આદિત્યાણા માં બે વર્ષ પૂર્વે ના મારામારી ના બનાવ માં કોર્ટે મહિલા સહીત ૨ આરોપીઓ ને એક વર્ષ ની સજા ફટકારી છે.
રાણાવાવ ના આદિત્યાણા ગામે રહેતા વિજય મગનભાઈ સાદીયા,દિપક મગનભાઈ સાદીયા, રૂપીબેન મગનભાઈ સાદીયા, હેતલબેન મગનભાઈ સાદીયા તથા વનીતાબેન નાનજીભાઈ બાટા વગેરે ગત તા.૧૫/૮/૨૦૨૨ નાં બપોર ના સમયે ચામુંડા માતાજીના મંદિર પાસે જાહેર રોડ પર ભરતભાઈ સોમાભાઈ કટારીયાના ઘર સામે બેસી ગાળો બોલતા હતા. જેથી ભરતભાઈ ના ભાણેજ કમલેશે ગાળો બોલવાની ના પાડતા આરોપી વિજય અને દીપકે ઉશ્કેરાઈ જઈ કમલેશને ઢીકા પાટુનો માર માર્યો હોવાની તથા રૂપીબેન,હેતલબેન અને વનીતાબેને પ્લાસ્ટીકના પાઈપ વડે ભરતભાઈ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
અને ફરિયાદ માં એવું પણ જણાવ્યું હતું કે હુમલા દરમ્યાન ભરતભાઈ ના પત્ની વિજયાબેન વચ્ચે પડતા દીપકે તેઓને ધકકો મારી પછાડી દઈ તમામ આરોપીઓ એ ઝપાઝપી કરી હતી અને ગાળો કાઢી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર ફરિયાદ નોંધાયા બાદ આ કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા તેમાં ઈજા પામનાર તથા નજરે જોનાર સાહેદો ના નિવેદનોના આધારે તથા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુર જયેશ એલ.ઓડેદરાની દલીલનાં આધારે કોર્ટે દિપક મગનભાઈ સાદીયા, રૂપીબેન મગનભાઈ સાદીયાને એક વર્ષની સજા તથા રૂા.૫૦૦ નો દંડ કરવાનો હુકમ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ દ્વારા કરવામાં આવ્યો છે.