Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

આજે શ્રાવણી પુનમ:ગાંધી,સુદામા,સુરખાબી નગરી પોરબંદર નો આજે ૧૦૩૩ મો સ્થાપના દિવસ:જાણો શહેર ના ઈતિહાસ ની જાણી -અજાણી રોચક અને રસપ્રદ વિગતો

આજે શ્રાવણી પુનમ પોરબંદર નો 1033 સ્થાપના દિવસ ”
પોરબંદરઃ પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે.પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના દિવસે હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે.
‘ પૌરવેલાકુલ’ એવા સંસ્કૃત નામથી ‘પોરબંદર ‘ નો ઉલ્લેખ ઈ.સ.989 ના એક તામ્રપત્ર મળે છે, જ્યારે મધ્યકાલીન આવેલા કૃષ્ણભક્તિના જુવાળના અનુષંગે આ નગરને ‘સુદામાપુરી’ એવું નામ પ્રાપ્ત થયેલું છે. હાલ જ્ઞાત ‘સુદામાપુરી ‘ નો પ્રથમ ઉલ્લેખ 1250થી મળે છે.મહારાષ્ટ્રના નામદેવ અને ચક્રધરસ્વામી ‘સુદામા’ એવું નામ અને નામ અને ‘સુદામાપુરી’ એવું ગામનામ આપનાર પ્રથમ કવિઓ છે, જ્યારે શિલાલેખનો આધાર પણ 1250 પછી મળતો થાય છે.પોરબંદરના સરતાનજીના ગ્રીષ્મ ભવનમાં સંગ્રહાયેલો 1260 નો એક લેખ ‘સુદામાપુરી ‘ ઉલ્લેખ આપે છે. પંદરમી સદીના જિનતિલકસૂરિકૃત ‘ચૈત્ય પરિપાટી ‘ માં જૂનાગઢ માંગરોળ વગેરે ગામોનાં જૈનમંદિરોની વંદનામાં ‘ પુરી પાસ ‘ અર્થાત્ ‘પુરીમાં પાર્શ્વનાથ ‘ એમ ‘પુરી’ નામ પકડી શકાય છે.

આદ્યકવિ નરસિંહ મહેતા ‘સુદામાચરિત’ આપે છે. અને સોળમી સદીની મીરાંબાઈ ના નામે મળતી ‘નરસી રો માયરો ‘ નામની કૃતિમાં ‘રમ્ય નગર એક પુરી સુદામા ‘ એવો ઉલ્લેખ છે. સોળમી સદીના અંત ભાગથી સમગ્ર ગુજરાત ઉપર મુગલ અકબરનું શાસન આવતાં ફારસી શબ્દ ‘પુરી’ સાથે જોડાય ગયાનો પુરાવો અહીંના શાંતિનાથ જિનાલય ઈ.સ. 1635 ના શિલાલેખમાં ‘પુરીબંદિર’ એવા પ્રયોગથી મળે છે આ પછી સત્તરમી સદીથી ‘પોરબંદર’ ‘પોરબંદર’એવું આજનું નામ પ્રચારમાં આવી ગયું છે .અને ઈ.સ. 1785 અઢારમી સદીથી પોરબંદર જેઠવા વંશની રાજધાની બને છે.પોરબંદર મા જેઠવાના 7 રાજા ઓએ રાજ કર્યું.

પોરબંદરમાં રાણા સુલતાનજી(બીજા) એ છાંયા માથી રાજધાની ફેરવી પોરબંદર માં સ્થાપી રાણા સુલતાનજી રાજગાદી ઉપર હતા. જેમાંથી આરંભના 28 વર્ષ છાયા નરેશ તરીકે અને પછીના 28 વર્ષ પોરબંદર નરેશ તરીકે એમ કુલ 56 વર્ષ રાજશાસન સંભાળ્યં છે. પાંચ હાથ પુરા, સશક્ત, ઘઉંવર્ણા અને એકલે હાથે યુદ્ધ લડી શકે તેવા શૂરવીર હતા. મુગલ સત્તાનો નબળી પડતી જોઇ રાણા સુલતાનજીએ પોતાની રાજધાની છાંયામાંથી ફેરવી પોરબંદરમાં સ્થાપી.અને પોરબંદર જેઠવાવંશની રાજધાનીનું શહેર બન્યું. ત્યાર પછીસંખ્યાબંધ વેપારીઓની ગણના હવે લાખોપતિમાં થવા લાગી હતી. પૈસો વધતા જ ધર્મસ્થાનો અને દાનપુણ્ય વધ્યા છે. ભૂખ્યાને રોટલો ખવડાવવાનું પુણ્ય સૌથી મોટું મનાય છે. આ સમયે કુલ ચોવીસ અન્નક્ષેત્રો પોરબંદરમાં ચાલતા હતા. જેમાં રાત્રિભોજનમાં ખીચડીક્ષેત્રો, માંદા માણસો માટેના રાબક્ષેત્રો અને દ્ધારકા-સોમનાથની યાત્રાએ નીકળેલા યાત્રીઓ માટેના ગોળ-દાળિયાના દુનાક્ષેત્રો અલગ હતાં ! યાત્રીઓ પોરાવન તટેથી સામે કાંઠે ઊતરે ત્યારે દરેકને એક એક દુનો (ખાખરાના પાનનો પડિયો) આપવામાં આવતો, જેમાં રસ્તામાં ખાવા માટેના ગોળ અને દાળીયા ભરેલા હોય ! પોરબંદરની ખ્યાતિ ત્યારે લક્ષ્મીધામ કરતા ધર્મધામ તરીખે હતી. રાજદરબારી પુરૂષો અને શીપાહીઓ ઘોડા ઉપર ફરતા, જ્યારે ભાટિયા અને જૈન વેપારીઓ ઘોડાગાડીઓમાં આવજા કરતા હતા. રાણા સુલતાનજી પછી રાણા હાલોજી. રાણા ખીમાજી. રાણા વીકમાતજી. યુવરાજ માધવસિંહજી. રાણા ભાવસિંહજી અને છેલ્લા લોકપ્રીય રાજા મહારાણા નટવરસિંહજી તથા પોરબંદરના યુવરાજ શ્રી ઉદયભાણસિંહજી થયાં અને 1947 સુધી પોરબંદર જેઠવાઓની રાજધાની રહી.

પોરબંદરની પ્રજામાં બ્રાહ્મણો, સાધુ, ભાટિયા, વાણિયા, લોહાણા, નાગર, ક્ષત્રિય, મહેર, કોળી, રબારી, ખારવા, કારીગરો, તેમજ વસવાયાંનો, થોડો જાજો વસવાટ થતો રહ્યો. વિદેશી સોદાગરો પણ આવતા પોરબંદર નાનું બંદરી ગામ હતું જે સુદામાપુરી, પુરીબંદર, પુરબંદર કહેવાતું. વિદેશ સાથે વેપાર સારો હતો.સોદાગર અને ભાટીયા વેપારીઓનું ધામ લેખાતું આ સમયે ભોઇવાડ, ખારવાવાડ, કામનાથ પાસેનો ભાગ અને ભાટીયા બજાર વસેલાં હતાં. બંદર ઉપર વેરાવળી માતાજીનું સ્થાન હતું અન્ય દેવમંદિરોમાં પદ્મણી માતાજી કામનાથ મહાદેવ, હરસદ, સૂર્ય મંદિર, અને કુંડ, જૈન ઉપાશ્રય અને ગામની ઇશાને દૂર લંકેશ્વર તથા દુદેશ્વરનાં દહેરાં હતાં. ગામની ઇશાને આજે હોળી ચકલો છે.ત્યાં ગામ બહાર હોળી થતી.ગામથી પૂર્વ માં કેદારકુંડ, કેદારજી, પંચમુખા મહાદેવ, ગણેશ – અંબાની દહેરીઓ, હિંગળાજ માતાજી અને કેદારજી પાસે ગોસાંઇઓના મઠો હતા.હોળી ચકલે ગોપાળજી મંદિર અને ગામની પૂર્વે શાંતિનાથ દહેરાસર વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે મહાન શિખરબંધ મંદિરો આ સમયે અસ્તિત્વમાં આવ્યાં.

આ સમયે જ સુદામા દહેરી પાસે રામદેવજીની દહેરી પણ જેઠવા રાજાના શૂરાપૂરા તરીકે મૂકાઇ હોય એમ લાગે છે. આ દહેરીમાં બે પાળિયા છે.જમણી બાજુનો રાજવંશી પાળિયો છે. જે સં.1630 નો છે. અને તે જામનગરમાં ધાતથી મરાયેલ રાણા રામદેવજીનો હોય એમ લાગે છે. બીજો પાળિયો સં.1707 નો મોઢ બ્રાહ્મણનો છે. આ સ્થિતિ શહેરનો વિશાળ ગઢ બાંધ્યા પહેલાંની હતી.
રાણપુરના પતન પછી જેઠવા રાજા ભાણજી યુવરાજ ખીમાજી અને રાણી કલાંબા સાથે પોરબંદરની આજુબાજુની ઝાડીમાં છૂપાતા ફરતા. આજે જ્યાં કમલા બાગ છે. તેની આસપાસ ત્રણ વડલા – ત્રવડાનું ગીચ જંગલ આવેલું હતું જેની નીચે રાણા ભાણે ઘણો સમય પસાર કરેલ.ત્યાંથી ઓડદર વગેરેની ભાગદોડ માં દમના દર્દી રાણા ભાણજીનો દેહાંત થયો. તે પછી વિધવા રાણી કલાંબાઇએ, યુવરાજ ખીમાજીને બાજુમાં રાખી છાંયામાં કીલ્લો બંધાવ્યો અને જેઠવા ભાયાત તથા મેર, રબારીની મદદથી, બોખીરાના, સીમાડામાં આવી પડેલ જામના દાણીને -જે પોરબંદરની બંધ, બંદરનો જકાત પણ ઉઘરાવતો થયો હતો – તેમને હરાવી વરતુ નદી વટાડી, પોતાની સત્તા સાબુત કરી.

પોરબંદરના કિલ્લોને પાંચ દરવાજા હતા. મુખ્ય ‘ છાયાનો દરવાજો ‘ પૂર્વ માં હતો, જે હાલની તળપદ કન્યાશાળા પાસે હતો, તેનું દ્રાર ઉત્તરાભિમુખ હતું. બીજો દરવાજો ‘ બોખીરાનો દરવાજો ‘ ગઢની ઉત્તરની રાંગમાં પૂર્વ તરફના ભાગમાં હતો. આ ઉત્તર દિશાનો દરવાજો પશ્ચિમાભિમુખ હતો. ત્રીજો દરવાજો ‘ વીરડીનો દરવાજો ‘ કહેવાતો તે ઉત્તર તરફ રાંગના પશ્ચિમ ભાગે ઉત્તરાભિમુખ હતો અને તે આજના શીંગડાના મઠ પાસે હતો. ચોથો દરવાજો ‘ બંદરનો દરવાજો ‘ કોટની આથમણી રાંગમાં અત્યારના કસ્ટમ હાઉસ પાસે હતો અને પાંચમો નાનો દરવાજો દક્ષિણ બાજુએ હતો જે ‘ મસાણ ખડકી ‘કહેવાતો.

ગઢની રાંગ વિશાળ, ઊંચી અને પહોળી હતી. એના પર શહેરીઓ જન્માષ્ટમી જેવાં પર્વે કોટ ફરવા નીકળતાં. નગરપ્રદક્ષિણાની આ શરૂઆત લંકેશ્વરના મંદિરથી વીરડી દરવાજેથી શરૂ કરી, સુદામાજી થઇ, છાંયા દરવાજાથી મસાણ ખડકી થઇ બંદરે સમુદ્ર સ્નાન કરી ગઢની બહાર સંગમ પર સોમનાથનાં દર્શન કરી પૂરી થતી. ગઢની બહાર હાથલા થોરનીગીચ જાડી હતી અથવા ખાઈઓ હતી.જેમાં ખાડીના પાણી આવતાં.ખાડીના બન્ને કાંઠે વીરડીઓ હતી જેમાં પશુઓ ચરતાં. પોરબંદર બોખીરા વચ્ચે ખાડી વિસ્તારમાં ચેર – તવરના ઝાડોની ઘડ ઝાડી હતી જેમાં ઊંટ ચરતાં હોય તો ભાગ્યે જ દેખાતાં. વચ્ચે ખાડીમાં પોરાવના તટે આવતાં જતાં વહાણોના કુવા સઢ દેખાતાં ખાડી ઉતરવાનાં બે તળ હતાં એક બોખીરાનું તળ અને બીજું પોરાવનું તળ. બરડાનો વહેવાર બોખીરાને તળે અને ઉગમણો તથા દક્ષિણનો વહેવાર પોરાવના તળે ચાલતો. આ તળના ભાઠાં આજે ઉગમણો તથા દક્ષિણનો વહેવાર પોરાવના તળે ચાલતો.

પોરબંદરના કિલ્લાને ઘણા મોટા સારા કોઠાઓ હતાં. કોઠા ઉપર તોપખાનું અને બંદૂકધારીઓના થાણાં રહેતાં. સૈનિકોમાં આરબો, સંધીઓ, સુમરા, પુરબિયા, રાજપુતો અને મહેર હતા.વાયવ્યે -આજના સિમેન્ટ ફેક્ટરી પાસેના ભાગમાં જંજાળિયો કોઠો અને બંદર પર કંદિલિયો કોઠો સૌથી મોટા કોઠા કહેવાતાં. પોરબંદરના બંદર પર મુઘલ સત્તા સર્વોપરી હતી પણ સમયે આ સત્તામાં વધારા ઘટાડા થયા. જૂનાગઢનો નવાબ સુબો ગમે તેમ જકાત લઇ શકતો. છેવટે રાણા સુલતાનજીએ પોતાની સમર્થ સતા પોરબંદર પ્રદેશ અને બંદર પર સ્થાપી દીધી. રાણા વિકમાતજી સુધી રાજ્યનાક ‘ બાર સિંગાર ,’ ‘ કલ્યાણપાશા, ‘ ‘ મહાદેવપાશા, ‘ ‘ દોલતપાશા, ‘ એ રાજ્યનાં ચાર વહાણ હતાં.

રાણા સુલતાનજી યુદ્ધવિઘા પ્રવીણ, રાજનીતિજ્ઞ અને ધાર્મિક વૃત્તિના પુરૂષ હતાં. તેમજ વિધાવિલાસી કવિ પણ હતા.’ કાવ્ય પ્રકાશ ‘ નામનો એક સુંદર ગ્રંથ તેમણે વ્રજભાષામાં રચ્યો હતો. સુલતાનજી પછી તેમના કુમાર હાલાજી અને હાલાજીનાં મૃત્યુ બાદ તેમના કુમાર ખીમાજી પોરબંદરની ગાદીએ આવ્યા.આ રાણા ખીમાજીના રાણી રૂપાળીબાએ પોરબંદરના વિકાસમાં ઠીક ભાગ ભજવ્યો છે.પિયર પક્ષેથી વૈષ્ણવધર્મ ના સંસ્કાર લઇને આવેલા રૂપાળીબાએ માધવપુરમાંનું હાલનું મંદિર અને હાલ જ્યાં મહિલા બાગ છે ત્યાં રૂપાળીબા તળાવ બંધાવ્યું. આ તળાવ પોરબંદરનું સૌંદર્યધામ ગણાતું લંકેશ્વર નજીક શ્રીનાથજી મંદિર બંધાવ્યું. રાજમાતાનો સ્વર્ગવાસ થતાં અઢારવર્ષના વિકમાતજી ઉપર પોરબંદરનો કારભાર આવ્યો. બ્રિટિશ યુગમાં જીવતા રાણા વિકમાતજી એક પવિત્ર રાજવી પુરુષ હતા.
રાણી કલાંબાઇથી માંડીને રાણા વિકમાતજી સુધીના રાજવીઓ વૈષ્ણવ ધર્મ પાળતા. અત્યાર સુધી ‘ શ્રીનાથજી સેવક ‘ કહેવાતા રાણા, વીકમાતજીથી ‘ બીલનાથ સેવક ‘ બન્યા. શીવધર્મ સ્વીકારી રાણા વિકમાતજી કાશી – યાત્રાએ ગયા. ગંગાકાઠે કાશીમાં અન્નક્ષેત્ર ખોલ્યું અને વિક્રમેશ્વર મહાદેવની સ્થાપના કરી.વળતાં નર્મદાથી શિવલીંગ લાવી પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવની સ્થાપના કરી.
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતથી કંપની અને પોરબંદરના રાણા વચ્ચે કરાર થયા રાણા વિકમાતજીના સમયમાં પાછળના 14 વર્ષ રાજવહીવટકર્તા પણ અંગ્રેજ થયા પ્રથમ એડમિનિસ્ટર લેલી આવ્યા. અને ઇ.સ. 1888 માં પોરબંદરનો કિલ્લો પડાવી નાખ્યો. હજુ પણ ખારવા અને મહેર કોમની વૃધ્ધ બહેનો પાસેથી ગીત સાંભળળવા મળે છે. ” રાણા નો ગઢડો લેલીડે લીધો, પાડીને પટડો કીધો – રાણાનો ગઢડો.”

રાણા વિકમાતજી ઉર્ફે ભોજરાજજી ભક્ત રાજવી હતાં. ગુન્હેગારને માફી ઓછી આપતા.રાજ્યનાં નારાજ થયેલા તત્ત્વો અને બ્રિટિશસત્તાની દેશી રાજ્યો તરફથી નીતિને કારણે, વિકમાતજીને અંગ્રેજી એડમિનિસ્ટ્રેશન સ્વિકારવુ પડ્યું. રાણા વતી અંગ્રેજોએ પોરબંદર પર વહીવટ શરૂ કર્યો. રાજમાતા રૂપાળીબા અને વિકમાતજીના સમયમાં પોરબંદરનું દિવાનપદું ગાંધી કુટુંબનાં હાથમાં હતું. પોરબંદરમાં ગાંધી કુટુંબનાંછેલ્લા કારભારી કરમચંદ ગાધી થયા.(ગાંધીજી ના પિતાશ્રી ) તેમને ઘણા હકો આપેલા હતાં. રાજમાતા કલાંબાઇ, રાણા સુલતાનજી, રાજમાતા રૂપાળીબા, રાણા ભાવસિંહજી અને છેવટે રાણા નટવરસિંહજી સુધીના પોરબંદરના જેઠવારાણાઓએ કવિ ચારણોને સારી રીતે રાખ્યા હતા.ચારણના ચૌદ કુળોને બરડા ધેડમાં ગામ ગરાસ આપી વસાવ્યા. છાંયા વસાવ્યાં પહેલા જેઠવા રાણા રામદેવજીનો જામનગર – મોસાળના દરબારગઢમાં ધાત થયો ત્યારે 18 ચારણોએ જામ સામે ત્રાગું કરી જીવ આપ્યો હતો.

વીસમી સદીની શરૂઆત થઈ. ઇ.સ.1900 જ્યુબિલિ હોલમાં રાણા ભાવસિંહજીનો રાજ્યાભિષેક થયો. રાણા ભાવસિંહજી 5 રાણીઓ હતી. તેમના રાજ્યકાળ દરમીયાન ઘણા બાધકામો અને મંદિરોના નીર્માણ કરાવ્યા. એક સુંદરબા લખતરવાળાની યાદમાં થાન – તરણેતરમાં ત્રીનેત્રેશ્વર મહાદેવ ના મંદિરનો જીણોદ્ધાર કરાવીયો. બીજા રાણી વક્રતુબાની યાદમાં વક્રતુબા ચેરીટેબલ હાઇસ્કૂલ તેમના પિયર મોરબીમાં હયાત છે.ભાવસિંહજીના સમયમાં રાજમહેલ .ભોજેશ્વર બંગલો. સુદામા મંદિર. અસ્માવતી ઘાટ. અનાથાશ્રમ તેમજ ગામ બહાર વંડીઓ થઇ. ભોજેશ્વર પ્લોટ, સેક્રેટેરિયટ, તરવડા જેલ, ઝવેરી બંગલો, એશિયાભરમાં પ્રથમ સિમેન્ટનું કારખાનું, વાધેશ્વરી મંદિર, ભાવસિંહજી હોસ્પીટલ, અને હાઇસ્કૂલ તથા ભાવનાથ મંદિર અને આસપાસના પ્લોટ થયા. ભદ્રકાળી પ્લોટ વિકસ્યો. શહેરના મુખ્ય રસ્તાઓની બન્ને બાજુએ નાળિયેરી વવડાવી ગામને સુંદર બનાવ્યું બરડાની વનસ્પતિ વિશે શોધ કરી આધારભૂત પુસ્તક લખ્યું નાળિયેરીના આ વૃક્ષોથી તેમજ મંદિરો શિખરો, ધ્વજ ઘુમ્મટો ,વહાણના કૂવાસઢો અને મેડી અટારી, દીવાદાંડીથી શહેરની નભોરેખા અતિવ રમણીય બની. આધુનિક સુધારો આવવો શરૂ થયો, સર્વાંગી વિકાસ દેખાવા માંડ્યો.

તહેવારો અને રાજકુટુમના શુભ દિવસે શાળાઓમાં રજા રહેતી રાજકુંવરોના જન્મદિવસો બાળકો માટે મહાન ઉત્સવ ગણાતા. રાણા વિકમાતજી તો પોતાના જન્મદિને દરબારગઢમાં એકઠાં થયેલાં બાળકોને, ગોળપાપડીનો અર્ધા અર્ધા શેરનો ટુકડા આપતા.કુંવરના જન્મ દિવસે સુદામાજી નજીક સુલતાનબાગ પાસે સુદામા ચોકમાં ખાવાની વસ્તુનાં હાટ મંડાતા અને ફજેતફાળકા નંખાતા, ગામનાં સર્વે બાળકો ખાય પીએ અને આનંદ કરતા.આ બધાનો ખર્ચ રાજ વેઠતું.રાણા નટવરસિંહજીની સગીર અવસ્થામાં પણ રાજ્ય પર અંગ્રેજ અમલ રહ્યો. એડમિનિસ્ટ્રેટર તરીકે આવેલા અમલદારોમાં બે વ્યક્તિઓ ધ્યાન ખેંચે તેવી આવી હતી.પહેલા હડાળા દરબાર શ્રી વાજસુરવાળા અને બીજા મેજર એફ. ડી. બી. હેન્કોક. વાજસુરવાળા કવી કલાપીના મિત્ર અને કવિ મેઘાણીના ગુરુ જેવા હતા.તેમની રહેણીકરણી છાપ પોરબંદરના જીવન ઉપર ઊડી પડેલી હતી.

ઇ. સ 1920 પછી મહારાણા નટવરસિંહજીના સમયમાં સર્વસુખ સંપત્તિ તથા જ્ઞાન વિજ્ઞાનનો પ્રજાને લાભ મળ્યો. ભોજેશ્વર પ્લોટ, કડિયા પ્લોટ, વાડી પ્લોટ, રાવલિયા પ્લોટ, છાંયા પ્લોટ, જ્યુબિલિ પ્લોટ, દુદાસર પ્લોટ મીલપરા નવો કુંભારવાડો વગેરે વસ્યા. જિનિંગ અને પ્રેસિંગ, ઓઇલ ફેકટરીઓ નંખાઇ, દીવાસળીનું કારખાનું, કાચનું કારખાનું, મહારાણા મીલ્સ, સોલ્ટ વર્કસ નંખાયા.
સાતમ આઠમનો ક્રિકેટ મેદાન પરનો ચાર દિવસ નો મેળો ભરાવો શરૂ થયો.રાણાસાહેબની સવારીથી મેળામાં રંગ જામવા લાગ્યો. આજે તો સૌરાષ્ટ્રમાં ભરાતા સાતમ આઠમના મેળાઓમાં આ મેળો મોટો ગણાવા લાગ્યો છે. સ્વાતંત્ર્ય પહેલાં પોરબંદર મહારાણાએ પ્રજાકીય ધારાસભા પ્રજાને આપેલ હતી,તેમા બે લોકજ્ઞ પ્રધાનો હતા.પાછળથી હરિજન હિતવર્ધક સુંદર યોજના પણ તેમજ જ અમલમાં મૂકી હતી. 1947માં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ થતાં પોરબંદર રાજ્યે મહારાણા નટવરસિંહજી એ પોતાની પાસે ખાનગી કાંઇ નહિ રાખતાં પોતાના વંશની સદીઓ થી જે સર્વભોમ સતા સંપૂર્ણ રાજ્યનિધિ રાષ્ટને ચરણે ધરી દીધાનો ઉમદા દાખલો પૂરો પાડેલો છે.
સંદર્ભ: – શ્રી હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા
વીરદેવસિંહ જેઠવા

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે