પોરબંદર ખાતે ત્રિદિવસીય રાજ્યકક્ષ ના ગ્રન્થાલય સેમીનાર નું આયોજન કરાયું હતું જેમાં રાજ્યભર ના ગ્રંથપાલ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતન-પોરબંદરના સેવા સહયોગથી રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન-કોલકાતા અને ગુજરાત સરકારશ્રીના ગ્રંથાલય ખાતાની આર્થિક ગ્રાન્ટ વડે ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ, ગુજરાત રાજ્ય-અમદાવાદ આયોજીત ૯મો રાષ્ટ્રીય અને ૩૯મા રાજ્યકક્ષાના ત્રિદિવસીય ગ્રંથાલય સેમિનારનું તા. ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી-૨૦૨૪ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતનની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં આયોજન કરવામાં આવેલ.
સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા સંસ્કૃતમાં સુમધુર સંગીત સાથે માતા સરસ્વતીની પ્રાર્થના એવં વેદમંત્રોનો ઉદ્ઘોષ કરવામાં આવ્યો અને મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય કરી આ સેમિનારનો શુભારંભ કરાવ્યો હતો. આવનાર સમય સાથે તાલ મેળવવા, ગ્રંથાલયને સુસજ્જ કરવા માટે શાળા, કોલેજ, યુનિવર્સિટી, સાર્વજનિક ગ્રંથાલયોના ગ્રંથપાલ તથા ગ્રંથાલય અને માહિતી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ લખેલા ૬૧ નિબંધોનાં સંગ્રહને ‘નૂતન પરિપ્રેક્ષ્યમાં ગ્રંથાલયોની પુનઃરચના’ સ્વરૂપે પ્રગટ થયેલા આ દળદાર ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું. ત્યારબાદ ગુજરાત ગ્રંથાલય સેવા સંઘના પ્રમુખ પંકજભાઈ બાવીસીએ સંઘવતી સૌ મહાનુભાવોને મીઠો આવકાર આપ્યો હતો આ તકે સાંદીપનિના ટ્રસ્ટી અને જાણીતા તબીબ ડૉ. ભરતભાઈ ગઢવીએ પૂજ્ય ભાઈશ્રી સ્થાપિત સાંદીપનિનો પરિચય આપી ઋષિકાલીન પરમ્પરાનો ઉલ્લેખ કરતા ઉપસ્થિત સૌએ પ્રસન્નતા અનુભવી હતી અને પૂજ્ય ભાઈશ્રીના ગ્રંથો તથા ‘તત્ત્વ દર્શન’ માસિકપત્રિકાના પ્રકાશનમાં ચાલતી વિશેષ ગ્રંથાલય યોજના વિશે માહિતી આપી હતી.
વિશેષ અતિથિ તરીકે પધારેલા પોરબંદર ના પ્રખર ઈતિહાસવીદ્ સાહિત્યકાર નરોત્તમભાઈ પલાણે સૌ ગ્રંથપાલોની સંશોધનસેવાને બિરદાવતા જણાવ્યું હતું કે ગ્રંથાલયોની ગુણવત્તા સુધારણા માટે આવા સેમિનાર ખૂબ જરૂરી છે. આ સાથે તેમણે ગ્રંથપાલની સમાજમાં આવશ્યકતા તથા પોતાના સંશોધન કાર્યમાં ગ્રંથપાલોનો ફાળો ખૂબ મહત્વનો જણાવ્યો. ત્યારબાદ સેમિનારમાં બુક ઓફ પેપર્સના નિબંધોની આવેલા લેખકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી. ગ્રંથાલય ક્ષેત્રમાં થનારા અનેક સંશોધનો વિશે આ સેમિનાર દ્વારા માહિતીનું આદાન-પ્રદાન થતું જોવા મળ્યું.
ત્રીજા દિવસે સેમિનારના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેલા પોરબંદરના જાણીતા કેળવણીકાર ડૉ. ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યુ હતું કે પુસ્તકોની કિંમત ભલે સાધારણ હોઈ એમાં સંસ્કાર કરોડોના હોઈ છે. પોરબંદરમાં જન્મેલા ગાંધીજીને મોહનમાંથી મહાત્મા બનાવવામાં પુસ્તકોનો ફાળો મહત્વનો રહ્યો છે. આ તકે ગ્રંથપાલોએ પોતાના પ્રતિભાવમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાએ વેદકાલીન ઋષિપરંપરા અને ભારતીય સંસ્કૃતિને વેગવાન બનાવવા તેમણે આપેલા સૂત્ર ‘જ્ઞાનાર્થે પ્રવેશ’ અને ‘સેવાર્થે પ્રસ્થાન’ને સાર્થક કર્યાનો અમોને અહેસાસ થયો છે અને સેમિનાર પણ સફળ થયો છે તેમ જણાવ્યું. આ તકે પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ રૂપે ગ્રંથાલય સેવા સંઘના સભ્યોને રામનામી, શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનની છબી અને સાથે પૂજ્ય ભાઈશ્રીના વિચારોને પ્રગટ કરતા પુસ્તકો અર્પણ કરવામાં આવ્યાં હતા તથા બધા ગ્રંથપાલોને સાંદીપનિ ગ્રંથમંદિર તરફથી ભાગવતરત્નમંજૂષા અને વિષ્ણુસહસ્રનામસ્તોત્ર પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવેલ.
આ સેમિનારમાં ભાવનગરના ગ્રંથાલય મદદનીશ નિયામક લલિતકુમાર મોઢ, ગુજરાત ગ્રંથાલય સેવા સંઘના હોદેદરો પંકજભાઈ બાવીશી, નવલસિંહ વાઘેલા, કિરીટભાઈ ગંધકવાલા, હિમાંશુભાઈ પાંધી, સાંદીપનિના ટ્રસ્ટી ડૉ ભરતભાઈ ગઢવી, મેનેજર મનોજભાઈ મોઢા, પ્રિન્સિપાલ બિપિનભાઈ જોશી, ગ્રંથપાલ હાર્દિકભાઈ પુરોહિત, પોરબંદરના ગ્રંથપાલ એચ. એમ. ડાંગર સહીત રાજ્ય ભરમાંથી બહોળી સંખ્યામાં ગ્રંથપાલો તથા વિદ્યાર્થીઓએ પણ બહોળી સંખ્યામાં હાજર રહીને સેમિનારને શોભવ્યો હતો.

