પોરબંદર જીલ્લા માં દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા આજ થી બે દિવસીય પક્ષી ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે જેમાં ૫૦ બર્ડ વોચર ની ૧૭ ટીમો જીલ્લા ના ૧૭ મુખ્ય વેટલેન્ડ ખાતે આધુનિક ટેલીસ્કોપ વડે ગણતરી કરશે.
પોરબંદર જીલ્લા માં સતત ત્રીજા વર્ષે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા વન વિભાગ અને ખાનગી કંપની ના સહયોગ થી બે દિવસીય પક્ષી ગણતરી કરવામાં આવશે જેનો પ્રારંભ આજે તા ૩ થી થશે આ અંગે માહિતી આપતા મોકરસાગર કમિટીના ડો. ધવલભાઈ વારગીયાએ જણાવ્યું છે હતું કે બિરલા કોલોનીમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ગણતરી ના કાર્યક્રમનો પ્રારંભ થશે જેમાં પોરબંદર સહિત રાજ્યના જુદા જુદા શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર , ગોવા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ૫૦ જેટલા બર્ડ વોચર આ ગણતરી ની કામગીરી માં જોડાશે.
ગણતરી માટે ૧૭ ટીમ બનાવવામાં આવી છે જે વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં આધુનિક ટેલિસ્કોપ વડે પક્ષીની ગણતરી કરશે. મુખ્ય વેટલેન્ડ ગણાતા મોકરસાગરથી લઇ ને મેઢાક્રીક, અમીપુર,બરડાસાગર,કુછડી નો ખારો સહિતના જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે અને ગણતરી અંગે ની તમામ વિગતોની ઈ બર્ડ એપ્લીકેશન માં નોંધણી કરશે ઉલ્લખનીય છે કે પક્ષી નગર અને સુરખાબી નગરી તરીકે ઓળખાતા પોરબંદરમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય ગત વર્ષે જિલ્લામાં પાણી કાંઠાના 177થી વધુ પ્રજાતિ ના 3 લાખ થી વધુ પક્ષીઓ નોંધાયા હતા.
કઈ રીતે પક્ષીઓની ગણતરી થાય છે?
માણસોની વસ્તી ગણતરી તો ઘરે-ઘરે જઈને કરવામાં આવતી હોય છે પરંતુ ખુલ્લા આકાશમાં વિહરતા અને નદીઓ તળાવોમાં કલરવ કરતા પક્ષીઓનો આંકડો મેળવવો એ ખૂબ જ મહેનત માગતું કાર્ય છે .ત્યારે જો વેટલેન્ડમાં પક્ષી ઓછા હોય તો કાઉન્ટ કરીને ગણતરી કરવામાં આવે છે પરંતુ જો પક્ષીઓ હજ્જારોની સંખ્યામાં હોય તો વિઝ્યુલ રીતે ગણતરી કરવામાં આવે છે જેમાં 100 પક્ષીના જૂથનું વિઝ્યુલ રીતે ગણતરી કરી ફેલાયેલા પક્ષીના જૂથનો અંદાજો કાઢી ગણતરી થાય છે. જેમા દૂરબીન ની મદદ લેવામાં આવે છે.