પોરબંદર જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે તા.૧૦ ડિસેમ્બરને રવિવારનાં રોજ સવારે ૮ વાગ્યાથી સાંજના ૫ સુધી ૧૨૮૦ બુથ પર 0 થી 5 વર્ષ સુધીના બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આ અંગેની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર જિલ્લાનું એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા મેડિકલ ઓફિસર્સને જિલ્લા કલેકટરએ સૂચના આપી હતી. પોરબંદર, કુતિયાણા, રાણાવાવ શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં કુલ ૬૨૫૮૨ બાળકોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
પોરબંદર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા શહેરી આરોગ્ય કેન્દ્રો સહિત તમામ બૂથ પર 334 ટીમના 1280 આરોગ્ય કર્મચારી દ્વારા આ કામગીરી કરવામાં આવશે. તા.૧૧ ડિસેમ્બર અને તા.૧૨ ડિસેમ્બરના રોજ ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને બાકી રહેલ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે.
આ ઉપરાંત બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ચોપાટી, રિવરફ્રન્ટ, કમલાબાગ સહિત જાહેર સ્થળ ઉપર હોય ત્યાં ૧૯ ટ્રાન્ઝીસ્ટ બૂથ પર અને મોબાઈલ ટીમ દ્વારા બાળકોને શોધી પોલીયોની રસી પીવડાવવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર, સીવીલ સર્જન, આરોગ્ય અધિકારી કરમટા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.