પોરબંદર નજીક આવેલ ગોસા(ઘેડ) ગામે બે શખ્સો એ બાઈક માં આવી મહિલા એ કાનમાં પહેરેલ સોનાના બે વેઢલા ની લુંટ કરી નાસી ગયા હતા. બન્ને શખ્સો ને ઝડપી લેવા પોલીસે નાકાબંધી કરતા કુતિયાણા નજીક થી ઝડપાઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગોસા ગામે વિસાણા ફળિયામાં રહેતા સંતોકબેન મુરુભાઈ ઓડેદરા (ઉવ ૫૨)એ નવી બંદર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ગુરુવારે સવારે આઠેક વાગ્યે ખેતરે કામ કરી રહ્યા હતા. ત્યારે બે શખ્સો બાઈક માં આવ્યા હતા. જેમાં એક શખ્સે બાઈક ચાલુ રાખી બીજા સખ્શે સંતોકબેન ના કાનમાં પહેરેલા રૂ ૧ લાખ ૮૦ હજાર ની કીમત ના સવા ત્રણ તોલા વજન ના સોનાના બે વેઢલા ઝુંટવી લીધા હતા. અને ત્યાર બાદ બન્ને શખ્સો નાસી ગયા હતા. બે શખ્સો માંથી એક શખ્સે કાનમાં વાળી પહેરી હતી. અને એક દાઢી વાળો શખ્સ કે જેણે પીળા કલર નો શર્ટ પહેર્યો હતો. આ અંગે પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે તુરંત નાકાબંધી કરી હતી. જે દરમ્યાન કુતિયાણા નજીક થી બન્ને શખ્સો ઝડપાઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસે હજુ સુધી વિધિવત કોઈ વિગત જાહેર કરી નથી.