પોરબંદર ના વિકાસ માં જેનો સિંહફાળો ગણી શકાય તેવા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખ સ્વ વસનજીભાઈ ઠકરાર ની આજે પુણ્યતિથિ છે ત્યારે પોરબંદર ટાઈમ્સ નો દુર્લભ તસ્વીરો સાથે નો વાંચો આ ખાસ અહેવાલ.
મહાત્મા ગાંધીની જન્મભૂમિથી ચૂંટાઈને ગાંધીનગર પહોંચેલા પોપટભાઈનો એક અલગ માભો વિધાનસભામાં જોવા મળતો હતો. આ સમયે પોરબંદરમાં ગેંગવોરની શરૂઆત થઈ નહોતી. પોરબંદરના રાણો ,પાણો અને ભાણોની ઓળખ વિશ્વભરમાં જોવા મળતી હતી. આ ઓળખ અનુરુપ વિકાસના કાર્યો કરવામાં પોપટભાઈ કક્કડ ખૂબ મહેનત કરી હતી.પોતાની પ્રથમ ટર્મમાં તેમણે લોક ઉપયોગી કાર્યો ખુબ કર્યા હતા. તેમની આ કાર્યપધ્ધતીને પગલે લોકોએ તેમને બીજી વખત 1967માં ફરી જીતાડી વિધાનસભા મોકલ્યા હતા. આ વખતે પોપટલાલે જે નેતાને હારનો સ્વાદ ચખાડ્યો તેમને આવનારા એક દાયકા સુધી પોરબંદર શહેર પર વર્ચસ્વ જમાવ્યુ હતુ.

રાજકારણમાં એકકો ગણાતા વસનજી
પોરબંદરના આ રાજનેતા વસનજી ખેરાજ ઠકરાર હતા. વસનજી 70થી 80ના દાયકા સુધી પોરબંદરના રાજકારણમાં હુકમનો એક્કો ગણાતા. 1970માં સમાજ ના અન્યાય સામે લડનારા બહાદુર લોકો ની મદદથી રાજકારણમાં કઈ રીતે દબદબો બનાવી શકાય તેવો વિચાર રાજનેતા વસનજી ખેરાજ ઠકરારને આવ્યો.
વસનજી નગરપાલિકાના રાજકારણમાં ખૂબ સફળ રહ્યા. તેઓ પોરબંદર નગરપાલિકામાં સમયાંતરે ચાર વખત પ્રમુખ પદ ભોગવવામાં સફળ રહ્યા. તેઓ પહેલી વખત 1 જુલાઈ 1970 થી 15 ડિસેમ્બર 1971 સુધી નગરપાલિકાના પ્રમુખ બન્યા. વસનજીએ શહેરીજનો માટે સિટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે આધુનીક સુખ સુવિધાના સાધનોનો અભાવ રહેતો તે સમયે શહેરીજનો શહેરમાં ઓછા ખર્ચે કોઈપણ સ્થળે જઈ શકે તે માટે સીટી બસ સેવાનો વિચાર તેઓને આવ્યો હતો. નગરપાલિકાના ખર્ચે જૂની એસટી બસ લાવી લોકોની સુવિધામાં વધારો કર્યો, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

વસનજીએ પાલિકા પ્રમુખ તરીકે અનેક વિકાસકામો કરેલા
લોકો પરિવાર સાથે ફરી શકે તે માટે તેમણે શહેરના પેરેડાઈઝ ચોકમાં તે સમયે આધુનીક ફુવારાનુ નિર્માણ કર્યુ. આ ફુવારાની યોગ્ય ડીઝાઈન બનાવી શકાય તે માટે કારીગરોને ખાસ ઉદયપુર મોકલવામાં આવ્યા હતા. વસનજી ઠકરાર ખૂબ જ સુખી પરિવારમાંથી આવતા હતા. તેઓ સારી રાજકીય સુઝબુઝ ધરાવતા નેતા હોય સમાજ ના અન્યાય સામે લડનારા બહાદુર લોકો પણ તેમને પૂછયા વગર કોઈ કામગીરી કરતા નહીં. શહેરની ગેંગોના તમામ સભ્યો વસનજીને ખૂબ આદર આપતા. વસનજી ઠકરાર 1 જુલાઈ 1972ના રોજ નગરપાલિકાના 8માં પ્રમુખ બન્યા બાદ શહેરના વિકાસનો ખરા અર્થમાં પાયો નાખ્યો. હિન્દુ-મુસ્લિમ વચ્ચે ચાલતા સ્મશાન અને કબ્રસ્તાનની દિવાલનો મુદ્દો શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલો. સ્મશાનને મોટુ કરવા કબ્રસ્તાનની દિવાલ તોડવી જરુરી હતી. આ મુદે કોઈ નમતુ જોખવા તૈયાર નહોતું ત્યારે આ વિવાદને કોઈપણ જાતની શરતો વગર તેમની વચ્ચે ઉકેલ લાવવામાં આવ્યો હતો. કોઠાસુઝ ધરાવતા વસનજી આ વિવાદમાં બંને ધર્મના આગેવાનો સાથે બેસી સુખદ ઉકેલ લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જેનાકારણે દરેક ધર્મમાં તેમનું માન સન્માન વધી ગયુ હતું.

વસનજી ખૂબ હોશિયાર રાજનેતા અને વેપારી હતા. મુખ્ય લોકોને તેઓ સાચવતા હતા. દરેક ધર્મના લોકોને તેઓ સાચવતા જેથી કરીને શહેરમાં તેમનો દબદબો જળવાઈ રહે. વસનજીએ પોતાના બે વર્ષના શાસન દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામો કર્યા હતા. તેમણે ભવિષ્યની પેઢી સુશિક્ષીત બને તે માટે નગરપાલિકા દ્રારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળા પણ શરુ કરી હતી. શહેરીજનો માટે અનેક સુવિધાઓ વસાવી વસનજી ઠકરાર સમય અને પરિસ્થિતિને અનુકુળ કામ કરતા રાજનેતા હતા. વિધાનસભામાં બે વખત હાર મળ્યા બાદ વસનજી જાણી ગયા હતા કે જો રાજકારણમાં લાંબો સમય સુધી ટકી રહેવું હોય તો લોકો જેનાથી ડરતા હોય તેવા સમાજ ના અન્યાય સામે લડનારા બહાદુર લોકોને પોતાની સાથે રાખવા જરુરી છે. તેમણે આ રાજમંત્ર નગરપાલિકાની રાજનીતિ માટે ખૂબ સારી રીતે અમલી બનાવ્યો.
1972 થી 1974 સુધીના બે વર્ષ સુધી વસનજી પોરબંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે રહ્યા અને આ રીતે પોતાનુ વર્ચસ્વ વધારી રાજનેતા તરીકે એક અલગ છાપ ઉભી કરી. પાલિકાના રાજકારણમાં હવે હુકમનો એક્કો ગણાવા લાગ્યા હતા. તેમની રાજકીય વગ દિલ્હી સુધી હતી. મોટા ગજાના નેતાઓ સાથે તેમનો ધરોબો વધતો ગયો પરિણામે પોરબંદર જેવા નાના શહેરમાં તેમના આમંત્રણને માન આપી દિલ્હીના નેતાઓ તેમના મહેમાન બનતા. દિગ્ગજ નેતા અને બાદમાં દેશના પ્રધાનમંત્રી બનેલા ચંદ્રશેખર પોરબંદરના મહેમાન બન્યા હતા. સુદામા ચોકમાં ચંદ્રશેખરને સાંભળવા માટે મોટી જનમેદની ઉમટી હતી. વસનજી દિલ્હીથી ચંદ્રશેખરને બોલાવી સભા કરતા તેમની એક અલગ છાપ ઉભી કરવામાં સફળ રહ્યા. 1975 માં તેઓ ધારા સભ્ય તરીકે પણ સેવા આપી ચૂકયા છે.

મિત્રો આજે વસનજી ભાઈ ના વિચારો દરેક લોહાણા યુવકો ના દિલ માં હોવા જોઈએ અને મિત્રો વસનજી ભાઈ ને સાચી શ્રદ્ધાંજલી એ છે કે તેના વિચારો પ્રમાણે નિર્ભય અને નીડર બની જીવવું વસનજીભાઈ ભલે આપની વચ્ચે નથી પણ ઍક વિચારધારા રૂપે દરેક યુવાનો ના દિલ માં જીવંત છે.
આલેખન –એડવોકેટ કેતનભાઈ કોટેચા
આજે સોનાપુરી ખાતે સાંજે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરાશે
પોરબંદરનું ગૌરવ અને રઘુવંશી લોહાણા સમાજ અને પોરબંદર વાસીઓ આજે પણ જેમને હ્રદયથી યાદ કરે છે તેવા સ્વ વસનજીભાઈ નું ઋણ ચૂકવવાનો સમય એટલે કે વસનજીભાઈ ખેરાજભાઈ ઠકરાર ની પુણ્યતિથિ આજે તા 18/5/2025 ના દિવસે આપણે પોરબંદરના તમામ જાગૃત અને સામાજિક ,ધાર્મિક,શૈક્ષણિક કે રાજકીય સંસ્થા સાથે જોડાયેલ તમામ લોકો એ સાંજે 5 વાગ્યે એક પાંચ મિનિટનું મૌન પાડી અને પુષ્પાંજલિ અર્પણ કરી આપણે વસનજીબાપા નું રૂણ ચૂકવીએ તો ચાલો બધા 18 /5/2025 ના દિવસે સાંજે 5 વાગ્યે મળીએ સોનાપુરી ,સ્મશાન પોરબંદર*


