રાણાવાવ નજીક આવેલ ખંભાળા ડેમમાં ગેરકાયદેસર માચ્છીમારી કરી રહેલા શખ્શોને અટકાવવા ગયેલા વન કર્મી સાથે ઝપાઝપી બાદ વનકર્મીઓની ફરજમાં રૂકાવટ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે વન વિભાગે બે શખ્સો ને ઝડપી લઇ જેલહવાલે કર્યા છે.
રાણાવાવની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને સાત વીરડા રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા લખમણ ડાડુભાઈ બડીયાવદરા એ ગત ૪-૫ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખંભાળા ડેમના કાંઠે બોટ દ્વારા માચ્છીમારીની હરકત થતી દેખાતા તેઓ વોચમાં ઉભા હતા. અને સવારે સાડા પાંચેક વાગ્યે એ બોટ ડેમના કાંઠે આવતા ત્યાં જઇને તપાસ કરતા તેમાં ચાર શખ્સો હતા. તે પૈકી બે નાસી ગયા હતા. અને બેને પકડી લીધા હતા. તથા બોટની અંદર તપાસ કરતા ડેમમાંથી તેણે માચ્છીમારી કરી હોય તેવા માછલાના બાચકા મળ્યા હતા.
આથી માછીમારી અંગે તેઓ પાસે પરવાનો માંગતા બે શખ્શો પૈકી એકનું નામ જિજ્ઞેશ ઉર્ફે જીગો નવઘણ મકવાણા અને બીજો સીકંદર રામવુક્ષ સહની હોવાનું જણાવ્યુ હતુ. જેમાં જિજ્ઞેશે વનકર્મીઓ સાથે ઝપાઝપી કરી તેને ધકકો મારી નાસી ગયા હતો. ત્યારબાદ લખમણ એ રાણાવાવ વનવિભાગની કચેરીમાં જિજ્ઞેશ ઉર્ફે જીગો નવઘણ મકવાણા, સીકંદર રામવુક્ષ સહની, અશરફશાહ ફિરોઝશાહ રફાઈ અને ચોથા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી. જે મામલે ૨૫ દિવસ થી નાસતા ફરતા રફાઇ અશરફશા ફિરોજશા (ઉવ ૩૦ રે. રાણાવાવ)અને શાહમદાર નાસીરશા નયુમશાહ (ઉવ ૨૭ રે. રાણાવાવ) ને વન વિભાગે ઝડપી લઇ રાણાવાવ ના જયુડીશીયલ મેજીસ્ટ્રેસ્ટ ફસ્ટ કલાસની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્રારા બન્ને આરોપીઓના જામીન નામંજુર કરી પોરબંદર ખાસ જેલ હવાલે કરવાનો હુકમ કરતા બન્ને ને જેલહવાલે કરાયા છે.