રાણાવાવ ના અનેક સરકારી કર્મચારીઓ પોતાના સંતાનો ના અભ્યાસ માટે સરકારી સીમ શાળા પસંદ કરી છે. ખાનગી શાળા ને પણ ટક્કર મારે તેવી સુવિધા ધરાવતી ભોરાસર સીમ શાળા માં અનેક સરકારી કર્મચારીઓ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
પોરબંદર સહીત રાજ્યભર માં એવી સ્થિતિ છે કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. અને આવી શાળાઓનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. માત્ર ગરીબ વિદ્યાર્થીઓ આવી શાળા માં અભ્યાસ માટે જાય છે. જયારે સરકારી કર્મચારીઓ પોતાના સંતાનો માટે મોટે ભાગે ખાનગી શાળાઓ જ પસંદ કરે છે. પરંતુ રાણાવાવ નજીક આવેલી ભોરાસર સીમ શાળામાં આ માન્યતા ખોટી ઠરી છે.અનેક સરકારી કર્મચારીઓના સંતાનો ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. સ્વચ્છતા, શિક્ષણ અને હરીયાળી બાબતે આ શાળા કોઈ પણ ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી છે.
આ સીમ શાળાએ સ્વચ્છતા સહિતના અનેક એવોર્ડ મેળવીને શિક્ષણક્ષેત્રે પોરબંદરને ગૌરવ પ્રદાન કર્યું છે. આ શાળામાં પ્રવેશતા જ ચારે તરફ હરિયાળી જોવા મળશે. સ્વચ્છતાનું તો જાણે આ મંદિર હોય તેવી અનુભુતિ થાય છે. શાળામાં બાળકોને શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય છે. સામાન્ય રીતે શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ પોતાના બાળકોને સારી એવી ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા હોય છે. પણ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતા નથી એવો પ્રશ્ન વારંવાર ઉઠે છે. તેનો જવાબ આ સીમ શાળા આપે છે.
શાળાની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.એક સમયે માત્ર ૪ વિદ્યાર્થી હતા હાલ ૨૦૦ જેટલા વિદ્યાર્થી અને ૮ જેટલા શિક્ષકોનો સ્ટાફ છે. અત્રે નોંધનીય છે કે, આ શાળાને શાળા ગુણવત્તા એવોર્ડ, સ્વચ્છ શાળા એવોર્ડ, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર, ગ્રીન સ્કુલ એવોર્ડ મળ્યો છે. સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ રમત-ગમત અને વિવિધ પરીક્ષાઓ અને પ્રવૃતિઓમાં પણ રાજયકક્ષા સુધી અગ્રેસર છે. સરકારી શાળામાં બાળકનું સારું ઘડતર થઇ શકે નહી, ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે નહી તે માન્યતા આ શાળા એ ખોટી પાડી છે.
આજે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.જેની પાછળ સ્માર્ટ સરકારી શાળા, વિદ્વાન શિક્ષકો, અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.રાજયમાં હવે ખાનગી શાળાની સામે સરકારી શાળાનું મહત્વ વધતું જઈ રહ્યું છે. એક સમય હતો કે જયારે સરકારી શાળાનું નામ સાંભળતા જ લોકોના નાકનું ટીચકું ચઢી જતું.જો કે બદલાતા સમય સાથે સ્થિતિએ પલટો માર્યો છે.સરકારી શાળાના બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ આગળ લાવવા માટે મહત્વની તાલીમ આપવામાં આવે છે.બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
શાળા ના આચાર્ય થી લઇ અધિકારીઓ,શિક્ષકો ના સંતાનો પણ અહી કરી રહ્યા છે અભ્યાસ
અહીંની શાળામાં ખુદ આચાર્ય લાખાભાઈ ચુંડાવદરાનો પુત્ર પાર્થ ધો-૬, આસિસ્ટન્ટ શિક્ષિકા શાંતિબેન લાખાણા નો પુત્ર મિલન કુછડીયા ધો-૩, માધ્યમિક શાળાના શિક્ષક હરસુખભાઈ શિંગડિયાનો પુત્ર શિવમ ધો.-૩, પ્રાથમિક શાળાના શિક્ષક ભાવિનભાઈ કોરીયાનો પુત્ર શ્રેયાંશ ધો-૨, રામગઢ પ્રાથમિક શાળાના શિક્ષક ધોકિયા સંગીતાબેનનો પુત્ર નિર્મિત ધો-૩, ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા ગૌરવભાઈ બટ્ટીનો પુત્ર હેત ધો-૨ તેમજ કિરીટભાઈ બરૈયાની પુત્રી હીતા ધો-૨ અને પુત્ર ધાર્મિક ધોરણ – બાલવાટિકા, એલ. આઈ.સી. ઓફિસર તરીકે ફરજ બજાવતા ધરણાંતભાઈ ચાવડાનો પુત્ર સોહમ ધોરણ-બાલવાટિકા, બી.આર.પી., બી.આર.સી. ભવન રાણાવાવના કરશનભાઈ કામળીયા પુત્રી વિશ્વા ધોરણ-બાલવાટિકા, આશાવર્કર હિરીબેન કદાવલાનો પુત્ર કેવલ ધો-૮, તાલુકા પંચાયત રાણાવાવમાં ફરજ બજાવતા મયુર ભુવાનો પુત્ર શ્યામ ધો-૬ ઉપરાંત કેટલાય પ્રતિષ્ઠિત લોકો ,ખાનગી સંસ્થાઓના કર્મચારીઓ, વેપારીઓ, કોન્ટ્રાકટરોના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે.