પોરબંદર નજીકના ફટાણા ગામે આવેલા પ્રખ્યાત શિવ મંદિર પાસે દીવાલનો ધોવાણ અટકાવવા માટે સેન્ટીંગનું કામ કરવા આવેલા જામ રાવલના યુવાનના લોખંડના ૬૦ ચોકા કે જેની કિંમત રૂપિયા ૫૪૦૦૦ હજાર થાય છે તે કોઈ ચોરે ચોરી લીધા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.જેનો ભેદ ઉકેલી પોલીસે રાવલ ના ત્રણ શખ્સો ને મુદામાલ સાથે ઝડપી લીધા છે.
પોરબંદરના બગવદર પોલીસ મથકમાં જામરાવલ ગામે હનુમાન ધાર ગૌશાળા પાસે રહેતા કેશવ સુકાભાઈ વાઘેલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી કે તે સેન્ટીંગનું મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે અને તારીખ ૧૩-૬ના ફટાણા ના આગેવાન નિર્મલજી રામાજી ઓડેદરા એ ફોન પર જણાવ્યું હતું કે ફટાણા ગામે આવેલા પ્રાચીન ઝાલેશ્વર મહાદેવના મંદિર પાસે દીવાલ નું ધોવાણ અટકાવવા માટે સેન્ટીંગનું કામ કરવાનું છે. આથી તમે સેન્ટીંગનો સામાન લઈને આવી જજો. માટે કેશવભાઈ તારીખ ૧૫- ૬ ના સવારે ૧૦ વાગ્યે લોખંડના ૬૦ નંગ ચોકા અને બીજો સેન્ટિંગનો જરૂરી સામાન વાહનમાં ભરી અને આવ્યા હતા. અને ફટાણા ગામે ઝાલેશ્વર મંદિરની બાજુની ખુલ્લી જગ્યામાં સામાન ઉતાર્યો હતો.
પરંતુ વાવાઝોડાની પરિસ્થિતિ હોવાથી કામ શરૂ કર્યું ન હતું. અને સામાન ત્યાં જ મૂકીને તે પોતાના જામરાવલ ગામે જતો રહ્યો હતો. ત્યારબાદ તારીખ ૧૯-૬ ના સવારે પોતે રાવલ થી ફટાણા ગામે ગયો અને ત્યાં તપાસ કરતા સેન્ટીંગનો અમુક સામાન નજરે ચડ્યો ન હતો જેમાં ૬૦ નંગ ચોકા મળી આવ્યા ન હતા. આજુબાજુમાં તપાસ કરવા છતાં તેનો પતો નહીં મળતા એક ચોકો રૂ ૯૦૦ નો હોવાથી ૬૦ નંગ ચોકા કે જેની કિંમત રૂા. ૫૪ હજાર થવા જાય છે જે અજાણ્યો ચોર તારીખ ૧૫ જૂન થી તારીખ ૧૯ જૂન દરમિયાન ચોરી કરીને લઈ ગયો હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બગવદર પોલીસે આરોપી ને ઝડપી લીધા
બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સેન્ટીંગના લોખંડના ચોકા નંગ-૬૦ કિ.રૂા. ૫૪,૦૦૦ના સામાન ચોરી અંગેના નોંધાયેલા ગુન્હાના આરોપીઓને ઝડપી લેવા બગવદર પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. એ.એ.મકવાણા, તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. બી.ડી. ગરચર તથા પો.કોન્સ. જયમલભાઇ સામતભાઇ મોઢવાડીયા તથા દુલાભાઇ લખમણભાઇ ઓડેદરા તથા વિપુલભાઇ કમલેશભાઇ ઘુઘલ દ્વારા લોકલ સી.સી.ટી.વી. કેમેરા તથા સ્ટાફની મદદથી તપાસી ચોરી નો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ મારફતે બાતમી હકીકત મળેલ કે આ ચોરીમાં ગયેલ માલસામાન બોલેરો ગાડીમાં ભરીને જીવા બાબુભાઇ મારૂ રહે. રાવલગામ, જી. દેવભૂમિદ્વારકાવાળો ચોરી કરી ગયો હતો.
આ બાતમીના આધારે આ શખ્સ ને સત્વરે શોધી કાઢી પૂછપરછ કરતા અન્ય સહ આરોપી પ્રતાપ ભીખાભાઇ કાગડીયા તથા વિજય રમેશભાઇ મકવાણા રહે. બંને રાવલગામ, જી. દેવભૂમિદ્વારકાવાળાઓએ સંયુકતમાં આ માલસામાન બોલેરો ગાડીમાં ભરી લઇ ચોરી કરી અને આ મુદામાલ અડવાણા ચેકપોસ્ટની બાજુમાં આવેલ ઉંડા ખીણ જેવા ખાડામાં રાખેલ હોવાનું જણાવ્યું હતું આમ તમામ શખ્સો એ એકબીજાને મદદગારી કરી આ સેન્ટીંગના લોખંડના ચોકા નંગ-૬૦ ચોરી કરેલાની કબુલાત કરી હતી.આ શખ્સો અન્ય કોઈ ચોરી માં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ કામગીરી પોલીસ સબ ઇન્સ. એ.એ.મકવાણા તથા પો.હેડ.કોન્સ. બી.ડી.ગરચર તથા પોલીસ કોન્સ. જયમલભાઇ સામતભાઇ મોઢવાડીયા, દુલાભાઇ લખમણભાઇ ઓડેદરા તથા વિપુલભાઇ કમલેશભાઇ ઘુઘલ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.