પોરબંદરના સોઢાણા ગામે ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્શોને શંકાસ્પદ હાલતમાં ગ્રામજનોએ ઝડપી લીધા હતા અને પોલીસને સોંપ્યા બાદ વનવિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર-ખંભાળિયા હાઇવે પર આવેલ સોઢાણા ગામે બપોરના સમયે બે શખ્સો એક કોથળામાં ઢેલનો મૃતદેહ લઇને પસાર થતા હતા. જે અંગે જાણ થતા ગ્રામજનો એ અટકાવી કોથળો ખોલાવતા તેમાં થી ઢેલ નો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલત માં મળી આવ્યો હતો. આથી બન્ને શખ્સો એ તેનો શિકાર કર્યો હોવાની શક્યતા ના આધારે પોલીસ ને જાણ કરવામાં આવતા બગવદર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને પૂછપરછ કરતા બન્ને શખ્સો અડવાણા ગામે રાવલ ગોલાઈ પર રહેતા ભુપત રવજી સોલંકી અને ધમા કુરજી પરમાર હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ વન વિભાગ ને જાણ કરવામાં આવતા વન વિભાગ ની ટીમ પણ દોડી ગઈ હતી અને મૃતદેહ તેમજ બન્ને શખ્સો નો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક પુછપરછ માં બન્ને એ એવું જણાવ્યું હતું કે ઢેલ નું વાહન અકસ્માત માં મોત થતા તેનો મૃતદેહ તેઓને મળ્યો હતો જે તેઓ લઇ ને જતા હતા પરંતુ તેઓ બચાવ કરતા હોવાનું જણાતા વન વિભાગે બન્ને શખ્સો ને ફરી સ્થળ પર લઇ જઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને મૃતદેહ ના પીએમ બાદ બન્ને શખ્સો સામે ગુન્હો નોંધાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.