પાકિસ્તાન ની જેલ માંથી ગુજરાત ના ૨૧ અને યુપી ના ૧ મળી ૨૨ માછીમારો ની મુક્તિ થઇ છે બીજી તરફ પોરબંદર થી પણ પાકિસ્તાન ના ૧૨ માછીમારો ને મુક્ત કરવામાં આવશે.
પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અપહરણ કરાયેલા માછીમારો માંથી પાકિસ્તાન સરકાર દ્વારા ૨૦મી ફેબ્રુઆરી એ ગુજરાત ના ૨૨ માચ્છીમારોને મુકત કરવામાં આવ્યા છે. કરાંચીની માલીર લાંધી જીલ્લા જેલ ખાતે થી મુક્ત કરાયેલા આ ૨૨ માછીમારો ને વાઘાબોર્ડર ખાતે ભારત સરકારને સોંપવામાં આવ્યા છે જેનો ફિશરીઝ વિભાગે કબજો લીધો છે અને તેના વતન પહોંચાડવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બીજી તરફ થોડા વર્ષો પહેલા ભારતીય જળસીમામાં આવી પહોંચેલા પાકિસ્તાનના ૧૨ માચ્છીમારો પોરબંદરની જેલમાં હતા જેની જળસીમા ભંગ બદલ કરવામાં આવેલ સજા પૂર્ણ થતા પોલીસ હેડકવાર્ટર ખાતે તેને નજરકેદ રાખવામાં આવ્યા હતા.આ માછીમારો ને પણ પાકિસ્તાન સરકાર ને સોપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે પૂર્ણ થઇ છે આથી આગામી ૨૬ ફેબ્રુઆરી એ પોરબંદર ખાતેથી ૧૨ માછીમારો ને મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ વાઘાબોર્ડર ખાતે તેનો કબજો પાકિસ્તાન સરકારને સોંપવામાં આવશે.
પાકિસ્તાન ની જેલમાંથી મુક્તિ થતા ખુશી ના આંસુ
પાકિસ્તાન દ્વારા ગુજરાતના માછીમારો ને ત્યાની જેલ માં કેદ કરવામાં આવે છે પરંતુ તેઓની પુરતી સારસંભાળ પણ લેવામાં આવતી ન હોવાનું અગાઉ મુક્ત થયેલ અનેક માછીમારો એ જણાવ્યું છે અને બીમાર થાય તો પણ પુરતી સારવાર કરવામાં આવતી નથી નાના ઓરડા માં તમામ ખલાસીઓ ને કેદ કરવામાં આવે છે અને પુરતું ખાવા નુ પણ આપવામાં આવતું ન હોવાનું મુક્ત થયેલ ખલાસીઓ જણાવતા હોય છે જેથી પાક જેલ માંથી મુક્ત થયે તેઓને ખુશી ના આંસુ આવતા હોય છે.
ભારત ની જેલ માંથી મુક્ત થતી વખતે ગમ ના આંસુ
પોરબંદરની ખાસ જેલ સહીત ગુજરાત ની અનેક જેલ માં પાકિસ્તાન ના માછીમારો પણ કેદ છે અહી તેઓને સારામાં સારી સુવિધાઓ આપવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં નાસ્તો ભોજન પણ આપવામાં આવે છે અને બીમાર પડે એટલે તુરંત સારવાર પણ કરાવવામાં આવે છે અને તેઓને રાખવામાં આવે છે તે બેરેક પણ વ્યવસ્થિત હોય છે આથી અહીંની જેલ માંથી મુક્ત થયા બાદ જતી વખતે પાક માછીમારો ની આંખ માં ગમ ના આંસુ જોવા મળે છે બે દેશ વચ્ચે આટલો તફાવત છે.
પાક દ્વારા મુક્ત કરાયેલા માચ્છીમારોના નામ
પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલા માછીમારો માં ૩ મુસ્લિમ અને ૧૯ હિંદુ ખલાસી છે જેમાં ભુપત બાબુ, માલા રામ, કરશન વરજાંગ, ખલીફ અબ્દુલ રહેમાન, મોહન બાઓજી, આસિફ જુનસ, અકબર જુમ્મા, લક્ષ્મણ અર્જુન, મૌજી નાથુ, દીપક બાબુ, રામજી રાજા, હરી હીરા, ટપુ ઘૌઉંસા, સુરેશ ઉકેરડા, અશોક કાનજી, વિજય થાના, મનોજકુમાર ગોવિંદ, વીનુ ધનજી, મહેશ રામા, સુભાષ હરિ, સંજય જુટો, સૈલેન્દ્ર રામલાલ નો સમાવેશ થાય છે. આ માછીમારોમાં ગીર સોમનાથ ના ૧૫,દેવભૂમિ દ્વારકા ના ૩ દીવ ના ૩ યુપી ના ૧ માછીમારોનો સમાવેશ થાય છે.
મુકત થયેલ માછીમારો માં મોટા ભાગ ના બીમાર
પાકિસ્તાન દ્વારા મુકત કરવામાં આવેલા મોટાભાગના માચ્છીમારો ને વિવિધ બીમારી છે જેમાં અપંગતા, મુત્રાશયની બીમારી , હાઇ બ્લડપ્રેશર, ટી.બી., હાર્ટ પ્રોબ્લેમ, ફ્રેકચર, બહેરા-મુંગા, એનીમીયા, રાત્રિ અંધત્વ અને દ્રષ્ટિ સમસ્યા, ફેફસા સહિતની બીમારી હોવાનું પણ પાક જેલ માંથી જાહેર કરાયેલ પત્ર માં જણાવાયું છે.
હજુ પણ ૧૯૫ માછીમારો અને ૧૨૦૦ થી વધુ બોટો પાક કબ્જા માં
૨૨ માછીમારો ની મુક્તિ બાદ હજુ પણ ૧૯૫ ભારતીય માછીમારો પાક ની વિવિધ જેલ માં કેદ છે ઉપરાંત માછીમારો ની રોજીરોટી સમાન અબજો રૂપિયાની ૧૨૦૦ થી વધુ બોટો પણ પાક ના વિવિધ બંદરો એ સડી રહી છે કેટલીક બોટો નો તો નાશ પણ થઇ ગયો છે ત્યારે વહેલીતકે બાકી રહેતા માછીમારો અને તમામ ફિશિંગ બોટો ને પણ મુક્ત કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
ગત ૫ જાન્યુઆરી એ જ કેદી ની યાદી ની બન્ને દેશો વચ્ચે થઇ હતી આપલે
ગત 5 જાન્યુઆરીના રોજ, ભારત અને પાકિસ્તાન બંનેએ એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાનપ્રદાન કર્યું હતું. ઇસ્લામાબાદ અને નવી દિલ્હીમાં એકસાથે આયોજિત આ વિનિમય, દ્વિપક્ષીય કોન્સ્યુલર એક્સેસ કરાર 2008નો એક ભાગ છે, જે હેઠળ બંને રાષ્ટ્રો દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આવી યાદીઓનું વિનિમય કરે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનને 266 ભારતીય કેદીઓ (49 નાગરિક કેદીઓ અને 217 માછીમારો) ની યાદી સોંપી હતી. તેવી જ રીતે, ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનને 462 પાકિસ્તાની કેદીઓ (381 નાગરિક કેદીઓ અને 81 માછીમારો) ની યાદી આપી હતી.
૨૦૧૪ થી ૨૬૩૯ માછીમારો મુક્ત
વિદેશ મંત્રાલય માંથી મળતી માહિતી અનુસાર ૨૦૧૪ થી ૨૬૩૯ ભારતીય માછીમારો અને ૭૧ ભારતીય નાગરિક કેદીઓને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે