કુતિયાણામાં બેન્કના કલાર્ક પર હુમલો કરી બે શખ્સો એ ફરજ માં રુકાવટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મૂળ રાજસ્થાનના સરદારપુરાવાસમાં તથા હાલ પોરબંદરના કમલાબાગ પાસે આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા અને કુતિયાણાની એસ.બી.આઈ. બેન્કમાં છેલ્લા એક વર્ષથી એસોસીએટ કલાર્ક તરીકે ફરજ બજાવતા યોગેશ ઇન્દ્રરાજ પરીક(ઉવ ૨૫)એ કુતિયાણા પોલીસમથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ સોમવારે તે બેન્ક ખાતે નોકરી ઉપર હતા અને રૂટીન કામ કરતા હતા તે દરમ્યાન એકાદ વાગ્યા આસપાસ તેમના કાઉન્ટર ઉપર ટ્રાફિક હતો અને એક વ્યક્તિ આડેથી તેમની પાસે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, ‘મારે આર.ટી.જી.એસ. કરવાનું છે’ જેથી ફરિયાદી યોગેશે તેમને ‘તમે લાઈનમાં ઉભા રહો તમારો વારો આવશે ત્યારે તમારુ કામ થઇ જશે તેમ કહ્યુ હતુ આથી એ ઇસમ ઉશ્કેરાઈ ગયો હતો અને ‘મારુ કરન્ટ એકાઉન્ટ છે અને મારુ કામ થવુ જ જોઇએ’ તેમ કહ્યુ હતુ તેથી ફરિયાદીએ ‘અહીં લાઈનમાં ઉભેલ બધા માણસો કામથી જ આવ્યા છે. તમે પણ લાઇનમાં ઉભા રહો, તમારો વારો આવશે એટલે તમારુ કામ પણ થઈ જશે.’ તેવુ કહેતા એ ઇસમ બોલાચાલી કરવા લાગ્યો હતો.
આથી બાજુના કાઉન્ટર ઉપર ફરજ બજાવી રહેલ બેન્ક કર્મચારી અંકિત યાદવ તેને સમજાવીને પોતાના કાઉન્ટર ઉપર લઇ ગયો હતો અને થોડીવાર બાદ તેનુ કામ પૂર્ણ થતા તે ઇસમ ફરિયાદી યોગેશને તારા મોબાઇલ નંબર આપ’ તેમ કહેતા ફરિયાદીએ ‘હું મારા મોબાઈલ નંબર ના આપી શકું પણ તમે તમારા નંબર આપો તમારે કામ હોય તો હું ફ્રી થઈને તમને ફોન કરીશ’ તેમ કહેતા તેણે પોતાના મોબાઇલ નંબર આપ્યા હતા અને ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ ફરિયાદી યોગેશે અંકિત યાદવને એ ઇસમ વિષે પૂછતા તે કુતિયાણાનો રાજ ગાંગા ઓડેદરા હોવાનુ જણાવ્યુ હતુ અને ત્યાર પછી ફરિયાદી તેના કામમાં વ્યસ્ત થઇ ગયો હતો. બપોર પછી સાડા ચાર વાગ્યે ફરિયાદી ફ્રી થઈ જતા રાજને મોબાઈલ કરીને ‘મારે તમને હેરાન કરવાનો કોઇ ઇરાદો ન હતો. પરંતુ મારા કાઉન્ટર ઉપર ટ્રાફિક હતો એટલે તમને લાઈનમાં ઉભવાનું કહ્યુ હતુ.’ આથી રાજે તેને કહ્યુ હતુ કે, ‘તું મહેર સમાજ પાસે આવી જા’ તેથી ફરિયાદીએ તેને ‘ તમારે કામ હોય તો તમે બેન્ક ઉપર આવી જાવ’ તેમ કહ્યુ હતુ. આથી રાજે ફોન કાપી નાખ્યો હતો.
અને થોડા સમય પછી તેણે ફોન કરીને ‘હું બેન્કની બહાર ઉભો છું, તું બહાર આવ મારે તારુ કામ છે.’ તેમ કહેતા ફરિયાદી બેન્કની બહાર નીકળ્યો ત્યારે રાજ તથા તેની સાથે એક અન્ય ઇસમ પણ હાજર હતો અને બંને જણા બોલાચાલી કરીને ગાળો બોલવા લાગ્યા હતા. આથી ફરિયાદીએ તેમને ગાળો આપવાની ના પાડતા રાજ સાથે આવેલા ઇસમે બેન્કના કલાર્ક યોગેશને પકડી રાખ્યો હતો અને રાજ તેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. નાક ઉપર મુક્કો મારી દીધો હતો અને તે દરમ્યાન દેકારો થતા બેન્કના કર્મચારી અને સીકયુરીટી ગાર્ડ ત્યાં આવી ગયા હતા.આથી એ બંને ઇસમોએ ‘અમે બેન્કમાં આવીએ એટલે અમારુ કામ પહેલાકરી આપવાનું બાકી તું અમને બહાર મળીશ તો મારી નાખીશું’ તેમ ધમકી આપી જતા રહ્યા હતા.
રાજ સાથે આવેલ ઇસમ કુતિયાણાનો વિશાલ અરજન ગરેજા હોવાનું જણાવાયુ હતુ આથી ઉપરના અધિકારીઓ સાથે વાત કર્યા બાદ યોગેશ પરીકે ફરજમાં રૂકાવટ અને માર માર્યાનો ગુન્હો કુતિયાણાના
રાજ ગાંગા ઓડેદરા અને વિશાલ અરજન ગરેજા સામે નોંધાવ્યો છે. તેથી કુતિયાણા પોલીસે આ બનાવમાં આગળની તપાસ હાથ ધરી છે.