પોરબંદર ના યુવાનને મૂળ પોરબંદર અને હાલ અમદાવાદ રહેતા શખ્સે ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરના વાડીપ્લોટમાં આવેલા વાસ્તુશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અને અમદાવાદ ખાતે કન્સ્ટ્રકશનનું કામ કરતા રોનક પ્રતાપભાઈ ખુંટી(ઉવ ૩૨) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તે પોરબંદર હિત રક્ષક સમિતિ નામના વોટ્સએપના ગ્રુપમાં સભ્ય છે.ગ્રુપના એડમીન અને સ્થાપક મુળ ગરેજ તથા હાલ અમદાવાદ રહેતા હરદાસ ઉર્ફે રાજુ ભગતભાઈ ઓડેદરા છે.
અને આ વોટ્સઅપ ગ્રુપમાં એકાદ વર્ષ પહેલા રાજુ ઓડેદરાએ રોનકના સબંધી અર્જુનભાઈ મોઢવાડિયા અને રામદેભાઈ મોઢવાડિયા વિરુદ્ધ ગાળો બોલીને અભદ્ર ટીપ્પણીવાળા મેસેજ કર્યા હતા.માત્ર રામદેભાઈ કે અર્જુનભાઈ જ નહી પરંતુ તેમના પરિવારજનોને સંબોધીને પણ વાણી વિલાસ થયો હતો. ફેસબુકમાં પણ તેણે પોતાની આઈ.ડી. રાજ ઓડેદરામાં થી રામદેભાઈ અને અર્જુનભાઈને સંબોધીને ગાળો દઈને કોમેન્ટ કરી હતી. રાજુ ઓડેદરાની ફેસબુક આઈ.ડી. અને વોટ્સઅપ ગ્રુપમાં જે ખરાબ મેસેજ હતા એ બાબતની જાણ રોનકે અર્જુનભાઈના પી.એ.કેશુભાઈ વાઢેર તથા રામદેભાઈ મોઢવાડિયાને કરી હતી.
ચાર મહિના પહેલા રોનક કન્સ્ટ્રકશનને કામે અમદાવાદ ગયો ત્યારે આ રાજુ ઓડેદરા તેને ત્યાં રૂબરૂ મળ્યો હતો.ત્યારે રોનકે રાજુને કહ્યું હતું કે,તમે મારા સબંધી અર્જુનભાઈ અને રામદેભાઈ મોઢવાડિયા વિરુદ્ધ શા માટે ખરાબ મેસેજ કરો છો? ત્યારે રાજુ કશું બોલ્યો ન હતો. ફરીયાદમાં જણાવ્યા અનુસાર ત્યારપછી રોનકને જાણવા મળ્યું હતું કે,આ રાજુ ઓડેદરા વર્ષ ૨૦૦૭ માં અર્જુનભાઈ મોઢવાડિયાની પોરબંદરના વાડીપ્લોટમાં આવેલી અર્જુનભાઈની ઓફીસમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો.
તા.૬.૩.૨૦૨૪ ના ફરીયાદી રોનક ખુંટી ઘરે હતો ત્યારે બપોરે ૨:૨૫ એ રાજુ ઓડેદરાએ મોબાઈલ પર ફોન કરીને પુછ્યું હતું કે,તું ક્યા છે?આથી રોનકે તેને એવું જણાવ્યું હતું કે,તે પોતાના ઘરે છે.રાજુએ એવું પુછ્યું કે અર્જુન અને રામદે તારા શું સગા થાય છે.ત્યારે ફરીયાદી રોનકે તેને એવું જણાવ્યું હતું કે,તેઓ તેના કુટુંબી છે.તેમ કહેતા જ રાજુ તેને ગાળો બોલવા લાગ્યો હતો અને ગાળો બોલવાની ના પાડતા રાજુ ઉશ્કેરાઈ ગયો હતો.તથા “જો તું તારા સબંધીઓની તરફેણમાં રહીશ તો તને જીવતો નહી રહેવા દઉ તેમ કહી હત્યાની ધમકી આપી હતી.આથી ફરીયાદીએ ફોન કટ કરી નાખ્યો હતો અને રાજુને બ્લોક લીસ્ટમાં મુકી દીધો હતો.તેને અંતે કમલાબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે