પોરબંદર
ચોમાસાની મોસમ આવે એટલે ઝાડ-પાનથી લઈ પશુ-પક્ષી અને દરેક માનવીનું મન કિલ્લોલ કરવા લાગે છે. હાલ માં પડી રહેલા સાર્વત્રિક વરસાદ ના લીધે પોરબંદરવાસીઓ પણ હરખાઈ રહ્યા છે. પરંતુ ચોમાસાની મીઠી યાદોની સાથોસાથ પોરબંદરમાં ૪૦ વર્ષ પહેલા આવેલ જળહોનારતની કડવી યાદો હજુ પણ પોરબંદરવાસીઓના દિલોદિમાગમાંથી વિસરાતી નથી.૪૦ વર્ષ પૂર્વે આજના દિવસે આવેલી જળહોનારતમાં અનેક પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
ચોમાસાની મોસમ આવે એટલે એક વખત પોરબંદરના લોકોને 22 જુન યાદ અચૂક આવી જાય છે. ૪૦ વર્ષ પૂર્વે તા. 22/6/1983 ના રોજ પોરબંદરમાં આવેલી જળહોનારતને લીધે પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું. આ દિવસે રાતના સમયે અચાનક મેઘરાજાએ માઝા મૂકી હતી અને તે વખતે એકીસાથે ૨૫ ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત ઘેડ વિસ્તારની લોકમાતાઓ ભાદર-ઓઝત, મધુવંતી, મિણસાર વગેરે માં ઉપરવાસમાંથી પાણી આવતા મોકરના રણમાં પાણી પ્રવેશ્યા હતા અને તે પાછલે રસ્તે ઠોયાણા, રાણાવાવ, પીપળીયા, વનાણા, રાંધાવાવ, રતનપર, છાયાં પોરબંદરમાં પ્રવેશ્યા હતા. અડધી રાત્રે લોકો નિંદ્રાધીન હતા તેવા સમયે પોરબંદર શહેરમાં પાણી ભરાવા લાગ્યું હતું અને ગણતરીના સમયમાં પૂરના પાણી વધવા લાગતા લોકો જેમ-તેમ હાથમાં લાગ્યો તે માલસામાન લઈ મકાનની અગાસીઓ ઉપર ચડી ગયા હતા. જોતજોતામાં સમગ્ર શહેરના મોટાભાગના વિસ્તારોમાં 8 થી 10 ફૂટ જેટલા ઉંચા પાણી ભરાઈ ગયા હતા. આ પૂરના લીધે અનેક પશુઓના મોત થયા હતા, તો મોટાપાયે ખુવારી પણ થઈ હતી. જેમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી લોકોની ઘરની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી. અમુક વિસ્તારમાં હોડીઓ તરાવવી પડી હતી અને આઠથી દશ દિવસ અનેક વિસ્તારો માં હોડીઓ તરતી રહી હતી પોરબંદર સમસ્ત ખારવા સમાજે ઝીંદાદીલ માનવતા દર્શાવી હોડી મારફત રાહત સામગ્રી જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં ખુબ મદદ કરી હતી તે વખતે સમુદ્ર માં પણ ભારે કરંટ જોવા મળતો હતો અને બ્રેક વોટર દિવાલ ઓળંગી સમુદ્ર ના મોજા બહાર ફેંકાયા હતા અને ચોપાટી નો સિમેન્ટ રોડ પણ તહેસનહેસ થઇ ગયો હતો.