પોરબંદરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે શનિવારે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૫ વાગ્યે મુખ્યમંત્રીનું પોરબંદરમાં આગમન થશે. અને ત્યારબાદ તેઓ ગાંધીજન્મ સ્થાન કીર્તિમંદીરે પુજય બાપુને શીશ નમાવવા જશે. કીર્તિમંદીર ખાતે કેટલોક સમય પસાર કર્યા પછી તેઓ સુદામાચોક ખાતે આવશે. જયાં તેમનું સ્વાગત થશે.
સુદામાચોકમાં આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત એક કલાકનો કાર્યક્રમ યોજવામાં આવશે . જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોરબંદરવાસીઓને સંબોધન કરશે. આ કાર્યક્રમ બાદ સુદામાચોક નજીક ખાદીભવન પાસેથી હનુમાનગુફા પોલીસ ચોકી થઇને રેલ્વે સ્ટેશન સુધીની તિરંગાયાત્રા રેલી યોજાશે. જેનું શહેરનું અનેકવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. અનેરો તિરંગો માહોલ આ રૂટ ઉપર જોવા મળશે. રેલ્વે સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થળે પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ આ તિરંગાયાત્રા રેલીનું સમાપન થશે.
તિરંગાયાત્રા રેલીના સમાપન પછી મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની અને ભાજપના આગેવાનો કાર્યકરોની ટીફીન બેઠકનું આયોજન વનાણા ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપ સંગઠનના રત્નાકરજી પણ ખાસ હાજરી આપશે. તે ઉપરાંત, ભાજપના પ્રભારી મહેશભાઈ કશવાલા અને જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ સમગ્ર કાર્યક્રમમાં જોડાશે.જેના માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.