હરિયાણા માં શેર બજાર માં ઊંચું રીટર્ન અપાવવાની લાલચ આપી ૧ કરોડ ની છેતરપિંડી મામલે મુખ્ય આરોપીઓ ને બેંક એકાઉન્ટ ભાડે આપનાર પોરબંદર ના બે શખ્સો ને એલસીબી એ ઝડપી લીધા છે.
હરિયાણા ના ગુરગાવ માં રહેતા સંજય જૈન નામના વેપારી એ ગત ૧૬-૨ ના રોજ ત્યાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની સાથે વેલ્સ કેપિટલ ના નામ થી વિદેશી સંસ્થાકીય એકાઉન્ટ સબંધી સ્ટોકસ માં રોકાણ ના નામે રૂ ૧૦૫ .૫૦ લાખ ની છેતરપિંડી થઇ છે. જેમાં કંપનીના નામે સોશ્યલ મિડિયામાં વિદેશી સંસ્થાકીય એકાઉન્ટ ખોલવાની જાહેરાત કરતા તેઓ પણ જોડાયા હતા. અને કંપની એ દરરોજ લાઇવ કલાસ લેવાનું શરૂ કર્યુ હતુ. અને તેમણે સંશોધન કરેલ કંપનીઓના સ્ટોકસ અને આઈ.પી.ઓ.માં રોકાણની વિનંતિ કરવાનું શરૂ કર્યુ હતુ.
સંજય જૈને ડિસેમ્બર-૨૦૨૩થી તેમની લીંક દ્વારા શેર કરેલ લાઇવ સત્રોમાં હાજરી આપ્યા બાદ એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યુ હતુ. અને તેની સાથે ખાતુ પણ ખોલાવવામાં આવ્યુ હતુ. એ પછી તેઓને એક મોબાઈલ એપ ‘વેલ્સ પ્રો’ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. જેમાં ફંડ ટ્રાન્સફર કરવા અને તેમના દ્વારા ભલામણ કરાયેલા શેરોમાં વેપાર કરવા અને તેમના દ્વારા પ્રસ્તાવિત આઈ.પી.ઓ. માટે અરજી કરવાનું કહેવામાં આવ્યુ હતુ. જેમાં તેઓને નફો થતા કંપની ના ધનંજય સિંહા અને શ્રુતિ ગુપ્તા દ્વારા ભંડોળમાં ત્રણ ગણી અરજી કરવાનો લાભ આપી આઇ.પી.ઓ.માં વધુ રકમનું રોકાણ કરવાનું કહયુ હતુ. આથી કુલ તેઓએ ૧૦૫.૫૦ લાખ રૂ નું રોકાણ કર્યું હતું. અને તમામ રોકાણ કરેલ રકમ સંજય ના બેન્ક ખાતામાંથી ઓનલાઈન શ્રુતિ ગુપ્તા દ્વારા દર્શાવાયેલ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.
ત્યાર બાદ તેઓને શંકા જતા ભંડોળ પાછુ ખેંચવા તેઓએ પ્રયત્ન કરતા તે મોબાઈલ એપ્લીકેશન જ બંધ થઇ ગઈ હતી. આથી પૈસા મેળવવા માટે તેઓએ અવારનવાર ફોન કર્યા હતા. પરંતુ ધનંજય સિંહા અને શ્રુતિ ગુપ્તાના ફોન ગત ૬ ફેબ્રુઆરી બંધ છે. આથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલીક રકમ પોરબંદર ના બે શખ્સો ના ખાતા માં ટ્રાન્સફર થઇ હોવાનું સામે આવતા તેઓએ પોરબંદર પોલીસ ને જાણ કરી હતી. આથી એલસીબી ના ઇન્ચાર્જ પી આઈ આર કે કાંબરિયા તથા સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન બે શખ્સો હર્ષદ ઉર્ફે હેરી ઉર્ફે નાસ્તો રમેશભાઈ મકવાણા (રે કડિયા પ્લોટ શેરી નં ૨)અને નિકુંજ ઉર્ફે ગેડો મનસુખભાઈ ચૌહાણ (રે રાજીવનગર સિલ્વર પાર્ક-૨)ને ઝડપી લઇ હરિયાણા પોલીસ ને સોપ્યા હતા. બન્ને શખ્સો એ પ્રાથમિક પુછપરછ માં એવું જણાવ્યું હતું કે તેઓએ પોતાના બેંક એકાઉન્ટ ચોક્કસ રકમ માટે કોઈ ને ભાડે આપ્યા હતા. આથી પોલીસે આ એકાઉન્ટ કોણે અને કેટલામાં ભાડે રાખ્યા હતા. તે સહિતની દિશા માં વધુ તપાસ હાથ ધરી છે.