શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલ, છાયાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના રૂડા આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, છાયા-પોરબંદરના બે વિદ્યાર્થીઓ કલા ઉત્સવ કાર્યક્રમ 2022 માં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવીને ગત તા.15/11/2022 ના રોજ રાજકોટ ખાતે યોજાયેલ ઝોન કક્ષાના કલા ઉત્સવમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા અને પરિવારનું નામ ઉજળું કર્યું છે.
ઝોન કક્ષાના કલા ઉત્સવમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ જેવા કે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા માંથી જેતે સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. વાદ્ય સંગીત સ્પર્ધામાં અમારી શાળાના વિદ્યાર્થી પરમાર મોહમ્મદહુસૈન સલીમભાઇએ ઝોન કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુ અને ઉચ્ચતર માધ્યમિકમાં શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીની રામદતી હૈત્વીબેન દેવેન્દ્રગીરીએ ઝોન કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. જે બદલ આયોજકો એ પ્રમાણપત્રો અને ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.
કલા ઉત્સવ2022-23 માં ઝોન કક્ષાએ વાદ્ય અને નૃત્યમાં એમ બે સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવવા બદલ સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી, શાળાના આચાર્ય વિપુલભાઇ બારૈયા, શિક્ષકો તથા સ્વામિનારાયણ ગુરુકલ શૈક્ષણિક સંકુલ, છાયામાં ચાલતી વિવિધ શાળા, કોલેજોના આચાર્ય અને ડાયરેક્ટરઓએ અભિનંદન પાઠવ્યા હતા. આચાર્ય વિપુલભાઈ બારૈયાની સતત નિગરાની અને માર્ગદર્શન મુજબ ચાલતી સ્કૂલ જેમાં ક્વોલિફાઈડ, અનુભવી તથા તલસ્પર્શી જ્ઞાન ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અને વિવિધ સ્પર્ધાની તૈયારી સાથે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે.
