પોરબંદર ની એમ.ડી.સાયન્સ કોલેજ ખાતે યુથ રેડક્રોસ યુનિટ દ્વારા ટીબી અને એચઆઇવી બાબતે સમાજમાં જાગૃતિ લાવવા અને હાર્ટ એટેકની સમસ્યાને લઈને સીપીઆર તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
એમ.ડી.સાયન્સ કોલેજની યુથ રેડક્રોસ ટિમ સમયાંતરે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકજાગૃતિ માટેના પ્રોજેકટ કરતી હોય છે, પ્રવર્તમાન સમયની માંગ પ્રમાણે સમાજમાં ટીબી અને એચઆઇવી રોગ બાબતે જનજાગૃતિ લાવવા વિદ્યાર્થીઓને આ બંને રોગ બાબતે યોગ્ય માર્ગદર્શન અને માહિતી મળી રહે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્તમાન સમયમાં હાર્ટ એટેકના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને આવા સમયે તાત્કાલિક હાર્ટના દર્દીને પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તેની પણ આ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.
આ માર્ગદર્શન સેમિનારને સફળ બનાવવા સાયન્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય એ.જે.રિજીવાડિયા, પ્રો. જયેશભાઈ મોઢા, પ્રો. મિતાબેન મોઢા, પ્રો. પરેશભાઈ લાડવા, પ્રો. ભરતભાઇ બારીયા, પ્રો. દીપ્તિબેન નામેરા, પ્રો. ગૌતમભાઈ ધુલા, પ્રો. નિકિતાબેન ચૌધરી અને યુથ રેડક્રોસના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
આ સેમિનારમાં વિમલભાઈ હિંડોચા, વર્ષાબેન જોશી, અલ્પેશભાઈ નાંઢા અને વિજ્ઞાબેન અગ્રાવત, બિંદુબેન થાનકી વગેરેએ ફેકલ્ટી તરીકે સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયાએ ખાસ ઉપસ્થિત રહી એમ.ડી.સાયન્સ કોલેજમાં થતી યુથ રેડક્રોસની પ્રવૃત્તિઓને બિરદાવી અભિનંદન આપ્યા હતા.