા રૂટની બ્રોડગેજ રેલ્વે લાઈન ની સુવિધા ઉપલબ્ધ હોય તેમજ ગલ્ફ ના દેશો અરબી સમુદ્રની તદન નજીક હોય ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટો માલ સામાનના આવા ગમન માટે પોરબંદર ખુબ જ સાનુકુળ સ્થળ છે… જો સરકાર પોરબંદરના એરપોર્ટ ને કાર્ગો લેન્ડીંગના હેતુ માટે વિકસાવે તો પોરબંદરની સકલ અને સુરત બંને બદલી શકે તેમ છે..

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે