પોરબંદર ના વનાણા ટોલનાકા પાસે આઠ મહિના પહેલા બનેલા અપહરણ મારામારીના કેસમાં ત્રણ શખ્સોને રાણાવાવ પોલીસે ઝડપી લીધા છે.
રાણાવાવના સ્ટેશનપ્લોટમાં રહેતા અને વનાણા ટોલનાકા નજીક આવેલ હોટેલ વિરામના પાનના ગલ્લે નોકરી કરતા લખન મુકેશભાઈ કિલાણીયા દ્વારા આઠ મહિના પહેલા પોલીસ ફરીયાદ નોંધાવાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે રાત્રે અઢી વાગ્યે નવેક લોકો હોટલે આવ્યા હતા તેઓનું સિગરેટ, પાણીની બોટલ તથા ઠંડાપીણાની બોટલ નું ૪૦૦ રૂપિયાનું બીલ માંગતા તેની સાથે માથાકુટ કરી ગાળો બોલવા લાગ્યા હતા. અને તેને દુકાનની બહાર ઢસડીને માર માર્યા બાદ કાર માં અપહરણ કરીને રાણાવાવ બાયપાસ ઉપર લઇ ગયા હતા. અને તેને ત્યાં મારીને ફરી પાછો કારમાં બેસાડીને હોટલે ઉતારી ગયા હતા.
આથી એક વ્યકિતના નામ જોગ અને આઠ અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો.જેમાં ત્રણ આરોપીઓ રાજુ ઉર્ફે રાજ લખમણભાઈ મુળીયાશીયા (ઉ.વ. ૨૧,રહે. આશાપુરા જગદીશ ગેસગોડાઉન પાછળ),અજીત પરબતભાઈ વિસાણા (ઉવ. ૨૧, રહે. ખાપટ મારૂતી મીલની બાજુમાં) તથા વિશાલ ઉર્ફે ચડ્ડો માલદેભાઈ પાંડાવદરા (ઉ.વ. ૨૦ રહે. આશાપુરા આશાપુરા જગદીશ ગેસગોડાઉન પાછળ) નાસતા ફરતા હતા. તેને પોલીસે ઝડપી લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.