પોરબંદરના કોલીખડા પાસે અકસ્માતમાં નુકશાન પામેલ બાઇક ચોરી જનારા બે શખ્સો ને પોલીસે ઝડપી લીધા છે.
બખરલા ગામે વણકરવાસમાં રહેતા અર્જુન જેઠાભાઈ મારૂ એ બે દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા.૧૯ ના તેનું બાઈક લઈને તેનો નાનો ભાઈ વિનોદ પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે સ્વજનના ખબરઅંતર પૂછી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે કોલીખડા રોડ પર બોલેરોના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતા વિનોદનું સ્થળ ઉપર મોત થયુ હતુ. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ માટે અને આર.ટી.ઓ. પરિક્ષણ કરાવવાનું હોવાથી આ ડેમેજ થયેલુ બાઈક ચાલી શકે તેમ ન હોવાના કારણે ઘટનાસ્થળ પર રાખ્યું હતુ ત્યારબાદ અર્જુને તપાસ કરતા બાઇક નજરે ચડયુ ન હતુ.
આથી કોઇ અજાણ્યો ચોર ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક ચોરીને લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા બાતમી મળી હતી કે કોલીખડા રોયલ હોટલની સામે બેઠા પુલની બાજુમાં કાચા રસ્તા પર બાવળની કાંટમાં બે શખ્સો મોટરસાયકલના સ્પેરપાર્ટસ ખોલે છે. જેથી પોલીસ તુરંત દોડી ગઈ હતી અને પુલ નીચે જોતા બે શખ્સો પુલના નીચે ખાડાના ભાગે આવેલા બાવળની કાંટની આડમાં મોટરસાયકલ ખોલતા મળી આવતા બન્ને આરોપીઓ ખીમા ઉર્ફે કારૂ લાલજીભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૨ ) અને મનોજ ઉર્ફે મનીષ લાલજીભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૦ રહે. બન્ને કોલીખડા, રામદેનગર)
ને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.