પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇ શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પવિત્ર શ્રાવણ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ્ભાગવતના મૂલપાઠ, શ્રીમદ્ભાગવત કથા અને શ્રીરામ કથા, નવકુંડી વિષ્ણુયાગ, ધ્વજારોહણ, શાલીગ્રામ પૂજા, સત્યનારાયણ કથા, હિંડોળા દર્શન અને ઝાંખી દર્શન જેવા અનેકવિધ ધાર્મિક અને અધ્યાત્મિક મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. આ સૌ મનોરથના દર્શનનો લાભ લેવા આપ સૌ ભાવિકોને હાર્દિક નિમંત્રણ છે.
શ્રીહરિ મંદિરમાં આયોજિત વિવિધ મનોરથ
શાલીગ્રામ પૂજા
પુરાણોનુસાર પવિત્ર પુરુષોત્તમમાં શાલીગ્રામ ભગવાનના પૂજન-અર્ચનનું વિશેષ મહત્ત્વ છે. આથી આ સંપૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે તા.૧૮-૦૭-૨૩ થી ૧૬-૦૮-૨૩ દરમ્યાન સામુહિક રીતે વિધિવત શાલિગ્રામ પૂજન સમ્પન્ન થશે. પ્રતિદિન સવારે શ્રીહરિમંદિરમાં ઋષિકુમારો દ્વારા શાલીગ્રામ ભગવાનનું શોડશોપચારવિધિથી પૂજન કરવામાં આવશે જેમાં પૂજાના મનોરથીઓ વર્ચ્યુઅલિ જોડાશે.
હિંડોળા દર્શન એવં સત્સંગ
પુરુષોત્તમ માસ દરમ્યાન તા.૦૨-૦૮-૨૩ થી ૧૬-૦૮-૨૩ સુધી શ્રીહરિમંદિરમાં હિંડોળાના શૃંગાર દર્શન યોજાશે. પ્રતિદિન ભગવાન બાલકૃષ્ણને પારણામાં બિરાજમાન કરીને જુદા-જુદા દિવ્ય શૃંગાર કરવામાં આવશે. આ અનેરા દર્શનનો લાભ આપ સૌ સાંજે ૪:૩૦ થી ૮:૦૦ દરમ્યાન લઇ શકશો. આ સાથે તા. ૨૯-૦૭-૨૩, એકાદશીના દિવસે શ્રીહરિ મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે સાંદીપનિના ઋષિ દ્વારા સાંજે ૪:3૦ થી ૬:૩૦ દરમ્યાન સત્સંગ સંપન્ન થશે
સામુહિક સત્યનારાયણ કથા એવં શ્રી વિષ્ણુસહસ્રનામ પાઠ
શ્રીહરિ મંદિરમાં તા. ૦૧-૦૮-૨૩, પૂર્ણિમાના દિવસે અને તા.૧૨-૦૮-૨૩, કૃષ્ણપક્ષ એકાદશીના દિવસે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમ્યાન સામુહિક શ્રીસત્યનારાયણ કથા સમ્પન્ન થશે. જેમાં ઋષિકુમારો દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન કરીને કથાનું રસપાન કરાવવામાં આવશે. આ સાથે તા.૧૬-૦૮-૨૩, પુરુષોત્તમમાસના અમાસના દિવસે શ્રીહરિમંદિરમાં ઋષિકુમારો દ્વારા સામુહિક શ્રીવિષ્ણુસહસ્રનામ પાઠ સંપન્ન થશે.
અન્ય મનોરથ
પુરુષોત્તમ માસમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, સત્યનારાયણ કથા, રુદ્રાભિષેક અને એકાદશી, રવિવાર અને અમાસ જેવા વિશેષ દિવસે વિશેષ ઝાંખી દર્શન જેવા મનોરથ સંપન્ન થશે.
સાંદીપનિમાં આયોજિત વિશેષ મનોરથ
૧૦૮ શ્રીમદ્ ભાગવત મૂલ સસ્વર પાઠ
સંપુર્ણ શ્રાવણ અધિકમાસ પવિત્ર પુરુષોત્તમમાસ દરમ્યાન શ્રીહરિમંદિરમાં વિશેષત: ૧૦૮ મૂળ શ્રીમદ ભાગવત માસિક પારાયણના મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રત્યેક દિવસે સવારે સાંદીપનિના ઋષિકુમારો દ્વારા શ્રીમદ્ ભાગવતના મૂળ સંસ્કૃતના શ્લોકોનું સસ્વર પારાયણ કરવામાં આવશે. આ મનોરથમાં જોડાયેલા માંનોરાથીઓ પૂજા વિધિમાં વર્ચ્યુઅલિ જોડાશે.
શ્રીમદ્ ભાગવત કથા
પાવન પુરુષોત્તમમાસ દરમ્યાન શ્રીહરિ મંદિરના સભાગૃહમાં બે દિવ્ય શ્રીમદ્ ભાગવતકથાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ શ્રીમદ્ભાગવત ભાગવત કથાનું ૨૩-૦૭-૨૩ થી ૩૦-૦૭-૨૩, સમય બપોર પછી ૩:૦૦ થી ૬:૩૦ દરમ્યાન સાંદીપનિના વિદ્વાન ઋષિ શ્રી દિલીપભાઈ પંડ્યા દ્વારા રસપાન કરાવવામાં આવશે. જયારે દ્વિતીય શ્રીમદ્ભાગવત કથાનું તા. ૦૬-૦૮-૨૩ થી ૧૩-૦૮-૨૩ સુધી, સમય બપોર પછી ૩:૦૦ થી ૬:૩૦ દરમ્યાન સાંદીપનિના વિદ્વાન ઋષિ શ્રી હર્ષિતભાઈ શુક્લ દ્વારા રસપાન કરાવવામાં આવશે. આ બંને કથાશ્રવણનો લ્હાવો લેવા માટે આપ સૌ નિમંત્રિત છો.
નવકુંડી વિષ્ણુયાગ
સંપુર્ણ પવિત્ર પુરુષોત્તમના પ્રત્યેક રવિવારે શ્રીવિષ્ણુભગવાનના આરાધન હેતુ ૪ નવકુંડી વિષ્ણુયાગનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૨૩મી અને ૩૦મી જુલાઈ તથા ૬ઠ્ઠી અને ૧૩મી ઓગષ્ટના રોજ સાંદીપનિનિ ભવ્ય યજ્ઞશાળામાં સવારે ૯:૦૦ થી સાંજે ૪:૦૦ સુધી શાસ્ત્રોક્ત વિધીવિધાન સાથે વિષ્ણુયાગ સંપન્ન થશે.
પવિત્ર પુરુષોત્તમ નિમિત્તે આયોજિત આ સર્વે મનોરથના દર્શન માટે આપ સૌ ભાવિકોને સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ છે. તેમજ આપ સૌ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી દરરોજની આરતી-દર્શનનો લ્હાવો લઈ શકો છો.