પોરબંદર માં ચારેક માસથી ગુજસીટોક, ખંડણી, મારામારીના ત્રણ ગુન્હામાં તથા એડી. સેશન્સ. કોર્ટના પકડ વોરંટના કામે લાલશાહીથી નાસતા ફરતા ૨ આરોપીઓ ને પોલીસે ઝડપી લીધા છે.
પોરબંદરના ઓડદર ગામે જુદા-જુદા અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા રમેશ ભીખા છેલાણા અને તેની ગેંગના સભ્યો સામે બે થી લઇને અઢાર ગુન્હાઓ નોંધાયા હોવાથી આ છેલાણા ગેંગના ૯ સભ્યો સામે ગત ડીસેમ્બર માસ માં ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી. જે ગુન્હા માં ૨ શખ્સો ચારેક માસ થી નાસતા ફરતા હતા.
જેમાં ભાવેશ દેવાયતભાઈ કોડીયાતર (ઉ.વ.૨૯ રહે. રબારી કેડા, રાણાવાવ) તથા બધા ભીખાભાઇ છેલાણા (ઉ.વ. ૬૫ રહે. વીંઝરાણા)ને પેરોલ ફર્લો સ્કવોડે ઓડદર તથા રાણાવાવ ખાતેથી ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સો સામે ગુજસીટોક ઉપરાંત મારામારી,ખંડણી અંગે પણ ગુન્હા નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે. બન્ને શખ્સો ને આગળ ની કાર્યવાહી માટે સીટી ડીવાયએસપી કચેરી ખાતે સોપવામાં આવ્યા છે. અહી તેઓને કોણે આશરો આપ્યો હતો. તથા મદદ કરી હતી તે સહિતની વિગતો સામે આવશે તેવી પોલીસ ને આશા છે.