પોરબંદર ના છાયા વિસ્તાર માં આવેલ મારુતિનગર માં ઘર પાસે ખાલી થઇ રહેલ દરિયા ની ખારી રેતી અંગે બે પોલીસકર્મીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા ઉશ્કેરાયેલા પિતા પુત્ર એ બન્ને પોલીસ કર્મીઓ પર લાકડા વડે હુમલો કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ ના પગલે પોલીસબેડા માં ચકચાર મચી છે.
પોરબંદર ના કમલાબાગ પોલીસ મથક માં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા સાજનભાઈ રામશીભાઈ વરૂ( ઉ.વ.રપ) એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આજે સવારે સાડા સાતેક વાગ્યે પોતે તથા કોન્સ્ટેબલ નિખીલભાઈ ઘેલાભાઈ વાઘ બન્ને ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન છાંયા મારૂતીનગર વિસ્તારમાં આવતાં એક મકાનની આગળ રોડ ઉપર છકડો રીક્ષામાંથી પ્રતાપ માંડણ ખિસ્તરિયા નામનો શખ્શ દરિયાઈ ખારી રેતી ખાલી કરી રહ્યો હતો. બંન્નેને આવતાં જોઇ તે દોડીને મકાનમાં જતો રહ્યો હતો. જેથી તેઓએ બોલાવતા પ્રતાપ બહાર આવ્યો હતો.
પોલીસે રીક્ષા માં ભરેલી દરિયાઈ ખારી રેતી કોની છે. તેવું પૂછતા પ્રતાપે તે રીક્ષા પોતાની હોવાનું જણાવી બન્ને ને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. આથી સાજનભાઈ એ તેને ગાળો બોલવાની ના પાડતાં પ્રતાપે ઉશ્કેરાઈ જઈ તેઓની સાથે જપાજપી કરી હતી. અને બાજુમાં પડેલ લાકડાનું બળતણ વડે બન્ને પર હુમલો કર્યો હતો. તે દરમ્યાન મકાનની અંદરથી પ્રતાપના પિતા માંડણભાઈ બહાર આવ્યા હતા ત્યારે સાજનભાઈ પ્રતાપને પકડવા જતાં માંડણભાઈએ વચ્ચે પડી તેઓને રોકી રાખી તેની સાથે જપાજપી કરવા લાગ્યા હતા. અને પ્રતાપે બાજુમાં પડેલ રેતી ભરવાનો પાવડો ઉપાડી હવામાં વીંજવા લાગતા સાજન ભાઈ ને આંગળીઓમાં ઈજા થઇ હતી.
ત્યાર બાદ પ્રતાપ ત્યાંથી તેની દરિયાઈ ખારી રેતી ભરેલ રીક્ષા લઈને નાસી ગયો હતો. જેથી બન્ને એ આ અંગે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ને જાણ કરતા પોલીસ સ્ટાફ તુરંત ત્યાં દોડી ગયો હતો. અને માંડણભાઈ ખીસ્તરીયાને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. જયારે બન્ને પોલીસકર્મીઓ ને સરકારી હોસ્પીટલે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. દરિયાઈ રેતીચોરી કરી ને રીક્ષા ભરી તેઓ ઘરે લાવ્યા હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.