લોકસભાની સામાન્ય ચૂંટણી ના કારણે વિદ્યાર્થીઓના વેકેશનનનો ભોગ લેવાઈ રહ્યો છે. પરીક્ષાઓ લેવાઈ ગયા બાદ પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજીયાત ભણવા જવુ પડે છે. તેમ જણાવીને પોરબંદર શિવસેના દ્વારા આ અંગે રાજ્યસરકારને રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર શિવસેનાના વિદ્યાર્થીપાંખના જિલ્લા પ્રમુખ પૂજા સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ કલ્પેશ મકવાણા અને જિલ્લા પ્રભારી નારણભાઈ સલેટ સહિત અગ્રણીઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે રાજયભરમાં ઉનાળુ વેકેશનની શિક્ષણ વિભાગ દ્વારા અગાઉથી તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ લોકશાહીના મહાપર્વ ચૂંટણીને અનુસંધાને તેને સ્થગિત કરવામાં આવી છે. જેના કારણે પોરબંદર સહિત રાજયભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધી હોવા છતાં પછીના વર્ષના વર્ગોમાં બેસવાનું જણાવવામાં આવે છે. અને વિદ્યાર્થીઓને ફરજીયાત પણે હાજરી આપવી પડે છે. ચૂંટણીના આયોજનને કારણે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પોતાનુ વેકેશન ગુમાવી રહ્યા છે. અને શાળા તરફથી પણ એવી સૂચના અપાઈ છે કે જયાં સુધી પરીક્ષાનુ પરિણામ ન આવે ત્યાં સુધી વેકેશન ગણી શકાય નહીં.
એટલુ જ નહીં પરંતુ મોટાભાગના શિક્ષકોએ પણ ઉનાળુ વેકેશનમાં તેમને ત્યાં સામાજિક પ્રસંગો સહિત બહાર ફરવા જવા માટેના એલ.ટી.સી. પ્રવાસ વગેરે ગોઠવ્યા હતા. પણ અચાનક જ શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોનું ઉનાળુ વેકેશન સ્થગિત કરીને નવી સુચના મળે નહી ત્યાં સુધી વેકેશન નિયત અને જાહેર કરવામાં આવ્યુ નહી હોવાથી ખૂબજ મુશ્કેલીનો સામનો શિક્ષકોને પણ કરવો પડી રહ્યો છે. માટે જિલ્લા શિવસેના દ્વારા આ મુદે રજૂઆત કરીને રાજ્ય સરકાર વહેલીતકે ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરે અને જુદી જુદી શાળાઓમાં હાલ વેકેશન દરમ્યાન પણ વિદ્યાર્થીઓને ભણવા માટે કરવામાં આવતુ દબાણ બંધ થાય તેવી માંગ કરી છે.