પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ઐતિહાસિક સ્મારકોના વિકાસ માટે ૪૦ કરોડ રૂપિયા મંજૂર થયા છે.જેના વડે ઘુમલી અને આસપાસ ના પ્રવાસન સ્થળો નો વિકાસ કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં બરડા ડુંગરની આસપાસ આવેલ પ્રાચીન સ્થળોના વિકાસ માટે બરડા ટુરીસ્ટ સર્કીટ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં પોરબંદર જિલ્લાની જામવંતની ગુફા, જામનગર જિલ્લામાંથી ફુલનાથ મહાદેવ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ધુમલી ખાતે આશાપુરા મંદિર, નવલખા સુર્યમંદિર, સોના કંસારી ડેરા અને મોડપરના કિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ બરડા ટુરીસ્ટ સર્કીટની કામગીરી અંગે આજે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં માન. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે બરડા ટુરીસ્ટ સર્કીટમાં આવતા પોરબંદર જિલ્લાની જામવંતની ગુફા, જામનગર જિલ્લામાંથી ફુલનાથ મહાદેવ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ધુમલી ખાતે આશાપુરા મંદિર, નવલખા સુર્યમંદિર, સોનકંસારી ડેરા અને મોડપરના કિલ્લાના વિકાસ માટે આર્કિટેક કમ પી.એમ.સી. ની નિમણૂંક કરી દેવામાં આવેલ છે. તેમજ ટેન્ડર બનાવવાની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.
માન. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ વધુમાં જણાવ્યું હતું કે બરડા ટુરીસ્ટ સર્કીટ અંતર્ગત પોરબંદર જિલ્લામાં આવેલ જામવંતી ગુફા ખાતે એન્ટ્રી ગેટ, જામવંતી પ્રદર્શન, પાર્કિંગ, ચિલ્ડ્રન પ્લે એરીયા, ગાર્ડનિંગ વગેરે તૈયાર કરવામાં આવશે, જ્યારે જામનગર જિલ્લાના ફુલનાથ મહાદેવ મંદિર ખાતે ભોજન શાળા, સત્સંગ શેડ, કુંડ રી-ડેવલોપમેન્ટ, ચિલ્ડ્રન પ્લે એરીયા, એન્ટ્રી ગેટ વગેરે બનાવવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા નવલખા મંદિર ધુમલી ખાતે એન્ટ્રી ગેટ, સિક્યુરીટી કેબિન, કેમ્પસ ડેવલપમેન્ટ, ટીકીટ કાઉન્ટર, ટોઈલેટ બ્લોક, બાઉન્ડ્રી વોલ, પાર્કિંગ, ઈલેક્ટ્રીકની કામગીરી સહિતના વિકાસના કાર્યો કરવામાં આવશે. આ ઉપરાંત આશાપુરા મંદિરથી સોનકંસારી ડેરા સુધીના પાથવે ઉપર સાઈનેજિસ, સેલ્ફી પોઈન્ટ, ઈલેક્ટ્રીકની કામગીરી સહિતના વિકાસ કામ કરવામાં આવશે. સાથે જ મોડપરના કિલ્લા ઉપર એક્ઝીબીશન હોલ, સીટિંગ એરિયા, ગાર્ડનિંગ, રોડ નેટવર્ક, પાથ વે, ઈલેક્ટ્રીકની કામગીરી અને ટોઈલેટ બ્લોક સહિતના વિકાસ કાર્યો કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે બરડા ટુરીસ્ટ સર્કિટ અંતર્ગત બરડા ડુંગર આસપાસના પ્રાચીન સ્થળોનો રૂપિયા ૪૦ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા કિલ્લેશ્વર મહાદેવ મંદિર નેચરલ કેમ્પ તરીકે વિકસાવી બાળકો અને વિદ્યાર્થીઓ ત્યાં વન્ય સુષ્ટીનો અભ્યાસ કરી શકે તે માટે બે કરોડ રૂપિયાના ખર્ચે કેમ્પસ ડેપલપ કરવામાં આવી રહ્યું છે. સાથે જ મોડપરની બાજુમાં બરડા સફારીનું આયોજન કરવામાં આવેલ છે. જ્યાં અંદાજે ૪૦૦ એકર જમીનમાં પ્રવાસીઓ નજીકથી વન્યપ્રાણીઓને નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ રીતે ગીર બાદ એશિયાટિક સિંહનું સૌથી મોટુ ડેસ્ટીનેશન અને પ્રવાસન ડેસ્ટીનેશન તરીકે આ વિસ્તારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
બરડા ટુરીસ્ટ સર્કીટ ઉપરાંત પોરબંદર જિલ્લામાં જે અન્ય પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેની માહિતી આપતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે પોરબંદર નજીક આવેલ કર્લી મોકર સાગર જળાશયને વિશ્વ કક્ષાનું પક્ષી અભ્યારણ બનાવવા માટે ત્યાં ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. આ ઉપરાંત પોરબંદરમાં અસ્માવતિ રીવરફ્રન્ટનું કામ રૂપિયા ૪૦.૩૮ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાથી ત્યાં ગાંધી કોરીડોરના વિકાસ માટે વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં રૂપિયા ૨.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ પોરબંદર જિલ્લાના વીસાવાડા અને મીયાણી ખાતે વિશ્વકક્ષાના આઈકોનીક બીચ બનાવવા માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.



